તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 11th February 2026
આ મોયા રોબોટ માણસની જેમ લાગણી પણ વ્યક્ત કરે છે
ચીનના શાંઘાઈમાં જોવા મળી રહેલ આ રોબોટ હાલમાં ચર્ચાનો વિષય બન્યું:વ્યક્તિ જેવા દેખાવાની સાથે તેની જેમ વર્તન કરવાનો પણ પ્રયાસ કરે છે:કોઈ પૂતળું મૂક્યું હોય તેવો જ આ રોબોટ દેખાઈ છે

નવી દિલ્હી: ચીનના શાંઘાઈમાં જોવા મળી રહેલો મોયા નામનો રોબોટ આજકાલ ખૂબ જ ચર્ચામાં છે. આ એક હરતો-ફરતો રોબોટ છે એટલા માટે ચર્ચામાં નથી, પરંતુ એટલા માટે છે કે એને વ્યક્તિ જેવા દેખાવની અને એની પાસે તેની જેમ વર્તન કરાવવાનો પ્રયાસ કરાયો છે. એક નજરે જોતા એ રોબોટ નહીં, પરંતુ કોઈ પૂતળું મૂક્યું હોય એવું લાગે છે. આંખની હલચલ, માથું હલાવવું અને એક નાની સ્માઇલ તેને રોબોટથી અલગ બનાવે છે. મોયાને એ રીતે ડિઝાઇન કરાયો છે કે, તેની સામે કોઈ વ્યક્તિ હોય તો પણ એને એ કોઈ મશીન નહીં, પરંતુ વ્યક્તિ હોય એવો અહેસાસ થાય. તેની સ્કિનને પણ થોડી ગરમ રખાઈ છે. જેમ, મનુષ્યને સ્પર્શ કરતાં જે ગરમીનો અહેસાસ થાય એવી જ એને પણ ગરમ રાખવામાં આવી છે. તેની સામે ઊભી રહીને કોઈ વ્યક્તિ વાત કરે ત્યારે આ રોબોટ તેની આંખોમાં આંખ રાખીને વાત કરે છે અને જવાબ આપે છે. આ રીતે છેલ્લાં ઘણાં સમયથી મશીનને જ માણસ બનાવવાની રેસ શરૂ થઈ છે. મોયાની આ નાની-નાની વાતો લોકોને આશ્ચર્યમાં મૂકી રહી છે કારણ કે સામાન્ય રીતે રોબોટ્સ આ રીતનું વર્તન કરે એવું નથી હોતું. આ રોબોટની અંદર કેમેરા અને સેન્સરનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે સામે વાળાનો ચહેરો અને મૂવમેન્ટને કેપ્ચર કરે છે. આ કારણસર એને બાયોમેટ્રિક્સ આધારિત રોબોટ પણ કહેવામાં આવી રહ્યો છે. મૂવમેન્ટ કેપ્ચર કર્યા બાદ AI સિસ્ટમ એ જાણકારીને પ્રોસેસ કરે છે અને એના આધારે રોબોટની આંખો, ચહેરાના પ્રતિભાવ અને શરીરની હલનચલન કેવી રીતે કરવી એ માટે ઓર્ડર આપે છે.
આ રોબોટને જોતા તે એકદમ નેચરલ લાગે છે, પરંતુ દરેક વસ્તુ પહેલેથી સેટ કરવામાં આવેલી પેટર્નના આધારે કામ કરે છે. રોબોટ પોતે કંઈ પણ વસ્તુ મહેસૂસ નથી કરી શકતો અને એને એનો અહેસાસ પણ નથી હોતો. જોકે તે ડેટાના આધારે કોઈ પણ વસ્તુનું રિએક્શન આપે છે. વ્યક્તિઓ જેવું વર્તન કરવાની તેની આ કોશિશને કારણે હવે એક નવી ચર્ચાએ જોર પકડ્યું છે. ઘણાં લોકો આ રોબોટનો ઉપયોગ વૃદ્ધોની સેવા કરવા, હોસ્પિટલ અથવા તો કસ્ટમર સર્વિસ જેવા કામમાં એનો ઉપયોગ કરવામાં આવી શકે છે એવું કહી રહ્યાં છે.
સોશિયલ મીડિયા પર ઘણાં લોકો એને કમ્પેનિયન તરીકે જોઈ રહ્યાં છે. રોબોટની ચામડી જ્યારે વ્યક્તિ જેવી ગરમ હોય, તે જ્યારે વ્યક્તિની જેમ જુએ અને રિએક્ટ કરે ત્યારે સામે વાળી વ્યક્તિને પણ પોતીકું લાગે છે. આથી એક નવી ચર્ચાએ જોર પકડ્યું છે કે શું મશીન સાથે ઇમોશનલી જોડાઈ શકાશે? ટેક્નોલોજીની દૃષ્ટિએ જોવામાં આવે તો મોયા હજી પણ મનુષ્ય જે રીતે વિચારે એનાથી ઘણે દૂર છે.
(5:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
