News of Monday, 23rd March 2026
ગર્ભવતી મહિલાને WFH ન મળ્યું: નવજાતનું મોતઃ હવે કંપનીએ ૨૧૧ કરોડનું આપવું પડશે વળતર
Ohioમાં એક મહિલાને તેની ગર્ભાવસ્થા દરમિયાન પણ તેની કંપની દ્વારા ઘરેથી કામ કરવાની પરવાનગી આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો

હેમિલ્ટન,તા.૨૩: Ohio માં એક મહિલાને તેની જાટિલ ગર્ભાવસ્થા દરમિયાન પણ તેની કંપની દ્વારા ઘરેથી કામ કરવાની પરવાનગી આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. તેના નવજાત બાળકનું પાછળથી મૃત્યુ થયું. કોર્ટે કંપનીને તેને ૨૧૧ કરોડ રૂપિયા વળતર તરીકે ચૂકવવાનો આદેશ આપ્યો છે.
Ohio ની એક કંપનીએ તેના એક કર્મચારીને તેની ગર્ભાવસ્થા દરમિયાન પણ ઘરેથી કામ કરવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. જટિલ ગર્ભાવસ્થાને કારણે જન્મ પછી બાળકનું મૃત્યુ થયું હતું. કોર્ટે કંપનીને મહિલાને ૨૨.૫ મિલિયન ડોલર અથવા આશરે ૨૧૧ કરોડ રૂપિયા વળતર તરીકે ચૂકવવાનો આદેશ આપ્યો છે. અહેવાલો અનુસાર, શેલ્સિયા વોલ્શ ટોટલ ક્વોલિટી લોજિસ્ટિક્સ (TQL) નામની કંપનીમાં કામ કરતી હતી.
આ ઘટના ફેબ્રુઆરી ૨૦૨૧ માં બની હતી. વોલ્શને તેની જટિલ ગર્ભાવસ્થાને કારણે જરૂરી તબીબી દેખરેખની જરૂર હતી. તેથી, તેણે કંપની પાસેથી ઘરેથી કામ કરવાની પરવાનગી માગી. કંપનીએ તેને પરવાનગી આપવાનો ઇનકાર કર્યો. પીપલ મેગેઝિનના અહેવાલ મુજબ, વોલ્શે ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૧ ના રોજ કંપનીને ઇમેઇલ કરીને ઘરેથી કામ કરવાની પરવાનગી માગી. તેણે જણાવ્યું હતું કે તેના ડોક્ટરે તેને વધુ પડતી હિલચાલ સામે સલાહ આપી હતી.
ઇમેઇલમાં, વોલ્શે જણાવ્યું હતું કે તેને પૂરતો આરામ કરવાની સલાહ આપવામાં આવી હતી અને તેથી તેણે ઘરેથી કામ કરવાની પરવાનગી માગી હતી. આમ છતાં, કંપનીએ આગ્રહ કર્યો હતો કે તેને દરરોજ ઓફિસ આવવું પડશે. જો તેણી ઓફિસ આવવા માંગતી ન હોય, તો તેણી ગેરહાજરીની રજા લઈ શકે છે. આ રજા અવેતન રહેશે અને તેણીને આરોગ્ય વીમા દ્વારા આવરી લેવામાં આવશે નહીં.
અહેવાલ મુજબ, તેને શરૂઆતમાં ઘરેથી કામ કરવાની પરવાનગી નકારવામાં આવી હતી અને પછી બળજબરીથી રજા પર મૂકવામાં આવી હતી. વોલ્શ ૨૨ ફેબ્રુઆરીએ ઓફિસ ગઈ હતી. તેના ડોક્ટરની સલાહ છતાં, તે ત્રણ દિવસ સુધી ઓફિસમાં હાજર રહી. ત્યારબાદ ૨૪ ફેબ્રુઆરીએ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ૨૪ ફેબ્રુઆરીએ તેણે એક બાળકીને જન્મ આપ્યો હતો, જેનું થોડા સમય પછી મૃત્યુ થયું હતું. કંપનીએ તેને પ્રસૂતિના થોડા સમય પહેલા ઘરેથી કામ કરવાની પરવાનગી આપી હતી.
અરજી મુજબ, બાળકીના હૃદયના ધબકારા જન્મ પછી પણ ચાલુ હતા અને તે શ્વાસ લઈ રહી હતી. આમ છતાં, તેનું જન્મના દોઢ કલાક પછી મૃત્યુ થયું. બાળકનો જન્મ ૧૮ અઠવાડિયા પહેલા થયો હતો. આ પછી, વોલ્શે કોર્ટમાં દાવો દાખલ કર્યો. તેમણે કહ્યું કે કંપનીએ ઘરેથી કામ કરવાની મંજૂરી ન આપી હોવાથી તેમની પુત્રીનું મૃત્યુ થયું.
હેમિલ્ટન કાઉન્ટી કોર્ટે નક્કી કર્યું કે બાળકીના મૃત્યુ માટે કંપની જવાબદાર છે. કોર્ટે કહ્યું કે વોલ્શને ૨૫ મિલિયન ડોલરનું વળતર મળવું જોઈએ. જોકે, કંપની ૯૦ ટકા દોષિત હોવાનું જણાતાં, આ રકમ ઘટાડીને ૨૨.૫ મિલિયન ડોલર કરવામાં આવી.
(10:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
