તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 25th February 2026
કલ્પનસર્જિત લાગતો વિચાર આજ વૈજ્ઞાનિક અને એન્જીનીયરીંગની મદદથી હકીકત બનવા જઈ રહ્યો છે
દક્ષિણ કોરિયાના બુસાન પાસે વિકસાવાઈ રહેલું તરતું શહેર ‘ઓશનિક્સ બુસાન’ માનવ વસાહતોના ભવિષ્યને નવી દિશા આપવા સજ્જ થઈ રહ્યું છે:વિશ્વભરમાં હવામાન પરિવર્તનને કારણે દરિયાઈ સ્તર સતત વધી રહ્યું છે:વિજ્ઞાનીઓના અનુમાન મુજબ 2100 સુધી દરિયાઈ સ્તર 0.6થી 1.1 મીટર સુધી વધી શકે છે

નવી દિલ્હી: કુદરતી મર્યાદાઓને પડકારવું એ માનવ સ્વભાવ છે. જે વિચાર ક્યારેક કલ્પનાસર્જિત લાગતો હતો તે આજે વૈજ્ઞાનિક અને એન્જિનિયરિંગ વિકાસથી હકીકત બની રહ્યો છે. સમુદ્ર પર તરતું શહેર આવો જ એક વિચાર છે. વધતા જતાં દરિયાઈ સ્તર અને ગ્લોબલ વોર્મિંગના ખતરાને ધ્યાનમાં રાખીને હવે સમુદ્ર પર વસવાટ કરવાની વિચારધારા ગંભીરતાથી અમલમાં આવી રહી છે. દક્ષિણ કોરિયાના બુસાન પાસે વિકસાવાઈ રહેલું તરતું શહેર ‘ઓશનિક્સ બુસાન’ માનવ વસાહતોના ભવિષ્યને નવી દિશા આપવા સજ્જ થઈ રહ્યું છે. વિશ્વભરમાં હવામાન પરિવર્તનને કારણે દરિયાઈ સ્તર સતત વધી રહ્યું છે. વિજ્ઞાનીઓના અનુમાન મુજબ 2100 સુધી દરિયાઈ સ્તર 0.6થી 1.1 મીટર સુધી વધી શકે છે. દુનિયાની આશરે 40% વસ્તી દરિયાકાંઠા નજીક વસે છે. જાકાર્તા, માયામી, બેન્કોક, મુંબઈ જેવા અનેક શહેરો દરિયાઈ પૂરના જોખમ હેઠળ છે. યુએનના અહેવાલો સૂચવે છે કે વૈશ્વિક વેપાર અને માછીમારી માટે મહત્ત્વપૂર્ણ ગણાતા દરિયાકાંઠાના અર્થતંત્રો પર સમુદ્રી જોખમોને કારણે ગંભીર અને કાયમી અસર પડી શકે છે. આ પરિસ્થિતિએ વૈકલ્પિક વસાહતોના નિર્માણ તરફ વિચારવાની જરૂરત ઊભી કરી છે અને એમાંથી નિર્માણ પામ્યું છે સમુદ્ર પર તરતું વિશ્વનું પહેલું શહેર.
દક્ષિણ કોરિયાના બુસાન શહેરના દરિયા કિનારે ઓશનિક્સ બુસાન (Oceanix Busan) નામનું વિશ્વનું પ્રથમ તરતું સ્માર્ટ સિટી બનવા જઈ રહ્યું છે. આ પ્રોજેક્ટ UN-Habitat અને Oceanix નામની કંપનીના સહયોગથી વિકસાવાઈ રહ્યો છે.
શહેરનો વિસ્તાર: લગભગ 15.5 એકર
વસ્તીઃ શરુઆતમાં 12,000 લોકો રહી શકશે પછી ક્ષમતા વધારાશે.
ડિઝાઇન: ષટ્કોણ આકારનું શહેર ત્રણ વિશાળ પ્લેટફોર્મ પર ઊભું કરાશે. તેની સૌથી મોટી વિશેષતા તેની મોડ્યુલરિટી છે, જેનો અર્થ એ છે કે જેમ વસ્તી વધશે તેમ લેગો બ્લોક્સ જેવા નવા પ્લેટફોર્મ ઉમેરીને શહેરનો વિસ્તાર કરી શકાશે.
આ શહેરનો પાયો પરંપરાગત કોંક્રિટ પર નહીં, પરંતુ ‘બાયોરોક’ (Biorock) નામના નવા જ પ્રકારના મટિરિયલમાંથી બનશે. આ મટિરિયલ દરિયાના ખનીજોથી બને છે. તેની વિશેષતાઓ નીચે મુજબ છે.
તે લોખંડ કરતાં વધારે મજબૂત છે.
પાણીમાં તેની મજબૂતાઈ વધી જાય છે.
મટિરિયલને નુકસાન થાય તો તે જાતે જ પોતાની મરમ્મત કરી લે છે.
આ મટિરિયલ કોરલ વૃદ્ધિને પ્રોત્સાહન આપે એવું હોય છે. તેથી સમુદ્રી પર્યાવરણને નુકસાન નહીં થાય પરંતુ તે વધુ જીવંત બનશે.
આ શહેરને કાર્યક્ષમતાને ધ્યાનમાં રાખીને ત્રણ વિભાગોમાં વહેંચાશે. જેમ કે...
લિવિંગ પ્લેટફોર્મઃ એમાં રહેણાંક મકાનો, કોમ્યુનિટી સેન્ટર, સ્કૂલો અને આરોગ્ય સુવિધાઓ હશે.
લોજિંગ/હૉસ્પિટાલિટી પ્લેટફોર્મઃ એમાં પ્રવાસીઓ માટે હોટેલ અને રિસોર્ટ, રેસ્ટોરન્ટ અને મનોરંજન સુવિધા હશે.
રિસર્ચ અને ઇનોવેશન પ્લેટફોર્મઃ એમાં સમુદ્રી વિજ્ઞાન અને ટૅક્નોલૉજી, ક્લાયમેટ અને ઈકો સિસ્ટમ અભ્યાસ કરવાના સંશોધન કેન્દ્રો હશે.
ઓશનિક્સ બુસાનમાં રહેનારા લોકો ‘એક્વા સિટિઝન્સ’ (Aqua-Citizens) તરીકે ઓળખાશે. અહીં પરિવહન માટે ઇંધણથી ચાલતાં વાહનો નહીં હોય. લોકો સાયકલ, ઈલેક્ટ્રિક સ્કૂટર, નાની હોડીઓ મારફતે આવાગમન કરશે, જેથી આ શહેરમાં અવાજ પ્રદૂષણ અને કાર્બન ઉત્સર્જન બંને ઓછા રહેશે.
સમુદ્રના ખારા પાણી પર ઊભેલા શહેરનો મુખ્ય પડકાર પાણી અને ઊર્જા છે. એ માટે અદ્યતન ઉકેલો અપનાવાશે. જેમ કે...
ઊર્જાઃ ઊર્જા મેળવવા માટે સૌર પેનલનો ઉપયોગ થશે. દરેક છત અને બારી પર સોલાર પેનલ લગાવાશે. પવન અને સમુદ્રી મોજામાંથી ઉત્પન્ન થતી ઊર્જા પણ આ શહેરના સંચાલન માટે ઉપયોગમાં લેવાશે.
પાણીઃ વરસાદી પાણીનો સંચય કરાશે. પાણીનું રિસાયક્લિંગ કરીને ફરી વપરાશ યોગ્ય બનાવાશે. સોલાર-પાવર્ડ ડિસેલિનેશન પ્લાન્ટનો ઉપયોગ કરાશે.
ખોરાકઃ એરોપોનિક્સ અને હાઇડ્રોપોનિક ખેતી પદ્ધતિ વડે પાક મેળવાશે. શહેરની નીચે વિશાળ ટાંકીઓમાં માછલીઓ ઉછેરાશે, જે શહેરને તાજો ખોરાક પૂરો પાડશે.
(5:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
