<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

અધધધ બોનસઃ બોસે બંડલ મૂકી કહ્યું, ‘‘જેટલું લઈ શકો, એટલું લઈ લો''

કર્મચારીઓ જેટલી રકમ ગણી શકે અને સંભાળી શકે એટલી રકમ તેઓ ઘરે લઈ જઈ શકે : સોશિયલ મિડિયા પર આ બોનસ વિતરણ કાર્યક્રમના ઘણા વિડિયો વાયરલ

બીજીંગ તા.૨૭:  ચીનની એક કંપની અને તેના બોસ હાલ ભારે ચર્ચામાં છે. કારણ કે, આ બોસ બોનસ આપવાની અનોખી રીત માટે જાણીતા છે. તે પોતાના કર્મચારીઓને બોનસ તરીકે નક્કી રકમ નથી આપતો, પરંતુ રોકડ નોટોના બંડલ તેમની સામે મૂકી દે છે અને કહે છે  ‘‘જેટલું લઈ શકો, તેટલું લઈ લો.''

ચીનની એક કંપનીએ ૨૭૦ મિલિયન યુઆનના નફામાંથી ૧૮૦ મિલિયન યુઆન (લગભગ ૨૬ મિલિયન અમેરિકી ડોલર) વર્ષના અંતે બોનસ તરીકે વહેંચ્‍યા હતા, એમ અહેવાલ કહે છે.

૧૩ ફેબ્રુઆરીએ હેનાન ક્‍વાંગશાન ક્રેન કંપની લિમિટેડે પોતાનો વાર્ષિક સમારંભ યોજ્‍યો હતો. આ પ્રસંગે ૬૦ મિલિયન યુઆન (લગભગ ૮.૭ મિલિયન અમેરિકી ડોલર)થી વધુનું રોકડ બોનસ સ્‍થળ પર જ વહેંચવામાં આવ્‍યું. લગભગ ૭૦૦૦ લોકો માટે ૮૦૦ જેટલી જમવાની ટેબલો ગોઠવાઈ હતી. ત્‍યાર બાદ ટેબલ પર નોટોનાં બંડલ ગોઠવી દેવામાં આવ્‍યાં અને કર્મચારીઓને બોનસ લેવા માટે બોલાવવામાં આવ્‍યા.

કર્મચારીઓને નક્કી સમય આપવામાં આવ્‍યો હતો. આ સમયગાળામાં તેઓ જેટલી રકમ ગણી શકે અને સંભાળી શકે, એટલી રકમ તેઓ ઘરે લઈ જઈ શકે. સમય પૂરો થયા પછી, જે કર્મચારી પાસે જેટલા નોટોનાં બંડલ હતાં, એટલું જ તેનું બોનસ ગણાયું.

આ કાર્યક્રમનું ઓનલાઇન પ્રસારણ કરવામાં આવ્‍યું હતું. સોશિયલ મિડિયા પર આ બોનસ વિતરણ કાર્યક્રમના ઘણા વિડિયો વાયરલ થયા છે. આ વિડિયોમાં કર્મચારીઓ ટેબલ પર પથરાયેલા કેશની ગણતરી કરતા અને જમીન પરથી નોટોનાં બંડલ ઉઠાવતા કર્મચારીઓ જોવા મળે છે. બોનસ વિતરણ અલગ-અલગ તબક્કામાં કરવામાં આવ્‍યું, તેથી રોકડ પણ જુદી-જુદી રીતે વહેંચાઈ. પરંતુ એક જ શરત હતી  નક્કી સમયમર્યાદામાં જ નોટોની ગણતરી કરીને પોતાના પાસે રાખવાની.

બોનસ વિતરણ દરમિયાન બોસ કુઈ પેઇજુને નાણાં વિભાગને સંબોધતાં કહ્યું હતું કે અમે વોશિગ મશીન કેમ ન આપી રહ્યા? શું તમને લાગે છે કે સોનાની કિમતો વધી ગઈ છે?  અગાઉનાં વર્ષોમાં કંપની હાર અને અંગૂઠી આપતી હતી, પરંતુ આ વર્ષે રોકડ રકમ વહેંચવાનો નિર્ણય લેવામાં આવ્‍યો. દરેક કર્મચારીને ઓછામાં ઓછા ૨૦,૦૦૦ યુઆન (લગભગ ૨૮૦૦ અમેરિકી ડોલર) આપવાના હતા.

વર્ષના અંતે કુલ ચુકવણી ૧૮૦ મિલિયન યુઆનથી વધુ થઈ. કંપનીનો ૨૦૨૫નો નફો ૨૭૦ મિલિયન યુઆન હતો, એટલે કે અંદાજે ૭૦ ટકા નફો તેના ૭૦૦૦ કર્મચારીઓ વચ્‍ચે વહેંચાયો હતો.

(10:18 AM IST)