તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th March 2026
લ્યો બોલો! ૩ બાળકોની માએ એકસાથે બે પુરુષો સાથે કર્યા લગ્ન
બે મિત્રો થાઈલેન્ડ ફરવા આવ્યાં અને એક જ મહિલા સાથે કરી લીધા લગ્નઃ દહેજમાં આપ્યાં ૨૯-૨૯ લાખ રૂપિયા

બુરીરામ (થાઇલેંડ) તા.૫: તમે ઘણા લગ્ન જોયા હશે, જેમાં એક વર અને એક કન્યા હોય છે, પરંતુ શું તમે ક્યારે એવા લગ્ન જોયા છે, જેમાં બે વર અને એક કન્યા હોય? તાજેતરમાં આવા જ એક લગ્ન થાઈલેન્ડમાં જોવા મળ્યા છે. જ્યાં બે લોકોએ એક મહિલા સાથે લગ્ન કર્યા. આ બંને પુરુષોએ મહિલાને દહેજમાં ૨૯-૨૯ લાખ રૂપિયા પણ આપ્યા.
ડેલી સ્ટારના રિપોર્ટ અનુસાર ઓસ્ટ્રિયાના વિયેના શહેરના બે મિત્રો રોમન (૬૭) અને મેકી (૫૬) એ થાઈલેન્ડના ગ્રામીણ બુરીરામ પ્રાંતમાં ૩૭ વર્ષીય દુજદુઆન કેતસારો સાથે લગ્ન કરીને ગામના લોકોને ચોંકાવી દીધા હતા. ૨૮ ફેબ્રુઆરીએ આયોજિત આ અનોખા સમારોહને જોઈને લોકો નવાઈમાં પડી ગયા. કેમ કે, આ અનોખા લગ્નમાં એક મહિલાએ બે પુરુષો સાથે લગ્નજીવનના શપથ લીધા. જો કે, થાઈલેન્ડમાં કાયદો એક સમયે માત્ર એક જ જીવનસાથીને માન્યતા આપે છે, છતાં પણ આ તિકડીએ પરિવારની સહમતિથી સાથે રહેવાનો નિર્ણય કર્યો. લગ્ન સમારોહ પરંપરાગત થાઈ રીતિ રિવાજો સાથે ધામધૂમથી સંપન્ન થયો. દુલ્હન દુજદુઆન પરંપરાગત પોશાકમાં સજ્જ હતી અને તેના હાથમાં વિધિ તરીકે નોટ બાંધેલી હતી. બંને વરરાજા તેને એક-એક મિલિયન બાટ (લગભગ ૨૪ હજાર પાઉન્ડ) દહેજ અને સોનાના ઘરેણાં આપ્યા. સ્થાનિક લોકોએ નવયુગલને શુભેચ્છાઓ પાઠવી અને આ લગ્ન આખા વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગયા.
દુજદુઆન ત્રણ બાળકોની મા છે. પહેલા તેના લગ્ન એક થાઈ પતિ સાથે થયા હતા, પણ આર્થિક મુશ્કેલીઓના કારણે બંને અલગ થઈ ગયા. ત્યારબાદ દુજદુઆને પટાયામાં કામ કરવાનું શરૂ કર્યું, જ્યાં તેમની મુલાકાત રોમન સાથે થઈ. રોમન એ સમયે થાઈલેન્ડ ફરવા આવ્યો હતો. બંને લગભગ પાંચ વર્ષ સુધી સાથે રહ્યા. પછી રોમનનો મિત્ર મેકી પણ થાઈલેન્ડ આવ્યો અને તે પણ દુજદુઆનના નજીક આવ્યો.
રોમન કહે છે કે તેઓ પોતાના મિત્રની લાગણીઓથી અવગત હતો અને માત્ર એક મહિલાને કારણે વર્ષો જૂની મિત્રતા તોડવી નહોતી. આ કારણે ત્રણેયે પરસ્પર સમજદારીથી સાથે રહેવાનો નિર્ણય કર્યો. લગભગ એક વર્ષ સુધી આ રીતે સાથે રહ્યા પછી દુજદુઆનના પરિવારના આશીર્વાદથી તેમણે ઔપચારિક રીતે લગ્ન સમારોહનું આયોજન કર્યું.
દુજદુઆનની માતા ગ્વાંગ (૬૧) એ કહ્યું કે તેમણે પોતાની દીકરીને જીવનમાં ઘણો સંઘર્ષ કરતા જોઈ છે અને હવે ખુશ છે કે તેને સહારો આપનારા સાથી મળી ગયા છે. તેમના જણાવ્યા અનુસાર, સમાજ શું વિચારે એ મહત્વનું નથી, પણ દીકરીની ખુશી અને બાળકોનું સુરક્ષિત ભવિષ્ય વધુ મહત્વનું છે. તેમણે ઉમેર્યું કે દહેજ કરતાં પરસ્પર પ્રેમ અને સમજ વધુ મહત્વપૂર્ણ છે.
સાલેંગથોન ઉપ-જિલ્લા નગરપાલિકાના મેયર થિયેન્યુ લુઆંગદેચાનુરાક પણ આ લગ્નમાં હાજર રહ્યા. તેમણે કહ્યું કે તેમણે ઘણા લગ્ન જોયા છે, પણ એક મહિલાના બે પુરુષો સાથે એકસાથે લગ્ન કરવા પહેલીવાર જોયા છે. તેમણે નવદંપતીઓને શુભેચ્છા આપી અને આશા વ્યક્ત કરી કે તેમનો પ્રેમ લાંબા સમય સુધી ટકી રહે. મહત્વનું છે કે થાઈલેન્ડમાં ૧૯૩૫ સુધી બહુવિવાહ કાનૂની રીતે માન્ય હતા, પણ પછી તેને બંધ કરી દેવામાં આવ્યા.
(10:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
