<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th March 2026

વિશ્વયુદ્ધના ભણકારા વચ્ચે પણ ચીન બેફિકર: વર્ષોના ગુપ્ત પ્લાનિંગનું ફળ મળ્યું, દુનિયામાં તેલના ભાવ ભડકે બળશે તો પણ ચીનમાં નહીં આવે ઓઈલ સંકટ

ચીને પાતાળમાં બનાવ્યો રણનીતિક તેલ ભંડાર: ગમે તેવું ભીષણ યુદ્ધ ફાટી નીકળે તો પણ વર્ષો સુધી ચાલે એટલું ક્રૂડ ઓઈલ સ્ટોર કરી લીધું, અમેરિકા અને પશ્ચિમી દેશોના પ્રતિબંધોની પણ ચીન પર નહીં થાય કોઈ અસર

નવી દિલ્હી: જ્યારે ઈઝરાયેલ-ઈરાન અને અમેરિકા વચ્ચેના સંઘર્ષને કારણે આખી દુનિયામાં તેલના ભાવ આસમાને પહોંચવાની અને અછત સર્જાવાની ભીતિ છે, ત્યારે ચીન એકદમ શાંત અને સુરક્ષિત બેઠું છે. તેની પાછળ ચીનનું વર્ષોનું અત્યંત ખતરનાક અને દૂરંદેશીભર્યું પ્લાનિંગ જવાબદાર છે. ચીને ગુપ્ત રીતે જમીનની અંદર પહાડો કોતરીને અને વિશાળ ટાંકીઓ બનાવીને 'સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ' ઊભું કર્યું છે. ચીને અત્યાર સુધીમાં રશિયા અને ઈરાન પાસેથી સસ્તા ભાવે લાખો ટન ક્રૂડ ઓઈલ ખરીદીને ભરી રાખ્યું છે. જો ખાડી દેશોમાં યુદ્ધને કારણે તેલનો સપ્લાય બંધ થઈ જાય, તો પણ ચીન પાસે એટલો ભંડાર છે કે તે વર્ષો સુધી પોતાની સેના અને ઉદ્યોગોને ચલાવી શકે છે. આ રણનીતિને કારણે અમેરિકા પણ ચીનને તેલના મોરચે નમાવી શકે તેમ નથી.

ચીને મ્યાનમારના ક્યાયુકફ્યુ બંદરથી ચીનના કુનમિંગ શહેર સુધી વિશાળ પાઇપલાઇન બિછાવી છે. આ પાઇપલાઇન દ્વારા વાર્ષિક 2.2 કરોડ ટન તેલ સીધું ચીન પહોંચે છે. ખાડી દેશોના ટેન્કરો મ્યાનમારના તટ પર તેલ ઉતારે છે, જે પાઇપલાઇન વાટે ચીન જાય છે. તેલની સાથે જ વાર્ષિક 12 અબજ ક્યુબિક મીટર ગેસ સપ્લાય કરવાની ક્ષમતા ધરાવતી ગેસ પાઇપલાઇન પણ કાર્યરત છે.

ચીન હિંદ મહાસાગરમાં પોતાની હાજરી વધારવા માટે String of Pearlsની નીતિ પર કામ કરી રહ્યું છે. ચીને અહીં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં મોટું રોકાણ કરીને ભારતનો પ્રભાવ ઘટાડવાનો પ્રયાસ કર્યો છે. બ્રિટન દ્વારા ચાગોસ ટાપુ મોરેશિયસને સોંપવાના નિર્ણય પર ડોનાલ્ડ ટ્રમ્પે નારાજગી વ્યક્ત કરી છે. અમેરિકાને ડર છે કે, મોરેશિયસમાં ચીની રોકાણ વધવાથી ડિયેગો ગાર્સિયા સ્થિત અમેરિકી સૈન્ય બેઝની જાસૂસી થઈ શકે છે.

ચીનની આ ચાલ સામે ભારતે પણ કમર કસી છે. ભારતે ગ્રેટ નિકોબાર ટાપુ પર નવો ઍરપૉર્ટ અને મિલિટ્રી બેઝ બનાવીને ચીન માટે મલક્કા ખાડી પાસે એક નેચરલ બેરિયર તૈયાર કર્યું છે. આ બેઝ બંગાળની ખાડીમાં ચીની જહાજોની ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખશે.

(4:50 PM IST)