News of Saturday, 4th April 2026
સૌથી મોંઘી કેરી ... ૧ કિલોના ભાવમાં લક્ઝુરિયસ બાઈક આવી જાય
જાપાનના મિયાઝાકી શહેરમાં ઉગાડવામાં આવતી મિયાઝાકી કેરી દુનિયાની સૌથી મોંઘી કેરીઃ કિંમત અંદાજે ૨.૫થી ૩ લાખ રૂપિયા પ્રતિ કિલો

ટોકયો તા.૪: ઉનાળાની શરૂઆત થતાં જ બજારમાં કેરીની સુગંધ ફેલાવા લાગી છે. સામાન્ય રીતે આપણે બજારમાં ૧૦૦થી ૫૦૦ રૂપિયા કિલોના ભાવે મળતી કેરીઓ જોતા હોઈએ છીએ, પરંતુ શું તમે ક્યારેય એવી કેરી વિશે સાંભળ્યું છે જેની કિમત લાખોમાં હોય? જાપાનના મિયાઝાકી શહેરમાં ઉગાડવામાં આવતી મિયાઝાકી કેરી દુનિયાની સૌથી મોંઘી કેરી ગણાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ કેરીની કિમત અંદાજે ૨.૫થી ૩ લાખ રૂપિયા પ્રતિ કિલો સુધી હોય છે. આટલી મોટી રકમમાં ભારતમાં એક સારી સેકન્ડ હેન્ડ કાર કે લક્ઝુરિયસ બાઇક આરામથી ખરીદી શકાય.
આ કેરી આટલી મોંઘી હોવા પાછળનું મુખ્ય કારણ તેની ઉગાડવાની જાટિલ પદ્ધતિ અને સખત ક્વોલિટી ચેક છે. મિયાઝાકી કેરીને ઝાડ પર એવી રીતે ઉગાડવામાં આવે છે કે તેના પર સીધો સૂર્યપ્રકાશ પડે, જેના કારણે તેનો રંગ ઘેરો લાલ કે જાંબલી થઈ જાય છે. માત્ર એ જ કેરીને મિયાઝાકી નામથી વેચવામાં આવે છે જેનું વજન ઓછામાં ઓછું ૩૫૦ ગ્રામ હોય અને તેમાં શર્કરાનું પ્રમાણ ૧૫ ટકાથી વધુ હોય. તેનો સ્વાદ અત્યંત રસીલો અને મલાઈ જેવો હોય છે, જે મોઢામાં મૂકતા જ ઓગળી જાય છે. તેની ખાસ સુગંધ આખા રૂમને મહેકાવી દેવા માટે પૂરતી છે
આ કેરીની કિમત એટલી વધારે છે કે તેની સુરક્ષા કોઈ VIP નેતાની જેમ કરવામાં આવે છે. જાપાનમાં તો આ કેરી ખાસ પ્રસંગોએ ભેટ આપવા માટે વપરાય છે, પરંતુ હવે ભારતમાં પણ તેનું વાવેતર જોવા મળ્યું છે. મધ્યપ્રદેશના જબલપુરમાં એક ખેડૂતે આ કિમતી કેરી ઉગાડી હતી અને તેની સુરક્ષા માટે ખાસ ગાર્ડ્સ તથા શિકારી કૂતરા તહેનાત કર્યા હતા, જેની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ હતી. આ મોંઘીદાટ કેરી તેના અદભૂત દેખાવ અને બેમિસાલ સ્વાદને કારણે આજે સમગ્ર વિશ્વમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.
(10:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
