<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th March 2026

સોશિયલ મીડિયાના રાક્ષસ સામે લાલ આંખ: ‘ફેસબુક-ઈન્સ્ટા બાળકો માટે ઘાતક’, અમેરિકાની કોર્ટે Meta ને ૩૧૦૦ કરોડ રૂપિયાનો ફટકાર્યો તોતિંગ દંડ

માર્ક ઝુકરબર્ગની કંપનીના મનસૂબા પર પાણી: બાળકોના માનસિક સ્વાસ્થ્ય સાથે ચેડાં અને ડેટા પ્રાઈવસીના લીરેલીરા ઉડાડતા કોર્ટે આપ્યો ઐતિહાસિક ચુકાદો:પાયમાલ કરી દે તેવા દંડથી ટેક દુનિયામાં ભૂકંપ

નવી દિલ્હી : દુનિયાભરમાં કરોડો યુઝર્સ ધરાવતી કંપની Meta (જેમાં ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ સામેલ છે) ને અમેરિકાની કોર્ટે આકરો આંચકો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, Meta ના પ્લેટફોર્મ્સ જાણીજોઈને બાળકોમાં સોશિયલ મીડિયાનું વ્યસન લગાડે છે અને તેમના માનસિક સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ રહ્યા છે. બાળકોના ડેટા સાથે છેડછાડ અને પ્રાઈવસીના ભંગ બદલ કોર્ટે માર્ક ઝુકરબર્ગની કંપનીને અંદાજે ૩૧૦૦ કરોડ રૂપિયા (૩૭૫ મિલિયન ડોલરથી વધુ) નો માતબર દંડ ફટકાર્યો છે. આ ચુકાદાને પગલે હવે ટેક કંપનીઓ પર બાળકોની સુરક્ષા માટે કડક નિયમો લાદવાની તૈયારીઓ શરૂ થઈ છે. આટલી મોટી રકમના દંડથી Meta ના શેરબજારમાં પણ ગાબડાં પડવાની ભીતિ સેવાઈ રહી છે, જ્યારે વાલીઓમાં આ ચુકાદાથી ખુશીની લહેર જોવા મળી છે.

આ કેસમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે અદાલતે મેટાને માત્ર એક ભૂલ માટે નહીં, પરંતુ ગ્રાહક સુરક્ષા કાયદાના હજારો વખત ઉલ્લંઘન કરવા બદલ જવાબદાર ગણી છે. કંપનીએ બાળકોની ઓછી ઉંમર અને અનુભવહીનતાનો ગેરલાભ ઉઠાવીને ભ્રામક માહિતી આપી અને અનુચિત વ્યાપારી રીત-રસમો અપનાવી હતી. દરેક ઉલ્લંઘન માટે અલગથી દંડ નક્કી કરવામાં આવ્યો છે, જે કુલ મળીને કરોડો રૂપિયામાં પહોંચ્યો છે.

નિષ્ણાંતો આ ચુકાદાને સોશિયલ મીડિયા કંપનીઓ માટે એક મોટો સંદેશ માની રહ્યા છે. આ નિર્ણયથી ભવિષ્યમાં ટેક કંપનીઓ પર બાળકોની સુરક્ષાને લઈને વધુ કડક નિયમો લાગુ થઈ શકે છે. જોકે, મેટા તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર વિસ્તૃત પ્રતિક્રિયા આવી નથી, પરંતુ એવી શક્યતા છે કે કંપની આ આકરા ચુકાદાને ઉપલી અદાલતમાં પડકારશે.

(4:51 PM IST)