<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st March 2026

ગલ્ફ દેશોમાં 'યુદ્ધ'નો ફફડાટ: કતાર અને કુવૈતમાં ખુલ્લા મેદાનમાં ઈદની નમાઝ પઢવા પર મુકાયો પ્રતિબંધ

આકાશમાંથી આફત ત્રાટકવાનો ડર? મધ્ય-પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ગલ્ફ રાષ્ટ્રો એલર્ટ મોડમાં:સુરક્ષાના કારણોસર ઈદની ઉજવણીના નિયમોમાં મોટો ફેરફાર

નવી દિલ્હી: દુનિયાભરમાં આજે શનિવાર એટલે કે 21 માર્ચના રોજ ઈદ મનાવવામાં આવી રહી છે. ખાડી દેશોમાં ઈદની રોનક હંમેશા અલગ જ હોય છે, પરંતુ આ વખતે આ દેશોમાં પણ ઈદ ડરના છાયડામાં મનાવવામાં આવી રહી છે. કતાર, કુવૈત અને UAE જેવા દેશોમાં પણ લોકોને ખુલ્લામાં નમાઝ પઢતા રોકી દેવામાં આવ્યા છે. વહીવટીતંત્રને ડર છે કે ક્યાંક કોઈ મિસાઈલ આવીને ન પડે. મુસ્લિમો માટે સૌથી પવિત્ર સ્થળોમાંનું એક જેરુસલેમની અલ-અક્સા મસ્જિદ પણ સુમસામ જોવા મળી હતી. અહીં લોકોના આવવા પર ઈઝરાયલ દ્વારા પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ઈરાન સાથે યુદ્ધ શરૂ થયા બાદથી જ અલ-અક્સા મસ્જિદને સીલ કરી દેવામાં આવી હતી. ઈઝરાયલે સ્પષ્ટતા કરી છે કે સુરક્ષાના કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સાઉદી અરેબિયા, કતાર, UAE, ઈરાન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં લોકોને ઈદની તૈયારી કરવાનો પણ સમય મળ્યો નથી. આખા રમઝાન દરમિયાન આ દેશોમાં તણાવનું વાતાવરણ રહ્યું હતું. ઈરાન યુદ્ધ ઉપરાંત પાકિસ્તાન અને અફઘાનિસ્તાન પણ આમને-સામને છે. રમઝાન દરમિયાન જ પાકિસ્તાને અફઘાનિસ્તાનની હોસ્પિટલ પર હુમલો કર્યો હતો, જેમાં 400થી વધુ લોકોના મોત થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ સંજોગોમાં આ વર્ષે રમઝાનનો મહિનો સમગ્ર વિશ્વમાં લોહિયાળ સંઘર્ષની વચ્ચે પસાર થયો છે.

ઈઝરાયલ અને અમેરિકાના હુમલા બાદ ઈરાનમાં ભારે તણાવ જોવા મળી રહ્યો છે. ઈદ પહેલા પણ અહીંના બજારો સુમસામ રહ્યા હતા. લોકોને ખાસ સૂચના આપવામાં આવી હતી કે તેઓ પોતાના ઘર અથવા મસ્જિદની અંદર જ નમાઝ પઢે. લોકોને ખુલ્લામાં નમાઝ પઢવાની મંજૂરી આપવામાં આવી ન હતી. ઈરાનમાં ઈદ-ઉલ-ફિત્રના પ્રસંગે યુદ્ધમાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ઘણી જગ્યાએ જશ્ન મનાવવામાં આવ્યો હતો તે પણ અત્યંત સાદગીથી. લોકોએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે પોતાની દુકાનો પણ બંધ રાખી હતી.

(8:21 PM IST)