News of Friday, 23rd January 2026
અમેરિકા-ઈરાન વચ્ચે ફરીથી શાબ્દિક પ્રહારો થયા શરૂ
અમેરિકા ઈરાન તરફ મોકલી રહી છે તેમની સેના:ઈરાને અમેરિકા સહીત ઇઝરાયલને આપી ધમકી:જો અમેરિકા હુમલો કરે તો અમેરિકાના તમામ સ્થળો ઈરાનની શસ્ત્ર દળોના ટાર્ગેટ પર હોવાની માહિતી

નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી ફરી વિશ્વભરમાં ખળભળાટ મચ્યો છે. ટ્રમ્પ અવાર-નવાર ઈરાન પર નિશાન સાધતા રહે છે, તો ઈરાન પણ ટ્રમ્પને ચેતવણી આપતું રહે છે, ત્યારે આ તમામ ઘટનાક્રમ વચ્ચે ફરી અમેરિકા અને ઈરાન વચ્ચે શાબ્દિક પ્રહારો શરૂ થઈ ગયા છે. ટ્રમ્પે દાવોસથી પરત ફરી વખતે કહ્યું હતું કે, અમેરિકા ઈરાન તરફ મોટી સેના મોકલી રહ્યું છે. આ નિવેદન બાદ ઈરાને જવાબ આપ્યો છે. ઈરાનના રિવોલ્યૂશનરી ગાર્ડ્સના કમાન્ડરે અમેરિકાને ચેતવણી આપી છે કે, ‘અમારી આંગળી ટ્રિગર પર જ છે.’ ઈરાની ગાર્ડ્સ કમાન્ડર જનરલ મોહમ્મદ પાકપુરે ચેતવણી આપી છે કે, ‘અમેરિકા અને ઈઝરાયલ ગેરસમજમાં રહ્યા વગર, ઐતિહાસિક અનુભવો અને ગત વર્ષના યુદ્ધથી કંઈક શીખે, નહીં તો તેનાથી પણ પીડાદાયક અને કરૂણ અંજામનો સામનો કરવો પડશે. ઈરાની સશસ્ત્ર દળો મુખ્ય શાખા ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) અને ડિયર ઈરાનની આંગળી ટ્રિગર પર જ છે. અમે પહેલાથી પણ વધુ તૈયાર છીએ.’
ઈરાનના અન્ય એક વરિષ્ઠ સૈન્ય અધિકારી જનરલ અલી અબ્દુલ્લાહી અલીબાદીએ ચેતવણી આપી છે કે, ‘જો અમેરિકા હુમલો કરશે તો અમેરિકાના તમામ સ્થળો ઈરાનની શસ્ત્ર દળોના ટાર્ગેટ પર છે.
અત્રે એ યાદ રહે કે, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને અમેરિકા સહિત અનેક દેશો IRGCને એક આતંકવાદી સંગઠન માની રહ્યા છે. એટલું જ નહીં આ દેશોએ IRGC પર પ્રતિબંધ પણ લાદ્યો છે. તાજેતરમાં ઈરાનમાં ભારે વિરોધ-પ્રદર્શનો ચાલી રહ્યા છે, જેમાં IRGCએ દેખાવકારો પર ક્રૂરતા આચરી હોવાના અહેવાલો સામે આવ્યા છે.
ટ્રમ્પે દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિકલ ફોરમથી પરત ફરતી વખતે ઈરાન વિરુદ્ધનું નિવેદન આપી ખળભળાટ મચાવી દીધો હતો. તેમણે કહ્યું હતું કે, ‘અમેરિકા માત્ર સાવચેતીના ભાગરૂપે ઈરાન તરફ એક વિશાળ નૌકા સૈન્ય મોકલી રહ્યું છે. હું નથી ઈચ્છતો કે ઘટના બને, પરંતુ અમે તેમના પર ખૂબ જ ધ્યાનપૂર્વક નજર રાખી રહ્યા છીએ.’
(7:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
