<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th March 2026

એલોન મસ્કના 'X' ના વળતા પાણી? વિશ્વભરમાં હજારો યુઝર્સ માટે પ્લેટફોર્મ ડાઉન, યુઝર્સને પોતાની જ પોસ્ટ દેખાતી બંધ થઈ ગઈ

ડિજિટલ દુનિયામાં સન્નાટો: એક્સ (X) માં અચાનક આવેલી ટેકનિકલ ખામીથી હાહાકાર, લાખો યુઝર્સની ટાઈમલાઈન ખાલીખમ થઈ ગઈ, 'વેલકમ ટુ એક્સ' ના મેસેજ જોઈ યુઝર્સ લાલચોળ:મસ્કની નવી પોલીસી કે સર્વર ક્રેશ? રહસ્ય ઘેરાયું

નવી દિલ્હી : સોશિયલ મીડિયાના માંધાતા ગણાતા એલોન મસ્કના પ્લેટફોર્મ 'X' (અગાઉનું ટ્વિટર) માં આજે અચાનક મોટી ટેકનિકલ ખામી સર્જાતા વિશ્વભરના લાખો યુઝર્સ અટવાયા હતા. ભારત સહિત દુનિયાભરના હજારો યુઝર્સે ફરિયાદ કરી હતી કે તેમને પોતાની જ જૂની પોસ્ટ કે નવી ફીડ દેખાઈ રહી નથી. ઘણા યુઝર્સ જ્યારે લોગ-ઈન કરી રહ્યા હતા ત્યારે તેમને માત્ર કોરું પાનું (Blank Page) દેખાતું હતું અથવા 'વેલકમ ટુ એક્સ' ના મેસેજ આવતા હતા. ડાઉનડિટેક્ટર (Downdetector) પર હજારોની સંખ્યામાં ફરિયાદોનો ઢગલો થયો હતો. એલોન મસ્કના આવ્યા બાદ પ્લેટફોર્મમાં વારંવાર આવતી આવી ટેકનિકલ ખામીઓને કારણે યુઝર્સમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શું આ કોઈ સાયબર હુમલો છે કે પછી ઈન્ટરનલ સર્વર અપડેટમાં થયેલી ભૂલ? તે અંગે કંપની દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો નથી.

મોટાભાગની ફરિયાદો લગભગ 50% ‘ફીડ/ટાઈમલાઈન’ સાથે સંબંધિત હતી. અંદાજે 41% યુઝર્સને X એપ ઍક્સેસ કરવામાં મુશ્કેલી પડી રહી હતી. 6% લોકોએ વેબસાઇટ ખોલવામાં સમસ્યા થઈ રહી હોવાની ફરિયાદ કરી હતી. આઉટેજની અસર ભારતમાં પણ જોવા મળી છે. ભારતમાં Downdetector મુજબ 1,000થી વધુ ફરિયાદો નોંધાઈ છે.

આ ટેકનિકલ ખામી લાંબા સમય સુધી રહી નહોતી અને ભારતમાં બપોરે લગભગ 1:03 વાગ્યે Xની સેવાઓ ફરી શરૂ થઈ ગઈ હતી. જોકે, આ સર્વિસ બંધ થવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ નથી થયું. Downdetectorના ડેટા મુજબ સર્વિસ બંધ થતાંની સાથે જ ફરિયાદોમાં ખૂબ જ વધારો નોંધાયો હતો. એથી એ ખબર પડે છે કે આ સર્વિસ મોટા પાયે બંધ હતી. મોટાભાગના યુઝર્સને તેમની ફીડ અને ટાઈમલાઈન યોગ્ય રીતે લોડ ન થવાની સમસ્યા આવી હતી, જ્યારે કેટલાકને લોગિન અથવા કન્ટેન્ટ પોસ્ટ કરવામાં મુશ્કેલી પડી હતી.

(5:07 PM IST)