<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th January 2026

અમેરિકાની દાદાગીરી સામે ઈરાને કર્યો ખુલ્લેઆમ પડકાર

સ્પષ્ટ શબ્દોમાં ઈરાને આપી ચેતવણી:અમેરિકાની 'દાદાગીરી' કે શરતો સામે ક્યારેય ઝૂકશે નહીં: જો અમેરિકા લશ્કરી કાર્યવાહી કરશે, તો તેનો બદલો અત્યંત ભયાનક હશે

નવી દિલ્હી: મિડલ ઈસ્ટમાં યુદ્ધના વાદળો વધુ ઘેરાયા છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પરમાણુ કરાર અંગેની કડક ચેતવણી સામે ઈરાને વળતો પ્રહાર કર્યો છે. ઈરાની સંસદના અધ્યક્ષ મોહંમદ બાકર ગાલિબાફે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે ઈરાન અમેરિકાની 'દાદાગીરી' કે શરતો સામે ક્યારેય ઝૂકશે નહીં. જો અમેરિકા લશ્કરી કાર્યવાહી કરશે, તો તેનો બદલો અત્યંત ભયાનક હશે. એક ઈન્ટરવ્યૂમાં મોહંમદ બાકર ગાલિબાફે અમેરિકાની નીતિઓ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, 'ઈરાન અમેરિકા સાથે ટેબલ પર બેસવા તૈયાર છે, પરંતુ જો વોશિંગ્ટન ફક્ત પોતાના વિચારો લાદવા માંગતું હોય તો કોઈ વાટાઘાટો શક્ય નથી. ડોનાલ્ડ ટ્રમ્પ માત્ર પોતાની શરતો લાદવા માંગે છે, જે ઈરાન માટે અસ્વીકાર્ય છે.'

મોહંમદ બાકર ગાલિબાફે સ્વીકાર્યું હતું કે 'ઈરાન અત્યારે આર્થિક ગેરવહીવટનો સામનો કરી રહ્યું છે, પરંતુ તેમણે આ સંકટ માટે અમેરિકાના સરમુખત્યારશાહી પ્રતિબંધોને જવાબદાર ગણાવ્યા હતા. તેમણે દેશમાં થયેલા વિરોધ પ્રદર્શનો દરમિયાન માર્યા ગયેલા 300 સુરક્ષા કર્મચારીઓના લોહીનો બદલો લેવાની પણ ખાતરી આપી હતી.'ઈરાને અમેરિકાને સીધી લશ્કરી ચેતવણી આપતા જણાવ્યું છે કે 'જો ઈરાન પર કોઈ પણ પ્રકારનો હુમલો થયો, તો મધ્ય પૂર્વમાં રહેલા અમેરિકન સૈનિકો અને તેમના લશ્કરી મથકો સુરક્ષિત રહેશે નહીં.' ઈરાનના સુપ્રીમ લીડરના સલાહકાર અલી શમખાનીએ કહ્યું કે, 'યુએસની કોઈપણ કાર્યવાહીના જવાબમાં અમેરિકા, ઈઝરાયેલ અને તેમના પ્રોક્સીઓને નિશાન બનાવવામાં આવશે.'

(4:50 PM IST)