<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th March 2026

ઈરાન પર આભમાંથી 'ઝેર' વરસ્યું? કાળો ડામર જેવો વરસાદ પડતા હાહાકાર: લોકો ઘરની બહાર નીકળતા ડર્યા

ભીષણ રણ પ્રદેશમાં અચાનક આકાશ કાળુંડિબંગ થયું અને વરસ્યું 'કાળું મોત': કપડાં અને ચામડી પર પડતા જ ડાઘા પડી ગયા: રેતીની ડમરી કે પ્રદૂષણનું પરિણામ? ઈરાની તંત્ર દ્વારા ઈમરજન્સી એલર્ટ જાહેર

નવી દિલ્હી: એક તરફ ઈરાન પર ઈઝરાયેલ અને અમેરિકા સાથેના યુદ્ધના વાદળો મંડરાઈ રહ્યા છે, ત્યાં બીજી તરફ કુદરતે પણ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ લાગે છે. ઈરાનના અનેક વિસ્તારોમાં અચાનક જ 'કાળો વરસાદ' (Black Rain) પડતા લોકોમાં ભારે ગભરાટ ફેલાયો છે. સવારના સમયે જ્યારે વરસાદ શરૂ થયો ત્યારે લોકો તેને સામાન્ય માનતા હતા, પરંતુ થોડી જ વારમાં આખું આકાશ કાળું થઈ ગયું અને જમીન પર કાળા ડામર જેવા ટીપાં પડવા લાગ્યા હતા.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે સફેદ ગાડીઓ પળવારમાં કાળી પડી ગઈ હતી અને રસ્તાઓ પર કાળા પાણીના વહેણ જોવા મળ્યા હતા. જાણકારોના મતે, આ કોઈ રહસ્યમય ઘટના નથી પરંતુ વાતાવરણમાં રહેલા પ્રદૂષણ, તેલ રિફાઇનરીનો ધુમાડો અથવા રણની કાળી રેતી જ્યારે વરસાદના ટીપાં સાથે ભળે છે ત્યારે આવો નજારો જોવા મળે છે. જોકે, સ્થાનિક લોકો તેને કોઈ અશુભ સંકેત માની રહ્યા છે. તંત્રએ લોકોને આ વરસાદમાં ન નહાવા અને ઘરની બહાર ન નીકળવા કડક સૂચના આપી છે.

ચિંતાજનક બાબત એ છે કે, તહેરાન અને તેની આસપાસના પ્રદેશોમાં લોકોએ ફરિયાદ કરી છે કે આ ધુમાડાના કારણે તેમનું સ્વાસ્થ્ય ખરાબ થઈ રહ્યું છે. બીજી તરફ વાવાઝોડાના કારણે જે વરસાદ પડી રહ્યો છે તે પણ કાળો અને ક્રૂડથી ભરેલો છે. તેના કારણે ચામડીમાં ઈરિટેશન અને અન્ય સમસ્યાઓ થઈ રહી છે. 

કેટલાક લોકો માને છે કે, આકાશમાંથી એસિડનો જ વરસાદ થઈ રહ્યો છે. બીજી તરફ જાણકારોના મતે આ ક્રૂડ ભેળેલું પાણી છે જેથી તે કાળું છે અને તેમાં એસિડ જેવા તત્ત્વો નથી. આ અંગે નક્કર કોઈ અહેવાલ આવી શકે તેમ નથી. બીજી તરફ વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું હતું કે, જ્યારે આવા તેલના કુવામાં આગ લાગે છે અને ભયાનક પ્રદુષણ ફેલાય છે તે સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી હોય છે. એક તરફ વાતાવરણમાં ધુમાડાનું ઝેર ફેલાયેલું હોય છે જ્યારે કાળો વરસાદ પડે ત્યારે તેમાં હાઈડ્રોકાર્બન અને અન્ય ઝેરી રસાયણો હોય છે જેના કારણે વ્યાપક સમસ્યા સર્જાતી હોય છે.

ઉલ્લેખનીય છે કે, વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ નોંધ્યું છે કે, આ ધુમાડાના કારણે ફેફસાં અને ચામડીને નુકસાન થાય છે. આ ધુમાડાથી ફેફસામાં સતત બળતરા થાય છે અને આ વરસાદના સંપર્કમાં આવવાથી ચામડીમાં બળતરા થતી હોય છે. જો કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી આ ધુમાડાવાળા વાતાવરણમાં રહેતું હોય અને બ્લેક રેઈનના સંપર્કમાં આવતું હોય તો તેના સ્વાસ્થ્યને વધારે જોખમ થઈ શકે છે. જાણકારો માને છે કે, ઈરાન ઉપરથી આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે. હવે આ વાવાઝોડામાં ઈરાનમાં જે ક્રૂડ અને કેમિકલ્સ ભળ્યા છે તે પણ આગળ વધી રહ્યા છે. જો આ વરસાદ નહીં પડી જાય અને વાવાઝોડું શમી નહીં જાય તો આગામી દિવસોમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન ઉપર પણ મોટું જોખમ સર્જાશે. અહીંયા પણ એસિડ રેઈન થવાની શક્યતાઓ દેખાઈ રહી છે.

 

 

 

(5:35 PM IST)