<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th January 2026

કોર્પોરેટ કર્મચારીઓની ભડાસ શાંત કરવાની સર્વિસ શરૂ કરી ચીની એપે

આ સર્વિસ ખૂબ જ નોમિનલ ચાર્જ સાથે મળે છે. ફોન પર જ વાત થતી હોવાથી તમારી ઓળખ ગુપ્ત રહે છે

બીજીંગ તા.૧૭: એવી કઈ વ્‍યક્‍તિ હશે જેને પોતાના જીવનમાં તેની સાથે જે કંઈ પણ થઈ રહ્યું છે એ માટે ગુસ્‍સો ન આવ્‍યો હોય? વર્કપ્રેશરના સ્‍ટ્રેસને કારણે હોય કે પછી તમારી સાથે રમાતી રાજરમતનો ગુસ્‍સો, બધું જ સાંભળીને તમને શાંત કરી આપે એવી એક એપ શરૂ થઈ છે ચીનમાં. ‘મિઆઓ હુઈ શી' નામની આ સર્વિસ એવા લોકોને મદદ કરે છે જે લોકો ગુસ્‍સો ફીલ કરી રહ્યા હોય, કોઈક કારણસર ઉદાસ અને ઇમોશનલી ડિસ્‍ટર્બ્‍ડ ફીલ કરી રહ્યા હોય. મોટા ભાગે પ્રોફેશનલ વર્કને કારણે આવી લાગણીઓના વમળમાં જો તમે ફસાયા હોય તો ચીની સર્વિસ તમારી વાત શાંતિથી સાંભળશે, કોઈ જ પૂર્વગ્રહ વિના અને કોઈ જ પૂર્વધારણાઓ બાંધ્‍યા વિના. તમે કોઈ જ ચિતા વિના તમારા મગજની ભડાસ એક એવી જગ્‍યાએ કાઢી નાખી શકો છો જેનાથી તમારી કરીઅર કે જોબને કોઈ તકલીફ નથી થવાની. આ સર્વિસ ખૂબ જ નોમિનલ ચાર્જ સાથે મળે છે. ફોન પર જ વાત થતી હોવાથી તમારી ઓળખ ગુપ્ત રહે છે. ચીની કંપનીનું કહેવું છે કે કોર્પોરેટ કંપનીના કર્મચારીઓ તેમનું ફ્રસ્‍ટ્રેશન કાઢવા માટે આ સર્વિસનો ધૂમ ઉપયોગ કરે છે. તેઓ ગુસ્‍સો કાઢે છે અને સર્વિસ પ્રોવાઇડર એપના નિષ્‍ણાતો એ સાંભળે છે અને તેમનું મગજ શાંત થાય એવો રિસ્‍પોન્‍સ આપે છે

(10:03 AM IST)