<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th June 2026

AI નો અંધાધૂંધ ઉપયોગ પૃથ્વી માટે મહાવિનાશક સાબિત થશે:યુએનના રિપોર્ટથી આખી દુનિયા સ્તબ્ધ: ડેટા સેન્ટરો રાક્ષસી ગતિએ વીજળી અને પાણી ગળી રહ્યા છે: ૨૦૩૦ સુધીમાં ઊભી થશે ભયંકર પર્યાવરણીય કટોકટી

માત્ર એક AI વીડિયો આખા ગામની વીજળી અને પાણી બરાબર: ગ્રીનહાઉસ ગેસોના ઉત્સર્જનમાં પ્રચંડ ઉછાળો: કુદરતી સંસાધનો ખૂટી જવાની દહેશતથી વૈજ્ઞાનિકો ચિંતાતુર

નવી દિલ્હી: ગ્લોબલ લેવલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના વધી રહેલા ક્રેઝ વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર (UN) ની યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલો એક ગંભીર રિપોર્ટ વૈશ્વિક સ્તરે મોટો ખળભળાટ મચાવી રહ્યો છે. મળતી બિલકુલ પાકી અને સનસનાટીભર્યા વિગતો મુજબ, ૨૦૩૦ સુધીમાં માત્ર AI અને ડેટા સેન્ટરોનો વીજળી વપરાશ વધીને ૯૪૫ ટેરાવોટ-અવર (TWh) થઈ જશે, જે આખી દુનિયાની કુલ વીજળીના અંદાજે ૩ ટકા જેટલો મોટો હિસ્સો હશે! આ વપરાશ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નાઇજીરીયા જેવા દેશોની ભેગી વસ્તી (૬૫ કરોડથી વધુ લોકો) ના કુલ વપરાશ કરતા પણ ત્રણ ગણો વધારે છે! રિપોર્ટમાં ચેતવણી અપાઈ છે કે જો આ ગતિ ચાલુ રહી તો પૃથ્વી પરથી કુદરતી સંસાધનોનો કચ્ચરઘાણ નીકળી જશે!

UN ના રિપોર્ટમાં ચેતવણી અપાઈ છે કે, વર્ષ 2030 સુધીમાં AI વિશ્વની કુલ વીજળીના 3% જેટલો હિસ્સો વાપરી શકે છે. આ આંકડો નાનો નથી, તે આખા યુનાઈટેડ કિંગ્ડમ જેટલા વિસ્તારનું કાર્બન ઉત્સર્જન કરવા સમાન છે.

1. વીજળીનો વપરાશ કેટલો?: ગયા વર્ષના ડેટા પર નજર કરીએ તો, વિશ્વભરના ડેટા સેન્ટરે સાઉદી અરેબિયાની ખપત જેટલી વીજળીનો વપરાશ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે સાઉદી વિશ્વનો 11મો સૌથી મોટો વીજ-વપરાશ ધરાવતો દેશ છે. જો વર્ષ 2030 સુધીમાં આ વપરાશ અંદાજ કરતાં બમણો થઈ જાય, તો તેનાથી થતા પર્યાવરણીય નુકસાન (કાર્બન ફૂટપ્રિન્ટ) ને સરભર કરવા આગામી 10 વર્ષમાં 6.7 અબજ વૃક્ષો ઉગાડવાની જરૂર પડશે.

2. પાણીનો વપરાશ કેટલો?: વીજળીની સાથે સાથે પાણીનો ઉપયોગ પણ એટલો જ ચિંતાજનક છે. વર્ષ 2030 સુધીમાં AI ના ડેટા સેન્ટર્સ 130 કરોડ લોકોની વાર્ષિક જરૂરિયાતથી પણ વધુ પાણી માત્ર કુલિંગ (ઠંડક) માટે વાપરી નાખશે. ડેટા સેન્ટરોને અંદાજે 9.3 ટ્રિલિયન લિટર પાણીની જરૂર પડશે. જમીનની વાત કરીએ તો 1,485 ચોરસ કિલોમીટર વિસ્તાર ધરાવતાં મેક્સિકો સિટીના કદ કરતાં લગભગ 10 ગણા મોટા વિસ્તારમાં AI ના ડેટા સેન્ટર્સનો પથારો ફેલાયેલો હશે.

આ મુદ્દે અનેક નિષ્ણાતો દલીલ કરે છે કે ભવિષ્યમાં AI મોડેલો વધુ કાર્યક્ષમ બનશે, જેથી એમની ઊર્જાની જરૂરિયાત ઘટશે. પરંતુ યુએનનો રિપોર્ટ આ તાર્કિક વિચારસરણીને એક મોટી ‘જાળ’ ગણાવે છે. અહેવાલ મુજબ, AI નો ઉપયોગ 19મી સદીના પ્રખ્યાત અર્થશાસ્ત્રી વિલિયમ સ્ટેનલી જેવોન્સએ આપેલા સિદ્ધાંત ‘Jevons વિરોધાભાસ’ પર કામ કરશે.

વાત એમ છે કે, જ્યારે કોઈ ટેક્નોલોજી વધુ કાર્યક્ષમ બને છે અને સંસાધનોનો ખર્ચ ઘટે છે, ત્યારે તેનો વપરાશ ઘટવાને બદલે ઊલટો વધી જાય છે. 19મી સદીના ઇંગ્લેન્ડમાં જ્યારે કોલસાનો ઉપયોગ વધુ કાર્યક્ષમ બન્યો, ત્યારે કોલસાની બચત ન થઈ પરંતુ તેનો સસ્તો અને બહોળો ઉપયોગ થવાને કારણે કુલ માંગ અને વપરાશ ખૂબ વધી ગયા.

બરાબર આવું જ AI સાથે થઈ રહ્યું છે. જેમ જેમ AI મોડેલો સસ્તા, ઝડપી અને વધુ આકર્ષક બનશે, તેમ તેમ તેનો વૈશ્વિક સ્તરે જથ્થાબંધ ઉપયોગ વધશે. પરિણામે, કાર્યક્ષમતા વધવા છતાં કોઈ ઊર્જા-બચત નહીં થાય. 

(6:06 PM IST)