<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd March 2026

પાકિસ્તાનમાં ધીરે ધીરે સતાનું કેન્દ્ર મિલિટરી બની રહી છે:બંદૂકો અને તોપ દ્વારા જ પાડોશીઓ સાથે વ્યવહાર કરવામાં આવે તેવું દેખાઈ રહ્યું છે

પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાનના અનેક વિસ્તારોને ટાર્ગેટ કરવા સાથે ઓપરેશન ગઝબ-લિલ-હક શરૂ કરવામાં આવ્યું હતું:પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચેના યુદ્ધથી દક્ષિણ એશિયાનું વાતાવરણ તંગ બની ગયું છે

નવી દિલ્હી: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે. તેના કારણે ફરી એક વખત દક્ષિણ એશિયાનું વાતાવરણ તંગ બન્યું છે. તાલિબાનો દ્વારા કરવામાં આવેલા ભીષણ હુમલાના જવાબમાં પાકિસ્તાન દ્વારા વ્યાપક હુમલો કરાયો છે. તેના કારણે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન બંને તરફ ઘણા લોકોનાં મોત થયા છે. જાણકારો માને છે કે, આ સંઘર્ષ પાછળ હકિકતે ગ્લોબલ પોલિટિક્સ નહીં પણ પાકિસ્તાનનું જ રાજકીય ષડયંત્ર હોય તેમ લાગે છે. તેઓ કહે છે કે, આ હુમલા અને બચાવી જવાબ દરમિયાન એક બાબત સ્પષ્ટ થઈ ગઈ છે કે, પાકિસ્તાન હવે સિક્યોરિટી સ્ટેટ બની ગયું છે. ત્યાં લોકશાહી માટે કોઈ સ્થાન નથી. પાકિસ્તાનમાં ધીમે ધીમે સત્તાનું કેન્દ્ર મિલિટરી બની રહી છે અને હવે બંદૂકો અને તોપ દ્વારા જ પાડોશીઓ સાથે વ્યવહાર કરવામાં આવે તેવું દેખાઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, શુક્રવારે પરોઢીયે પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાનના ઘણા વિસ્તારો ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાનના અનેક વિસ્તારોને ટાર્ગેટ કરવા સાથે ઓપરેશન ગઝબ-લિલ-હક શરૂ કરવામાં આવ્યું હતું. કાબુલ, કંદહાર અને પક્તિયા જેવા મહત્ત્વના વિસ્તારોમાં આવેલા અફઘાનિ સૈન્યના ઠેકાણા ઉપર હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. પાકિસ્તાનનો દાવો હતો કે, અફઘાનિસ્તાન અને તાલિબાનો દ્વારા વારંવાર પરેશાન કરવા અને ઉશ્કેરણી માટે જે ફાયરિંગ કરવામાં આવે છે તેનો આ જવાબ આપવામાં આવ્યો છે. બીજી તરફ તાલિબાનોના સરકારી પ્રવક્તા જબીઉલ્લા મુજાહિદે દાવો કર્યો છે કે, તેમણે પાકિસ્તાનની ૧૯ ચેકપોસ્ટ નષ્ટ કરી દીધી છે અને ૫૦થી વધારે પાકિસ્તાની સૈનિકોનો ખાતમો બોલાવી દીધો છે. આ યુદ્ધ છે કે, યુદ્ધની સ્થિતિ તે હજી સ્પષ્ટ નથી. તેમ છતાં એક બાબત સ્પષ્ટ છે કે, પાકિસ્તાનમાં રાજકીય સ્થિતિ ડામાડોળ છે અને તેના પગલે સરકાર દ્વારા આ હુમલા કરાવાઈ રહ્યા છે. ખાસ કરીને પાકિસ્તાની આર્મીના વડા આસિમ મુનીર સત્તાનું કેન્દ્ર પોતાના હાથમાં લેવા માગી રહ્યા હોવાની ચર્ચાએ વેગ પકડયું છે.
બીજી તરફ પાકિસ્તાને પણ કરેલા હુમલાના અહેવાલો સામે આવ્યા છે. તાલિબાન દ્વારા પણ પાકિસ્તાની હુમલાની પુષ્ટી કરવામાં આવી હતી. તાલિબાનીઓએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન દ્વારા કાયરતાપૂર્ણ હવાઈ હુમલા કરવામાં આવ્યા છે. તેના કારણે ઈમારતો અને અન્ય માળખાને નુકસાન થયું છે. તેના દ્વારા કોઈ જાનહાની થઈ નથી. બીજી તરફ પાકિસ્તાની મંત્રી મોહસિન નકવીએ દાવો કર્યો છે કે, પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હુમલામાં ૧૩૩ અફઘાની તાલિબાનોના મોત થયા છે. બીજી તરફ ૨૦૦થી વધારે તાલિબાનો ઈજાગ્રસ્ત થયા છે. નકવીએ કહ્યું કે પાકિસ્તાની હવાઈ હુમલામાં તાલિબાનોની ૨૭ પોસ્ટને નુકસાન થયું છે. મોટાભાગની ધ્વસ્ત થઈ ગઈ છે. તે ઉપરાંત દસથી વધારે તાલિબાનોને ઝડપી પાડવામાં આવ્યા છે.

 

(5:52 PM IST)