<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th January 2026

ચીનમાં સતત ચોથા વર્ષે વસ્તીમાં ઘટાડો નોંધાયો

છેલ્લા એક દાયકા પહેલાની તુલનામાં લગભગ એક કરોડ જેટલો ઘટાડો જોવા મળ્યો:જનસંખ્યામાં કટોકટી સામે ચીનની વન ચાઈલ્ડ પોલિસીને જવાબદાર ગણાવવામાં આવી

નવી દિલ્હી: પાડોશી દેશ ચીન આ દિવસોમાં એક મોટી મુસીબતમાં ફસાતો જઈ રહ્યો છે. સતત ચોથા વર્ષે ચીનની વસ્તીમાં ઘટાડો નોંધાયો છે અને 2025માં જન્મ દર એક દાયકા પહેલાની તુલનામાં લગભગ એક કરોડ જેટલો ઓછો થઈ ગયો છે. આ ગંભીર જનસંખ્યાકીય સંકટ માટે ચીનની દાયકાઓ જૂની 'વન ચાઈલ્ડ પોલિસી'ને જવાબદાર ઠેરવવામાં આવી રહી છે. ચીનના રાષ્ટ્રીય સાંખ્યિકી બ્યુરો(NBS) દ્વારા સોમવારે જાહેર' કરાયેલા આંકડા મુજબ, 2025માં દેશમાં માત્ર 79.2 લાખ બાળકોનો જન્મ થયો, જ્યારે 2024માં આ સંખ્યા 95.4 લાખ હતી. આમ, માત્ર એક વર્ષમાં જન્મ દરમાં 17%નો મોટો ઘટાડો આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટ અનુસાર, 1949માં વસ્તીનો રેકોર્ડ રાખવાનું શરૂ થયું ત્યારથી આ સૌથી ઓછો જન્મ દર છે.

NBSના આંકડા મુજબ, ચીનની કુલ વસ્તી 2025માં 33.9 લાખ ઘટીને 1.4049 અબજ થઈ ગઈ, જે એક વર્ષ પહેલા 1.4083 અબજ હતી. 1959-1961ના ભીષણ દુકાળને બાદ કરતાં, આ અત્યાર સુધીનો સૌથી મોટો વાર્ષિક ઘટાડો છે. આ સાથે, ગયા વર્ષે લગભગ 1.13 કરોડ લોકોના મૃત્યુ થયા, જે છેલ્લા પાંચ દાયકામાં સૌથી વધુ છે. આ ઉપરાંત, ચીન હાલમાં વૃદ્ધોની ઝડપથી વધતી વસ્તીની સમસ્યાથી પણ ઝઝૂમી રહ્યું છે. 2024ના અંત સુધીમાં, ચીનમાં 60 વર્ષ અને તેથી વધુ વયના લોકોની સંખ્યા 31 કરોડ સુધી પહોંચી ગઈ હતી. 2035 સુધીમાં આ આંકડો 40 કરોડને પાર કરી જવાનો અંદાજ છે, જે દેશના અર્થતંત્ર અને સામાજિક માળખા પર ભારે બોજ નાખશે.

(6:10 PM IST)