<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd April 2026

વિશ્વયુદ્ધના ભણકારા: ટ્રમ્પનું ભાષણ પૂરું થતા જ ઈરાનનો ઈઝરાયલ પર ભીષણ મિસાઈલ મારો:હાઈફા શહેર ધણધણી ઉઠ્યું

ઈરાનનો 'લોખંડી' જવાબ: ટ્રમ્પની ચેતવણીને ઘોળીને પી ગયું તેહરાન, મધ્ય-પૂર્વમાં આગઝરતી સ્થિતિ! ઈઝરાયલના હાઈફા પોર્ટ અને સૈન્ય મથકો પર મિસાઈલો ત્રાટકી:આકાશમાં આગના ગોળા અને પ્રચંડ ધડાકા! સાયરનોના ગુંજારવ વચ્ચે લાખો લોકો બંકરોમાં કેદ:નેતન્યાહુની વળતા પ્રહારની તૈયારી

નવી દિલ્હી: વોશિંગ્ટનથી લઈને તેહરાન સુધી અત્યારે યુદ્ધનો માહોલ ગરમાયો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું મહત્વનું સંબોધન જેવું પૂર્ણ થયું, તેના ગણતરીના મિનિટોમાં જ ઈરાને ઈઝરાયલ પર મિસાઈલોનો વરસાદ કરી દીધો છે. ઈઝરાયલનું મહત્વનું શહેર હાઈફા આ હુમલામાં મુખ્ય નિશાન બન્યું હોવાના અહેવાલો છે. ઈરાન તરફથી છોડવામાં આવેલી બેલેસ્ટિક મિસાઈલોએ હાઈફાના અનેક વિસ્તારોને હચમચાવી દીધા છે. ઈઝરાયલની 'આયર્ન ડોમ' એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય થઈ હોવા છતાં, હુમલો એટલો તીવ્ર હતો કે અનેક જગ્યાએ નુકસાન થયું હોવાની આશંકા છે. ટ્રમ્પે પોતાના ભાષણમાં ઈરાનને કડક ચેતવણી આપી હતી, પરંતુ ઈરાને આ હુમલો કરીને સાબિત કરી દીધું છે કે તે કોઈ પણ દબાણ સામે ઝૂકવા તૈયાર નથી. હવે સમગ્ર વિશ્વની નજર ઈઝરાયલના વળતા પ્રહાર પર છે.

નોંધનીય છે કે, ટ્રમ્પે પોતાના સંબોધનમાં દાવો કર્યો હતો કે અમેરિકા અને ઈઝરાયલે ઈરાનની સૈન્ય તાકાતને લગભગ ખતમ કરી દીધી છે. તેમણે ચેતવણી આપી હતી કે, "અમે આગામી બે થી ત્રણ અઠવાડિયામાં તેમને અત્યંત આકરો જવાબ આપીશું અને તેમને પાષાણ યુગ (Stone Age) માં પાછા મોકલી દઈશું." ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે ઈરાનની નૌસેના અને વાયુસેના સંપૂર્ણપણે બરબાદ થઈ ગઈ છે.

પરંતુ, ટ્રમ્પના આ દાવાઓની થોડી જ મિનિટો બાદ થયેલા મિસાઈલ હુમલાઓ દર્શાવે છે કે જમીની હકીકત અલગ છે. ઈરાન હજુ પણ ઈઝરાયેલના ઠેકાણાઓ પર હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે, જે અમેરિકી દાવાઓ સામે સવાલો ઉભા કરે છે.

(5:36 PM IST)