<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th April 2026

ટેકનોલોજીની દુનિયામાં ફ્રાન્સનો 'મહાબળવો': વિન્ડોઝને તિલાંજલિ આપી હવે 'લિનક્સ'નો આશરો:માઈક્રોસોફ્ટના સામ્રાજ્યના પાયા હચમચી ગયા

અમેરિકી સોફ્ટવેરની હવે બાદબાકી: ડેટા ચોરી અને સુરક્ષાના નામે ફ્રાન્સે વિન્ડોઝને ઘરભેગું કર્યું: સરકારી ઓફિસોમાં હવે લિનક્સનો લલકાર: શું બીજા દેશો પણ ફ્રાન્સના રસ્તે ચાલી અમેરિકાને અંગૂઠો બતાવશે? બિલ ગેટ્સની કંપનીને અબજોનો ફટકો પડવાની ભીતિ:યુરોપના આક્રમક વલણથી સિલિકોન વેલીમાં ફફડાટ

નવી દિલ્હી: વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકાના સોફ્ટવેર વર્ચસ્વને ફ્રાન્સે જોરદાર લપડાક ઝીંકી છે. ફ્રાન્સ સરકારે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે તેઓ તેમની સરકારી સિસ્ટમ્સ અને ઓફિસોમાંથી માઈક્રોસોફ્ટ વિન્ડોઝ (Windows) ને પડતું મૂકી રહ્યા છે અને તેના બદલે ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ 'લિનક્સ' (Linux) અપનાવશે. ફ્રાન્સનો તર્ક છે કે વિન્ડોઝના કારણે તેમનો ડેટા અમેરિકી એજન્સીઓના રડારમાં રહે છે અને સુરક્ષામાં ભંગ પડવાની શક્યતા રહે છે. લિનક્સ વાપરવાથી ફ્રાન્સનો ડેટા પોતાના જ દેશમાં સુરક્ષિત રહેશે અને લાયસન્સ પાછળ ખર્ચાતા અબજો રૂપિયાની બચત થશે. ફ્રાન્સના આ પગલાથી આખી દુનિયામાં ટેક-પોલિટિક્સ ગરમાયું છે.
ફ્રાન્સનું આ પગલું મોટા સંકેત આપે છે. આગામી સમયમાં અન્ય દેશો પણ આ દિશામાં જઈ શકે છે. વિશેષરૂપે યુરોપના દેશો પણ વિદેશી ટેક્નોલોજી કંપનીઓ પરની નિર્ભરતા ઘટાડવા ચર્ચા કરી રહ્યા છે. ફ્રાન્સનું આ પગલું સંદેશો આપે છે કે ટેક્નોલોજી હવે માત્ર સુવિધા નથી, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા, રાજકારણ અને નિયંત્રણ સાથે સંકળાયેલી છે.
ફ્રાન્સ અમેરિકન ટેક્નોલોજી કંપનીઓ પરની નિર્ભરતા ઘટાડીને પોતાના દેશમાં ડિજિટલ દુનિયા પર પોતાનું જ નિયંત્રણ ઈચ્છે છે. આ કારણથી પ્રમુખ ઈમેન્યુઅલ મૈક્રોંના નેતૃત્વમાં સરકારનો નિર્ણય માત્ર સોફ્ટવેર બદલવાથી આગળ ઘણો મહત્વનો છે. સરકારી અધિકારીઓનું કહેવું છે કે હવે સમય આવી ગયો છે કે ફ્રાન્સ પોતાનો ડેટા અને ડિજિટલ સિસ્ટમ પર પોતાનો જ અધિકાર રાખે, જે માઈક્રોસોફ્ટ વિન્ડોઝ સિસ્ટમ પર શક્ય નથી.
બીજીબાજુ લિનક્સ એક ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ છે, એટલે કે તેનો કોઈપણ ઉપયોગ કરી શકે છે અને તેમાં ફેરફાર પણ કરી શકે છે, જે લિનક્સની વિશેષતા છે. વિન્ડોઝ જેવી ઓપરેટિંગ સિસ્ટમ પર અમેરિકન કંપની માઈક્રોસોફ્ટનું નિયંત્રણ હોય છે જ્યારે લિનક્સમાં કોઈપણ દેશ પોતાની જરૂરિયાત મુજબથી સિસ્ટમમાં ફેરફાર કરી શકે છે. આ કારણથી ફ્રાન્સ હવે આ દિશામાં મોટું પગલું ઉઠાવી રહ્યું છે.

 

(6:06 PM IST)