<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th March 2026

ચીનમાં ‘રોબોટ’ની અનોખી ધરપકડ: વૃદ્ધ મહિલાનો પીછો કરતા પોલીસે હસ્તક્ષેપ કર્યો: વિડિયો વાયરલ

ટેકનોલોજીનો અજીબોગરીબ કિસ્સો: મકાઉમાં પ્રમોશનલ રોબોટ મહિલાની પાછળ ઉભો રહી જતા સર્જાયો હોબાળો: પોલીસે રોબોટનો હાથ પકડી ‘કસ્ટડી’માં લીધો

નવી દિલ્હી : ચીનના મકાઉ વિસ્તારમાં એક એવી ઘટના બની છે જે કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મનો સીન હોય તેવું લાગે. અહીં એક હ્યુમનોઇડ રોબોટ દ્વારા વૃદ્ધ મહિલા સાથે અજીબ વર્તન કરવામાં આવતા આખરે પોલીસે રોબોટની ‘ધરપકડ’ કરવી પડી હતી. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વિડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેમાં પોલીસ અધિકારી રોબોટનો હાથ પકડીને તેને લઈ જતા જોવા મળે છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે એક વયોવૃદ્ધ મહિલા સામે રોબોટ આવી ગયો હતો. તે મહિલાનો રસ્તો રોકીને ઉભો રહી ગયો હતો. મહિલાએ ચીડાઈને તેને દૂર મોકલવાની કોશિશ કરી તો રોબોટે તેની સાથે ગેરવર્તન કરવા માંડયું હતું. તે બે હાથ ઉંચા કરીને મહિલાને ચીડવવા લાગ્યો હતો. મહિલાએ ફરીથી દૂર જવાની કોશિશ કરી તો રોબોટ તેની સાવ સામે આવી ગયો હતો. આ ઘટના મકાઉના એક રહેણાક વિસ્તારમાં બની હતી. આસપાસમાં લોકો એકઠા થઈ ગયા હતા. રોબોટ મહિલાને ઈજા પહોંચાડે તે પહેલાં જ પોલીસ જવાનો આવી ગયા હતા.
એ પછી પોલીસ રોબોટને લઈને જાય છે એ પણ વીડિયોમાં દેખાય છે. એ ઘટના પછી લોકોએ પૂછ્યું હતું કે પોલીસે શું ખરેખર એક રોબોટની ધરપકડ કરી છે? જો ખરેખર એમ હશે તો ધરપકડ થનારો આ પહેલો રોબોટ હશે. આ ઘટના પછી જે કંપની રોબોટનું સંચાલન કરતી હતી તેણે મહિલાની માફી માંગી હતી. મહિલાને પોલીસે હોસ્પિટલમાં લઈ જઈને ઈજા નથી થઈ તેની તપાસ કરી હતી. જે રોબોટે મહિલા સાથે ગેરવર્તન કર્યું તે ૨૦૨૪થી એક્ટિવ છે. તેને એડવાન્સ ટેકનોલોજી સાથે અપડેટ કરાયો હતો. તે વ્યવસ્થિત ચાલી શકે છે અને આસપાસનો માહોલ સમજી શકે છે. તેણે આવું વર્તન કર્યું તેની સામે કંપનીએ પણ આશ્વર્ય વ્યક્ત કર્યું હતું.

 

(5:39 PM IST)