<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd April 2026

કેરી નથી, જાણે 'સોનાના બિસ્કિટ': દુનિયાની સૌથી મોંઘી કેરીનો અજીબોગરીબ ભાવ: ૧ કિલોની કિંમતમાં તો લક્ઝુરિયસ બાઈક પણ આવી જાય

ફળોના રાજાનો 'રાજશાહી' ઠાઠ: એક નંગ કેરીના ભાવ સાંભળીને જ પરસેવો છૂટી જાય તેવી સ્થિતિ:લાખોમાં સોદો! જાપાનની 'માયઝાકી' (Miyazaki) કેરીએ આખી દુનિયામાં જમાવ્યું આકર્ષણ

નવી દિલ્હી: ઉનાળાની સીઝન શરૂ થતા જ બજારમાં કેરીની આવક શરૂ થઈ જાય છે, પરંતુ શું તમે ક્યારેય એવી કેરી વિશે સાંભળ્યું છે જેની કિંમત તમારા બજેટની બહાર હોય? જાપાનના માયઝાકી શહેરમાં ઉગાડવામાં આવતી 'માયઝાકી' કેરી દુનિયાની સૌથી મોંઘી કેરી ગણાય છે. આ કેરીનો રંગ સામાન્ય કેરી જેવો પીળો નહીં પણ ઘેરો લાલ હોય છે અને તેને 'એગ ઓફ ધ સન' (સૂર્યનું ઈંડું) તરીકે ઓળખવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ કેરીની કિંમત અંદાજે ૨.૫ લાખથી ૩ લાખ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી જાય છે. આટલી કિંમતમાં તો ભારતમાં એક શાનદાર સ્પોર્ટ્સ બાઈક કે લક્ઝુરિયસ બાઈક આરામથી ખરીદી શકાય! આ કેરીની ખેતી ખૂબ જ કાળજીપૂર્વક કરવામાં આવે છે અને તેની ગુણવત્તા ચકાસ્યા પછી જ તેને બજારમાં વેચવા માટે મૂકવામાં આવે છે.

આ કેરી આટલી મોંઘી હોવા પાછળનું મુખ્ય કારણ તેની ઉગાડવાની જટિલ પદ્ધતિ અને સખત ક્વોલિટી ચેક છે. મિયાઝાકી કેરીને ઝાડ પર એવી રીતે ઉગાડવામાં આવે છે કે તેના પર સીધો સૂર્યપ્રકાશ પડે, જેના કારણે તેનો રંગ ઘેરો લાલ કે જાંબલી થઈ જાય છે. માત્ર એ જ કેરીને 'મિયાઝાકી' નામથી વેચવામાં આવે છે જેનું વજન ઓછામાં ઓછું 350 ગ્રામ હોય અને તેમાં શર્કરાનું પ્રમાણ 15 ટકાથી વધુ હોય. તેનો સ્વાદ અત્યંત રસીલો અને મલાઈ જેવો હોય છે, જે મોઢામાં મૂકતા જ ઓગળી જાય છે. તેની ખાસ સુગંધ આખા રૂમને મહેકાવી દેવા માટે પૂરતી છે.આ કેરીની કિંમત એટલી વધારે છે કે તેની સુરક્ષા કોઈ VIP નેતાની જેમ કરવામાં આવે છે. જાપાનમાં તો આ કેરી ખાસ પ્રસંગોએ ભેટ આપવા માટે વપરાય છે, પરંતુ હવે ભારતમાં પણ તેનું વાવેતર જોવા મળ્યું છે. મધ્યપ્રદેશના જબલપુરમાં એક ખેડૂતે આ કિંમતી કેરી ઉગાડી હતી અને તેની સુરક્ષા માટે ખાસ ગાર્ડ્સ તથા શિકારી કૂતરા તહેનાત કર્યા હતા, જેની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ હતી. આ મોંઘીદાટ કેરી તેના અદભૂત દેખાવ અને બેમિસાલ સ્વાદને કારણે આજે સમગ્ર વિશ્વમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.

(6:50 PM IST)