<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th March 2026

ચીનનો અજબ ગજબ નુસખો: 'જાઓ પ્રેમ કરો અને પ્રકૃતિને માણો':વસંતની રજાઓમાં યુનિવર્સિટીઓએ વિદ્યાર્થીઓને પ્રેમ કરવા મોકલ્યા

ઘટતા જન્મદરને રોકવા માટે ચીનની કોલેજોનું અનોખું એલાન: પુસ્તકિય જ્ઞાન બાજુ પર મૂકી યુવક-યુવતીઓને એકબીજાને મળવા અને રોમાન્સ કરવા રજાઓ આપી દીધી, વસ્તી વધારવા માટે શિક્ષણ સંસ્થાઓ પણ મેદાનમાં

નવી દિલ્હી: ચીનમાં સતત ઘટી રહેલા જન્મદર અને લગ્નના પ્રમાણને વધારવા માટે હવે ત્યાંની શૈક્ષણિક સંસ્થાઓએ પણ કમર કસી હોય તેવું અજીબોગરીબ પગલું ભર્યું છે. ચીનની અંદાજે ૯ જેટલી મોટી યુનિવર્સિટીઓએ વસંત ઋતુ (સ્પ્રિંગ બ્રેક) દરમિયાન વિદ્યાર્થીઓને એક સપ્તાહની ખાસ 'પ્રેમ કરવા'ની રજાઓ જાહેર કરી દીધી છે. યુનિવર્સિટીઓનું કહેવું છે કે, વિદ્યાર્થીઓ માત્ર ક્લાસરૂમમાં બેસી રહેવાને બદલે બહાર નીકળે, પ્રકૃતિને માણે અને એકબીજા સાથે પ્રેમભર્યા સંબંધો બાંધે તે દેશના ભવિષ્ય માટે જરૂરી છે. ચીનની સરકાર અત્યારે ગમે તે ભોગે યુવાનોને લગ્ન અને બાળકો પેદા કરવા માટે પ્રોત્સાહિત કરી રહી છે, કારણ કે ત્યાં વૃદ્ધોની સંખ્યા વધી રહી છે અને યુવાનો કામના બોજ હેઠળ દબાઈ ગયા છે. શિક્ષણ જગતમાં લેવાયેલા આ આંચકાજનક નિર્ણયની આખા વિશ્વમાં ચર્ચા થઈ રહી છે.

આ એલાન એવા સમયે અપાયું છે કે જ્યારે વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ ઊંચો ગ્રેડ મેળવવા અભ્યાસમાં વ્યસ્ત હોય. ચીનમાં છેલ્લાં ચાર વર્ષથી ૨૦૨૫ના અંત સુધી વસ્તી વધારામાં સતત ઘટાડો થઇ રહ્યો છે તેથી સરકાર ચિંતિત બની છે.સિચુયાન સાઉથ વેસ્ટ વૉકેશનલ કોલેજ ઓફ એવીએશને પોતાના ઓફીશ્યલ વી-ચેટ એકાઉન્ટ ઉપર મહત્વની જાહેરાત કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ૧ એપ્રિલથી ૬ એપ્રિલ સુધી ચાલનારી વસંતની રજાઓનાં થીમ રહેશે ફૂલો જુઓ અને રોમાન્સનો આનંદ લેતા રહો.મંગળવારે પ્રસિધ્ધ કરાયેલી આ નોટિસમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓન કહેવામાં આવ્યું છે કે પુસ્તકોને એક તરફ રાખી પ્રકૃતિનો આનંદ માણો અને રોમાન્ટિક પળોનો આસ્વાદ માણો.

આ નિર્ણય શિક્ષણનું દબાણ ઘટાડવા તથા યુવાનો અને યુવતીઓને રસસભર જીવન જીવવા પ્રોત્સાહિત કરવા માટે લેવામાં આવ્યો છે.આ ઉપરાંત કર્મચારીઓ માટે પેઇડ લીવની પણ વ્યવસ્થા વિચારાઈ છે જેથી ઓફ સીઝનમાં લોકો પ્રવાસ કરી શકે.આ પાછળનો સરકારનો હેતુ ૧.૪ અબજની વસ્તીવાળા આ દેશમાં જ રહેલાં પર્યટન અને મનોરંજનની ગતિવિધિઓને પુષ્ટિ આપવાનો છે અને તે દ્વારા અર્થતંત્રને પણ ગતિ આપવાનો હેતુ છે.

(4:51 PM IST)