News of Friday, 3rd April 2026
વિશ્વયુદ્ધના એંધાણ? ઈરાનનો અમેરિકા પર પ્રચંડ પ્રહાર: અત્યાધુનિક F-35 ફાઈટર જેટ તોડી પાડ્યાનો દાવો:આખું આકાશ હચમચી ઉઠ્યું
અમેરિકાના અદ્રશ્ય વિમાનનો 'ખેલ' ખતમ? ઈરાની મિસાઈલ ડિફેન્સ સિસ્ટમની શક્તિ સામે અમેરિકી ટેકનોલોજી નાકામ:પાઈલોટ લાપતા થતા પેન્ટાગોનમાં હડકંપ: સોશિયલ મીડિયા પર 'ક્રેશ' થયેલા વિમાનનો વીડિયો વાયરલ

નવી દિલ્હી: ગલ્ફ વિસ્તારમાં ભયાનક યુદ્ધના વાદળો ઘેરાયા છે. ઈરાને આજે એક સત્તાવાર નિવેદન અને વીડિયો જાહેર કરીને દાવો કર્યો છે કે તેણે તેના આકાશમાં ઘૂસણખોરી કરી રહેલા અમેરિકાના અત્યંત આધુનિક F-35 લાઈટનિંગ ફાઈટર જેટને તોડી પાડ્યું છે. આ વિમાન દુનિયાના સૌથી મોંઘા અને 'સ્ટીલ્થ' (રડારમાં ન પકડાય તેવા) વિમાનોમાં ગણાય છે. ઈરાની સૈન્યના જણાવ્યા મુજબ, તેમની મિસાઈલ ડિફેન્સ સિસ્ટમે આ વિમાનને ટાર્ગેટ કર્યું હતું. હુમલા બાદ વિમાનનો કાટમાળ દરિયામાં કે રણ વિસ્તારમાં પડ્યો હોવાની આશંકા છે. સૌથી મોટી ચિંતા એ છે કે અમેરિકી પાઈલોટનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી, જેના કારણે અમેરિકામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અમેરિકાએ હજુ સુધી આ દાવાની પુષ્ટિ કરી નથી, પરંતુ જો આ સમાચાર સાચા નીકળશે તો ઈરાન અને અમેરિકા વચ્ચે સીધી ટક્કર થવી નક્કી છે.
નોંધનીય છે કે, અગાઉ 19 માર્ચના રોજ પણ ઈરાને અમેરિકન F-35 લાઈટનિંગ 2 વિમાનને નિશાન બનાવ્યું હોવાનો દાવો કર્યો હતો. F-35એ અમેરિકાના સંરક્ષણ દળનું અત્યંત શક્તિશાળી અને આધુનિક સ્ટીલ્થ એરક્રાફ્ટ માનવામાં આવે છે. જોકે, આ બાબતે અમેરિકન સંરક્ષણ અધિકારીઓના હવાલેથી એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ઈરાની મિસાઈલ હુમલા બાદ F-35 વિમાને ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું અને તેમાં પાયલટ સુરક્ષિત છે. આ ઘટનાની હાલ તપાસ ચાલી રહી છે.
IRGCના જણાવ્યા મુજબ, આ સફળતા ઈરાનના સંકલિત એર ડિફેન્સ નેટવર્કમાં કરવામાં આવેલા મહત્ત્વના અપગ્રેડેશનનું પરિણામ છે. ઈરાને એવો પણ દાવો કર્યો છે કે તેણે અત્યાર સુધીમાં 125થી વધુ અમેરિકન અને ઈઝરાયલના ડ્રોનને તોડી પાડ્યા છે. ગુરુવારે સ્થાનિક સમય મુજબ સવારે 2:50 વાગ્યે આ જેટને તોડી પાડવામાં આવ્યું હોવાનું સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે. હાલ આ ઘટનાને પગલે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ચર્ચા જાગી છે.
(6:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
