<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th January 2026

ઈરાનમાં આંતરિક ગૃહયુદ્ધની સ્થિતિ વીકરતી જાય છે

જેલમાં પણ વિરોધ અને વિદ્રોહની આગ ફેલાઈ:ખામેનેઈ દ્વારા હજારો લોકોને જેલમાં ધકેલવામાં આવ્યા:પહેલેથી જ જે હજારો લોકો જેલમાં છે તેમણે પણ હલ્લાબોલ શરૂ કર્યું છે

નવી દિલ્હી: ઈરાનમાં ચાલી રહેલા વિરોધ અને વિદ્રોહ વચ્ચે સમગ્ર દુનિયાના સમીકરણ બદલાઈ રહ્યા છે. ખાસ કરીને અમેરિકાએ હવે ઈરાન સામે યુદ્ધનો મોરચો માંડી લેતાં વૈશ્વિક સ્થિતિ ડામાડોળ થવા લાગી છે. બીજી તરફ ઈરાનમાં આંતરિક ગૃહયુદ્ધની સ્થિતિ વકરતી જાય છે. ઈરાનમાં હાલમાં જેલમાં પણ વિરોધ અને વિદ્રોહની આગ ફેલાઈ છે. ખામેનેઈ દ્વારા હજારો લોકોને જેલમાં ધકેલવામાં આવ્યા છે અને પહેલેથી જ જે હજારો લોકો જેલમાં છે તેમણે પણ હલ્લાબોલ શરૂ કર્યું છે. જાણકારોના મતે ઈરાન એક એવો દેશ છે જ્યાં સત્ય બોલવું કે હકની માગણી કરવા તે મોતને આમંત્રણ આપવા સમાન છે. ઈરાનની જેલો આજે અત્યાચાર અને મોતના કારખાના જેવી ગણાય છે. અહીંયા આજે પણ હજારો લોકોને માત્ર એટલા કારણથી જ જેલમાં ધકેલી દેવાયા છે કારણ કે તેઓ પોતાના અધિકારની માગણી કરતા હતા. તાજેતરમાં માનવાધિકાર સાથે જોડાયેલો એક અહેવાલ સામે આવ્યો છે. તેમાં જણાવાયું છે કે, અહીંયા જાહેરમાં ફાંસી આપવાની પ્રથા અટકાવવા અને આ ફાંસીનો વિરોધ કરનારને જાહેરમાં કોરડા ફટકારવાની સજા છે. તેના વિરોધમાં કેદીઓ હવે ભુખ હડતાળ ઉપર ઉતરી આવ્યા છે.
એચઆરએએનએનો એક અહેવાલ જણાવે છે કે, ઈરાનમાં સ્થિતિ અત્યંત ખરાબ છે. વર્તમાન સરકાર દ્વારા અમાનવીય વર્તન કરવામાં આવી રહ્યું છે. ૨૦૨૫-૨૬ દરમિયાન ઈરાન સરકાર દ્વારા પોતાના જ નાગરિકોનો અવાજ દબાવવા અને તેમની અધિકારોની માગણીઓને કચડી નાખવા માટે ન્યાયંત્રની કામગીરી અને સુરક્ષા દળોની કામગીરીને આક્રમક બનાવી દેવાઈ છે. અનેક લોકોને પકડી પકડીને જેલમાં નાખવામાં આવી રહ્યા છે. જેલોમાં કેદીઓની સંખ્યામાં અધધ વધારો થઈ રહ્યો છે. બીજી તરફ જેલમાં લોકો સાથે અમાનવીય વ્યવહાર કરવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ઈરાન એક એવો દેશ છે જ્યાં માનવાધિકારોનો કચ્ચરઘાણ વાળી કાઢવામાં આવે છે. અહીંયા કોઈને પણ ફાંસીની સજા થવી ખૂબ જ સામાન્ય બાબત બની ગઈ છે. અહેવાલો જણાવે છે કે, ગત વર્ષે ઈરાનમાં ૮૧૧ લોકોને ફાંસીની સજા આપવામાં આવી હતી. તેમાંથી ઘણા લોકોને જાહેરમાં ફાંસીએ ચડાવવામાં આવ્યા હતા. સરકારની જઘન્ય માનસિકતા છે કે, લોકોને આ રીતે જાહેરમાં ફાંસી આપવાથી બાકીના લોકો દબાણમાં રહે છે અને ભયમાં રહે છે. દુઃખની વાત એ છે કે, ગત વર્ષે જે લોકોને જેલમાં કે જાહેરમાં ફાંસીની સજા આપવામાં આવી તેમાંથી મોટાભાગના લોકોએ તો પોતાના અધિકારની માગણી કરી હતી. અધિકારના બદલે તેમને મોત આપવામાં આવ્યું હતું.

 

(5:15 PM IST)