તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th April 2026
ડિઝની વર્લ્ડમાં 'આર્થિક ગ્રહણ': ૧૦૦૦ કર્મચારીઓની સાગમટે છટણીની જાહેરાતથી હાહાકાર: મનોરંજનની દુનિયામાં સન્નાટો
ખર્ચ ઘટાડવા માટે કર્મચારીઓનો ભોગ: ડિઝની કંપનીએ 'પિંક સ્લિપ' પકડાવવાનું શરૂ કર્યું:હજારો પરિવારોની રોજીરોટી પર સંકટ:શું મોંઘવારીના કારણે હવે મિકી માઉસની કંપની પણ નબળી પડી? આઈટી અને કોર્પોરેટ જગતમાં ફફડાટ:હજુ કેટલાનો નંબર લાગશે? ખર્ચમાં કરોડોનો કાપ મૂકવા માટે ડિઝનીનો આકરો પ્લાન

નવી દિલ્હી: મનોરંજન ક્ષેત્રની જાયન્ટ કંપની વોલ્ટ ડિઝનીએ પોતાના કર્મચારીઓ પર મોટો આર્થિક પ્રહાર કર્યો છે. કંપનીએ ખર્ચમાં ધરખમ ઘટાડો કરવા માટે ૧૦૦૦ જેટલા કર્મચારીઓને છૂટા કરવાનો આઘાતજનક નિર્ણય લીધો છે. આ છટણી ડિઝનીના વિવિધ વિભાગોમાં કરવામાં આવશે, જેના કારણે કર્મચારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. કંપનીના મેનેજમેન્ટ મુજબ, આર્થિક અનિશ્ચિતતા અને વધતા ખર્ચને પહોંચી વળવા માટે આ કડવો નિર્ણય લેવો અનિવાર્ય હતો. અગાઉ પણ ડિઝનીએ હજારો કર્મચારીઓની છટણી કરી હતી, ત્યારે ફરી એકવાર આ નવો રાઉન્ડ શરૂ થતાં કોર્પોરેટ જગતમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે.
ધ વોલ્ટ ડિઝની કંપનીમાં ગત ફેબુ્રઆરી માસમાં જોશ ડી અમોર નવા સીઈઓ બન્યા છે. તેમણે આ જવાબદારી સંભાળતાની સાથે જ કંપનીમાં ખર્ચ ઘટાડવાની યોજના લાગુ પાડી છે. તેના ભાગરૂપે ડિઝની કંપનીના એક હજાર કર્મચારીઓને હાંકી કાઢવામાં આવશે. ડિઝનીમાં અત્યારે ૨.૩૧ લાખ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. એમાંથી લગભગ એક ટકા સુધી કર્મચારીઓને આગામી સમયમાં છટણી કરવાની ગણતરી ચાલી રહી છે. કંપનીના નવા મુખ્ય માર્કેટિંગ ઓફિસર અસદ અયાઝને આ છટણીનો પ્લાન અમલી બનાવવાનું કહેવામાં આવ્યું છે.
કંપનીના સૂત્રોને ટાંકીને રજૂ થયેલા અહેવાલોમાં કહેવાયું હતું કે બદલાતા સમયમાં ખર્ચ ઘટાડવાની જરૂરિયાત ઉભી થઈ છે. કામકાજ સરળ બનાવવું જરૂરી છે. ખર્ચ ઘટાડવાના ભાગરૂપે યોજનાબદ્ધ રીતે કર્મચારીઓ ઘટાડવાનો પ્લાન અમલી બનાવાશે. અગાઉ ૨૦૨૩થી ૨૦૨૫ સુધીના બે અઢી વર્ષના ગાળામાં કંપનીએ આઠ હજાર જેટલા કર્મચારીઓને નોકરીમાંથી જુદા જુદા કારણ આપીને કાઢી મૂક્યા હતા. એમાંથી કંપનીએ સાડા પાંચ અબજ ડોલરની બચત કરી હતી.
(5:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
