<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

જાણો ડ્રોનની જગ્યાએ ઉડતા આ રંગબેરંગી રોબોટિક પતંગિયા વિશે

નવી જાતનાં પતંગિયાંને ઉડતાં જોઈને ખેડૂતોને રાહત થશે:શેરડીના પાકમાં થતા નુકશાનથી ખેડૂતોને બચાવવા આ રોબોટિક બટરફ્લાયની શોધ કરવામાં આવી:ઈન્દોરની શ્રી ગોવિંદારામ સક્સેરિયા ઈન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી યુનિવર્સિટીના સંશોધકોએ મળીને રોબોટિક બટરફલાયની શોધ કરી

નવી દિલ્હી: રંગબેરંગી પતંગિયાંને ઉડતાં જોઈને સહુ રાજી થાય છે, પણ હવે નવી જાતનાં પતંગિયાંને ઉડતાં જોઈને ખેડૂતોને રાહત થશે. આ પતંગિયાને રોબોટિક પતંગિયાનું નામ આપવામાં આવ્યું છે. શેરડીના ખેતરોમાં પાકને રોગ લાગુ પડે ત્યારે જંતુનાશકના છંટકાવ અને બીજા ઈલાજ કરવા પાછળ ખેડૂતોએ ઘણો ખર્ચ કરવો પડે છે. શેરડી બગડી જાય ત્યારે ભારે નુકસાની વેઠવી પડે છે. 

ખેડૂતોને  નુકસાનમાંથી બચાવવા માટે ઈન્દોરની શ્રી ગોવિંદારામ સક્સેરિયા ઈન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી યુનિવર્સિટીના સંશોધકોએ મલીને રોબોટિક બટરફલાયની શોધ કરી છે. એઆઈ, રોબોટિક્સ અને સેન્સર્સ  સહિતની આધુનિક ટેકનોલોજીનો  ઉપયોગ કરી ટચુકડા રોબોટિક પતંગિયા તૈયાર કરવામાં આવ્યાં છે. શેરડીનાં ખેતરોમાં આ રોબોટિક પતંગિયાં ઉડાડવામાં આવતાં આ પતંગિયા એકદમ નજીકથી શેરડીની તસવીરો ખેંચશે અને ક્યા ભાગમાં શેરડીને ક્યો રોગ લાગુ પડ્યો છે તેની જાણકારી મેળવશે. આનો ફાયદો એ થશે કે આખા ખેતરમાં જંતુનાશકનો છંટકાવ કરવો નહીં પડે, જેટલા ભાગમાં બીમારી ફેલાઈ હશે ત્યાં જ દવા છાંટવી  પડશે. 

બીજું, એકદમ સમયસર રોગની જાણકારી મળતાં ઝડપથી ઈલાજ કરી શકાશે. આને કારણે બીમારીથી બધો પાક નાશ પામવાની શક્યતા જ નહીં રહે. ડ્રોન કરતાં પણ આ યાંત્રિક પતંગિયા વધુ ઉપયોગી સાબિત થશે, કારણ કે ડ્રોન તો આકાશમાં ઊડીને ઉપરથી ફોટોગ્રાફ લઈ શકે, પરંતુ અંદરના હિસ્સામાં પાકની શું સ્થિતિ છે તે જાણી ન શકે. આમ, શેરડી ઉગાડતા ખેડૂતો માટે  યાંત્રિક પતંગિયાં ખૂબ જ ઉપયોગી નીવડશે. એટલે આ રોબોટિક  બટરફલાયને 'બેટર-ફલાય' પણ કહી શકાય કે નહીં?

(4:59 PM IST)