<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th January 2026

ફ્રાન્‍સમાં ૧૫ વર્ષથી ઓછી વયના બાળકોને સોશિયલ મીડિયા જોવા ઉપર પ્રતિબંધ

યુરોપભરમાં સોશિયલ મીડિયા ઉપયોગ માટે લઘુતમ વય મર્યાદા નક્કી કરવાની વિચારધારા ઝડપ પકડી રહી છે

પેરિસ,તા.૨૯: ફ્રાન્‍સના સંસદસભ્‍યોએ ૧૫ વર્ષથી ઓછા બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકતા એક ખરડાને લીલી ઝંડી આપી દીધી હતી. આ સાથે સપ્‍ટેમ્‍બરથી શરૂ થનારા આગામી શૈક્ષણિક વર્ષના આરંભે આ કાયદો અમલમાં આવવાનો માર્ગ મોકળો બની ગયો છે. યુરોપભરમાં સોશિયલ મીડિયા ઉપયોગ માટે લઘુતમ વય મર્યાદા નક્કી કરવાની વિચારધારા ઝડપ પકડી રહી છે, તે વચ્‍ચે આ નિર્ણય લેવાયો છે.

આ ખરડામાં હાઈસ્‍કૂલોમાં મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની જોગવાઈ પણ સામેલ છે. સોમવાર મોડે રાત્રે ૧૩૦ સામે ૨૧ મતોથી આ ખરડો પસાર થઇ ગયો હતો. ફ્રાન્‍સના રાષ્ટ્રપતિ ઇમેન્‍યુઅલ મેક્રોને આ ખરડા ઉપર સહી-સિક્કા કરીને તેને કાયદાનું સ્‍વરૂપ આપવાની ઝડપી પ્રક્રિયા હેઠળ આગળ વધારવાની વિનંતી કરી છે અને હવે આગામી અઠવાડિયોમાં સેનેટમાં તેના પર ચર્ચા થશે.

મતદાન પછી મેક્રોએ કહ્યું, ‘‘૧૫ વર્ષથી ઓછા બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવો એ જ વૈજ્ઞાનિકોની ભલામણ છે અને ફ્રાંસની જનતા પણ મોટા પ્રમાણમાં એ જ માગ કરી રહી છે. કારણ કે આપણા બાળકોના મગજ વેચાણ માટે નથી,  તદઉપરાંત તે અમેરિકન પ્‍લેટફોર્મ્‍સને અને ચાઈનીઝ નેટવર્ક્‍સના વેચાણ માટે પણ નથી. કારણ કે તેમના સપનાઓ એલ્‍ગોરિધમ્‍સ દ્વારા નક્કી થવા ન જોઈએ.''

વિભાજિત નેશનલ એસેમ્‍બલીમાં બહુ ઓછા મુદ્દાઓ એવા છે, જેમને આટલો વ્‍યાપક સમર્થન મળ્‍યું હોય. જોકે, ડાબેરી પક્ષના કેટલાક વિમર્શકોએ બિલની કેટલીક જોગવાઈઓને નાગરિક સ્‍વતંત્રતાઓ પર અતિક્રમણ ગણાવી છે.

(10:02 AM IST)