News of Saturday, 28th February 2026
સ્ટ્રેસ દૂર કરવાનો વિચિત્ર ટ્રેન્ડઃ લોકો શબપેટીમાં કરે છે આરામ
૩૦ મિનિટના ચૂકવે છે ૧૧૦૦ રૂપિયાઃ જાપાનના લોકો પોતાનો સ્ટ્રેસ (તણાવ) દૂર કરવા એક એવી વિચિત્ર પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યા છે

ટોક્યો તા.૨૮: દરેક વ્યક્તિ પોતાના જીવનમાં શાંતિ અને આરામની શોધમાં હોય છે, પરંતુ આજના વ્યસ્ત જીવનમાં તે મેળવવું મુશ્કેલ બની ગયું છે. જાપાનમાં હાલ એક વિચિત્ર પરંતુ અસરકારક ટ્રેન્ડ ચાલી રહ્યો છે, જેમાં લોકો શબપેટી (કોફિન)માં સૂઈને માનસિક શાંતિ મેળવી રહ્યા છે. આ ટ્રેન્ડને કોફિન લાઇંગ કહેવામાં આવે છે, જેમાં વ્યક્તિ જીવન અને મૃત્યુ વિશે વિચાર કરીને તણાવ દૂર કરે છે.
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ મુજબ, જાપાનમાં હાલ એક ખૂબ જ વિચિત્ર ટ્રેન્ડ ચર્ચામાં છે. આ ટ્રેન્ડનું નામ છે ‘કોફીન લાઈંગ'. આ ટ્રેન્ડને ફોલો કરવા માટે લોકો શબપેટીની અંદર સૂઈને આરામ કરી રહ્યા છે. તેઓ અહીં સૂઈને પોતાના જીવન અને મૃત્યુ વિશે વિચારે છે. નોંધનીય છે કે, આ આઇડિયા સૌથી પહેલા એક ફયુનરલ હોમમાં આવ્યો હતો. જોકે, આ ટ્રેન્ડ હવે જાપાનના લોકોની વચ્ચે ખૂબ ચાલી રહ્યો છે, જે લોકો મેન્ટલ પીસ ઈચ્છતા હોય તે લોકો શબપેટીને શાંત જગ્યા તરીકે પસંદ કરી રહ્યા છે, જ્યાં તેઓ પોતાનો સ્ટ્રેસ ઘટાડી શકે.
નોંધનીય છે કે, જાપાનના કલ્ચરમાં ‘કૂયો' નામની પ્રથા અગાઉથી ચાલતી આવી રહી છે, જેમાં લોકો મૃત્યુ પામ્યા હોય તેવા લોકોને યાદ કરતા હોય છે અને તેમનું સન્માન કરતા હોય છે. જાપાનના લોકોનું માનવું છે કે, જીવન ખૂબ જ નબળું હોય છે, જે કોઈપણ સમયે ખતમ થઈ શકે છે. મૃત્યુ પ્રાકૃતિક ઘટના છે અને તેનાથી ડરવાની કોઈ જરૂર નથી.
આ ઉપરાંત આ ટ્રેન્ડ પ્રચલિત થવા પાછળનું કારણ એ છે કે, જાપાનમાં અત્યારે સામાન્ય લોકોમાં આપઘાતના બનાવો ખૂબ જ વધી ગયા છે. આ કારણસર કેટલાક બિઝનેસ મેન્ટલ હેલ્થને સપોર્ટ કરવા માટે અલગ-અલગ પ્રકારના ક્રિએટિવ આઈડિયા પણ અપનાવી રહ્યા છે.
જે કંપનીઓ કોફીન મેડિટેશનની સુવિધા આપી રહી છે, તેમનું કહેવું છે કે આના દ્વારા લોકો એકલા સમય વિતાવી રહ્યા છે અને પોતાના વિચારોને યોગ્ય રીતે સમજી શકી રહ્યા છે. હવે તો અલગ-અલગ પ્રકારના સ્ટાઇલીશ કોફીનનો ઉપયોગ પણ કરી રહ્યા છે. જે લોકોને પરંપરાગત શબપેટીથી ડર લાગતો હોય તેઓ કલરફુલ અને ક્યુટ કોફીન પસંદ કરી રહ્યા છે.
ટોક્યોના એક સ્પામાં તો લોકો આવા કોફીનમાં આરામ કરવા માટે ૩૦ મિનિટના ૧૩ ડોલર (૧૧૦૦ રૂપિયા) સુધી પણ ચૂકવી રહ્યા છે. આ ૩૦ મિનિટના સેશનમાં તેઓ હળવું મ્યુઝિક સાંભળી શકે છે અથવા તો કોઈ વીડિયો જોઈને રિલેક્સ કરી શકે છે
(9:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
