<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th April 2026

ઈરાનનો પારો સાતમા આસમાને: '૨૪ કલાકમાં ૩ વાર સીઝફાયર તોડ્યું':કરારના ધજાગરા ઉડતા તેહરાન લાલચોળ: શું હવે અમેરિકા પર મિસાઈલનો વરસાદ થશે?

શાંતિ કરાર હવે જોખમમાં: ઈરાને લાલ આંખ કરીને પૂછ્યું- 'અમેરિકા શું રમત રમે છે?', શરતોના ઉલ્લંઘનથી મધ્ય-પૂર્વમાં ફરી યુદ્ધના નગારા વાગ્યા:ઈઝરાયલના હુમલા બાદ હવે ઈરાનનો સંયમ ખૂટ્યો: શું વિશ્વયુદ્ધની શરૂઆત થઈ ગઈ છે? જો ૨૪ કલાકમાં સ્થિતિ નહીં સુધરે તો ભયાનક તબાહી નક્કી

નવી દિલ્હી: અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા યુદ્ધવિરામ (સીઝફાયર) ના કરારના ગણતરીના કલાકોમાં જ ભંગાણ પડ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. ઈરાને સત્તાવાર રીતે આક્ષેપ કર્યો છે કે છેલ્લા ૨૪ કલાકમાં સીઝફાયરની મુખ્ય ૩ શરતોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. આ ઉલ્લંઘન બાદ ઈરાન બરાબરનું અકળાયું છે અને તેણે અમેરિકાને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. ઈરાનનું માનવું છે કે એક તરફ શાંતિની વાતો થાય છે અને બીજી તરફ ઈઝરાયલ દ્વારા થતા હુમલાઓ (જેમાં ૨૫૦થી વધુ મોત થયા છે) ને અમેરિકા મૌન રહીને ટેકો આપી રહ્યું છે. હવે આખી દુનિયાની નજર વ્હાઈટ હાઉસ પર છે કે જો ઈરાન વળતો પ્રહાર કરે તો અમેરિકા બચાવમાં આવશે કે યુદ્ધમાં કૂદી પડશે?
ઈરાનના જણાવ્યા અનુસાર, સૌથી પહેલું ઉલ્લંઘન લેબેનોનમાં જોવા મળ્યું છે. પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફે ખાતરી આપી હતી કે લેબેનોન સહિત તમામ વિસ્તારોમાં તાત્કાલિક અસરથી યુદ્ધવિરામ લાગુ થશે, પરંતુ ઈઝરાયલ દ્વારા લેબેનોન પર અત્યાર સુધીનો સૌથી મોટો બોમ્બમારો શરૂ કરવામાં આવ્યો છે. બીજી શરત મુજબ ઈરાનની હવાઈ સીમાનું ઉલ્લંઘન ન કરવાની ખાતરી અપાઈ હતી, તેમ છતાં એક ઘૂસણખોર ડ્રોન ઈરાનના ફાર્સ પ્રાંતમાં પ્રવેશ્યું હતું, જેને સુરક્ષા દળોએ તોડી પાડ્યું હતું.
આ ઉપરાંત, ત્રીજો મોટો વિવાદ ઈરાનના યુરેનિયમ સંવર્ધન (એનરિચમેન્ટ)ના અધિકારને લઈને ઊભો થયો છે. કરારની છઠ્ઠી શરત મુજબ ઈરાન પાસે આ અધિકાર હતો, પરંતુ હવે તેને નકારવામાં આવી રહ્યો છે. ઈરાની સંસદના અધ્યક્ષે ગંભીરતા નોંધાવતા કહ્યું છે કે, જે પાયા પર વાટાઘાટો થવાની હતી તેને જ ખુલ્લેઆમ તોડી નાખવામાં આવી છે. આવી સ્થિતિમાં દ્વિપક્ષીય યુદ્ધવિરામ જાળવી રાખવો કે આગળ વાતચીત કરવી હવે ઉચિત જણાતું નથી.

 

(5:53 PM IST)