<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th March 2026

કુદરતનો કરિશ્મા: ચીનમાં કતલખાને જતા સાત શ્વાનોએ ફિલ્મી ઢબે 'ગ્રેટ એસ્કેપ' કરી ૧૭ કિમીની સફર કાપી હેમખેમ ઘેર પહોંચ્યા

મોતના મુખમાંથી સાત જીવ બચ્યા: એક સગીર કોર્ગી શ્વાને લીડર બનીને હાઈવે પર ઘાયલ જર્મન શેફર્ડ સહિતના સાથીઓને રસ્તો બતાવ્યો: ગૂગલ મેપ વગર વતન પહોંચી વફાદારીનો અનોખો પુરાવો આપતા કરોડો લોકોની આંખો ભીની

નવી દિલ્હી: વફાદારી અને જીવ બચાવવાની જીદ કોને કહેવાય તેનો જીવંત દાખલો ચીનના જિલીન પ્રાંતમાં જોવા મળ્યો છે. અહીં કુતરાના માંસના વેપાર માટે ચોરી કરવામાં આવેલા સાત પાલતુ શ્વાનો એક ટ્રકમાંથી છટકી જવામાં સફળ રહ્યા હતા. આ સાતેય શ્વાનોએ ભરચક હાઈવે અને ખેતરોમાં ૧૭ કિલોમીટર સુધીનો રસ્તો કાપ્યો હતો. નવાઈની વાત એ છે કે, આ આખી ટોળકીનું નેતૃત્વ એક નાનકડા 'કોર્ગી' નસ્લના શ્વાને કર્યું હતું, જે વારંવાર પાછળ વળીને જોતો હતો કે કોઈ સાથી પાછળ તો નથી રહી ગયો ને! આ ટોળકીમાં એક ઘાયલ જર્મન શેફર્ડ પણ હતો જેને બીજા શ્વાનોએ રક્ષણ પૂરું પાડ્યું હતું. બે દિવસની કપરી સફર બાદ આ સાતેય શ્વાનો પોતાના માલિકના ઘરે સુરક્ષિત પહોંચતા આખું ગામ હિબકે ચઢ્યું હતું. સોશિયલ મીડિયા પર આ બહાદુર શ્વાનોના વીડિયોને ૨૩ કરોડથી વધુ લોકોએ નિહાળીને તેમની અતૂટ દોસ્તી અને હિમ્મતને સલામ કરી છે.

૧૬ માર્ચે લુ નામની વ્યક્તિ દ્વારા રેકોર્ડ કરાયેલા એક વીડિયોમાં ચાંગચુનમાં વ્યસ્ત હાઈવે પર શ્વાનોને એક વ્યવસ્થિત કતારમાં ચાલતા જોઈ શકાય છે. એક કોર્ગી આગળ ચાલીને તેમની આગેવાની લેતો હોવાનું જણાતું હતું, જે વારંવાર પાછળ વળીને જૂથ પર નજર રાખી રહ્યો હતો, જ્યારે એક ગોલ્ડન રીટ્રીવર કિનારે રહીને તેમની ચોકી કરી રહ્યો હતો. તેમની વચ્ચે એક ઘાયલ જર્મન શેપર્ડ સુરક્ષિતને સુરક્ષિત રાખીને અન્ય શ્વાનો પોતાની ગતિમાં ફેરફાર કરી રહ્યા હતા.તેમને સલામત સ્થળે લઈ જવાના લુના પ્રયાસો છતાં શ્વાનોએ તેમનો નિર્ધારીત પ્રવાસ ચાલુ જ રાખ્યો. લુએ પછી આ ફૂટેજ ઓનલાઈન શેર કરીને પ્રશાસનને મદદ કરવાની વિનંતી કરી.વીડિયોએ વ્યાપક ધ્યાન ખેંચતા સ્વયંસવેકો ઝડપથી એકત્ર થયા અને શ્વાનોને ટ્રેક કરવા તેમજ તેમની સલામત વાપસી સુનિશ્ચિત કરવા એક ડ્રોનનો પણ ઉપયોગ કરાયો.લગભગ બે દિવસના પ્રવાસ પછી ૧૯ માર્ચ સુધીમાં તમામ સાત શ્વાન સફળતાપૂર્વક તેમના માલિક પાસે પહોંચી ગયા. માલિકોએ રાહતનો શ્વાસ લઈને આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે તેમના પાળતુ શ્વાન કેટલી મુસીબતમાં ફસાયા હતા. એક માલિકે અપરિચિત વિસ્તારમાંથી જૂથને ઘરે સલામત પાછા લાવવામાં આગેવાની લઈને મદદ કરવા માટે કોર્ગીની બુદ્ધિમતાને શ્રેય આપ્યું.

(4:51 PM IST)