<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th January 2026

ઈરાનમાં સરકાર વિરોધ પ્રદર્શનો પર વહીવટીતંત્રએ કરેલ કડક કાર્યવાહીના કારણોસર પરિસ્થિતિ બની અત્યંત ગંભીર

આ હિંસામાં અત્યાર સુધીમાં 4029 લોકોએ જીવ ગુમાવ્યો:28 નિર્દોષ બાળકો સહીત 35અન્ય સામાન્ય નાગરિકોના પણ સમાવેશ:અત્યાર સુધીમાં 26 હજારથી વધુ લોકોની અટકાયત કરવામાં આવી

નવી દિલ્હી: ઈરાનમાં સરકાર વિરોધી પ્રદર્શનો પર વહીવટીતંત્રની કડક કાર્યવાહીને કારણે સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. અમેરિકા સ્થિત 'હ્યુમન રાઇટ્સ એક્ટિવિસ્ટ ન્યૂઝ એજન્સી'(HRANA)ના તાજેતરના અહેવાલ મુજબ, આ હિંસામાં અત્યાર સુધીમાં 4029 લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં 3786 પ્રદર્શનકારીઓ અને 180 સુરક્ષાકર્મીઓનો સમાવેશ થાય છે. આ આઘાતજનક આંકડાઓમાં 28 નિર્દોષ બાળકો અને 35 એવા લોકો પણ સામેલ છે જેઓ પ્રદર્શનનો ભાગ નહોતા. એજન્સીના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 26,000થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે અને એવી આશંકા છે કે મૃત્યુઆંક આનાથી પણ વધુ હોઈ શકે છે.

સરકારે આ હિંસા માટે અમેરિકા અને ઈઝરાયલને જવાબદાર ગણાવ્યા છે. જોકે, વધતી મોંઘવારી અને આર્થિક તંગીથી પરેશાન જનતા માટે રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયને સુધારાનું વચન આપ્યું છે. બીજી તરફ, સંયુક્ત રાષ્ટ્ર અને માનવાધિકાર જૂથોએ ચિંતા વ્યક્ત કરી છે કે સરકાર પ્રદર્શનકારીઓને દબાવવા માટે ફાંસીની સજાનો હથિયાર તરીકે ઉપયોગ કરી રહી છે. સત્તાવાર રીતે 3000 ધરપકડની વાત છે, પરંતુ બિનસત્તાવાર આંકડો 20,000 સુધી હોઈ શકે છે. 

ઈરાનમાં ઇન્ટરનેટ અને ફોન સેવાઓ પર પ્રતિબંધ હોવાથી હિંસાની પૂરી વિગતો બહાર આવી શકી નથી, પરંતુ હવે ધીમે-ધીમે પ્રતિબંધો હટી રહ્યા છે. પોલીસ વડા અહમદ-રેઝા રાદાને પ્રદર્શનકારીઓને 3 દિવસમાં આત્મસમર્પણ કરવાનું અલ્ટીમેટમ આપ્યું છે. તેમણે ગેરમાર્ગે દોરાયેલા યુવાનો પ્રત્યે નરમાશ રાખવાનું વચન આપ્યું છે, જ્યારે તોફાનીઓ સામે કડક કાર્યવાહીની ચેતવણી આપી છે. બીજી તરફ, આ અશાંતિની આંતરરાષ્ટ્રીય સ્તરે પણ મોટી અસર જોવા મળી છે. સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસમાં યોજાનાર વર્લ્ડ ઈકોનોમિક ફોરમ(WEF)માં ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીને મળેલું આમંત્રણ પાછું ખેંચી લેવામાં આવ્યું છે. ફોરમે સ્પષ્ટતા કરી છે કે ઈરાનમાં નાગરિકોના કરુણ મોતના પગલે ઈરાની સરકારનું પ્રતિનિધિત્વ સ્વીકાર્ય નથી. જોકે, ઈરાને આ નિર્ણયની ટીકા કરતાં તેને અમેરિકા અને ઈઝરાયલનું રાજકીય દબાણ ગણાવ્યું છે.

(6:09 PM IST)