તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 6th June 2026
દૂષિત ખોરાક બન્યો માનવજાતનો દુશ્મન: વર્ષે ૧૫ લાખથી વધુ લોકોના મોત: WHO ના સણસણતા અહેવાલથી આખી દુનિયામાં ભારે ખળભળાટ
ઝેરી પદાર્થો અને કેમિકલયુક્ત ખાણીપીણીથી નિર્દોષ બાળકો પર સૌથી મોટો કાળ: પ્લેટમાં પીરસાતું સ્લો-પોઇઝન, હોસ્પિટલો ઉભરાઈ: વૈશ્વિક આરોગ્ય સંસ્થાની લાલબત્તી

નવી દિલ્હી: પૃથ્વી પર વધી રહેલા પ્રદૂષણ અને નફાખોરીની લ્હાયમાં ખોરાકમાં થતી ભેળસેળ વચ્ચે વૈશ્વિક આરોગ્ય સંસ્થા (WHO) તરફથી એક અત્યંત ડરામણો અને આંખ ઉઘાડનારો સત્તાવાર અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે. મળતી બિલકુલ પાકી અને ચોંકાવનારી આંતરરાષ્ટ્રીય વિગતો મુજબ, દર વર્ષે લાખો લોકો બેક્ટેરિયા, વાયરસ, પરોપજીવી જીવો (Parasites) અને ઘાતક કેમિકલથી દૂષિત થયેલો ખોરાક ખાવાને કારણે ગંભીર બીમારીઓનો ભોગ બને છે. રિપોર્ટમાં દાવો કરાયો છે કે અનસેફ ફૂડ (Unsafe Food) ના કારણે થતા કુલ મોતમાં ૫ વર્ષથી નાની ઉંમરના માસૂમ બાળકોની સંખ્યા સિંહોબાળ જેટલી છે, જે ખૂબ જ ચિંતાજનક બાબત છે!
WHO ના નવા અંદાજ મુજબ, અસુરક્ષિત કે દૂષિત ખોરાક માત્ર સામાન્ય પેટનો દુખાવો જ નથી લાવતો, પણ તે વૈશ્વિક રોગચાળા જેવું સ્વરૂપ લઈ રહ્યો છે.
- વિશ્વમાં દર વર્ષે અસુરક્ષિત ખોરાકના કારણે આશરે 86.6 કરોડ લોકો બીમાર પડે છે.
- દૂષિત આહારને કારણે વાર્ષિક 15 લાખ લોકો જીવ ગુમાવે છે. જો સ્વચ્છ પાણી, પાસ્ચ્યુરાઇઝેશન જેવી ખાદ્ય સલામતી પ્રથાઓ, યોગ્ય સ્વચ્છતા અને સમયસર સ્વાસ્થ્ય સુવિધા મળી રહે તો આમાંના મોટાભાગના મૃત્યુ અટકાવી શકાય તેમ છે.
- વર્ષ 2000 ની તુલનામાં ખોરાકજન્ય રોગોમાં થોડો ઘટાડો જરૂર થયો છે, પરંતુ આફ્રિકા અને દક્ષિણ-પૂર્વ એશિયા જેવા વિસ્તારોમાં આજે પણ આ સ્થિતિ ગંભીર છે. વિશ્વની કુલ બીમારીઓના 3/4 કેસ અને 60% મૃત્યુ માત્ર આ બે પ્રદેશોમાં થાય છે.
આ રિપોર્ટનો સૌથી ચિંતાજનક ભાગ એ છે કે, પુખ્ત વયના લોકોની સરખામણીમાં 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં દૂષિત ખોરાકથી બીમાર થવાનું જોખમ ત્રણ ગણું વધુ છે.
- નાના બાળકો વિશ્વની કુલ વસ્તીના માત્ર 9% છે.
- આમ છતાં, ખોરાકજન્ય રોગોના કુલ કેસોમાંથી 1/3 કેસ માત્ર નાના બાળકોમાં જોવા મળે છે.
- બાળકોમાં (ઝાડા-ઊલટી) જેવા રોગો જીવલેણ સાબિત થાય છે. આ ઉપરાંત ખોરાકમાં ભળતા સીસું (Lead) અને મિથાઈલમર્ક્યુરી જેવા ભારે રસાયણો બાળકના વિકાસશીલ મગજને કાયમી નુકસાન પહોંચાડે છે, જેના કારણે બાળકો આજીવન ન્યુરોલોજીકલ (ચેતાતંત્રની) અને માનસિક વિકાસની સમસ્યાઓનો ભોગ બને છે.
ખોરાક દૂષિત થવાના મુખ્ય બે કારણો છે: જૈવિક (બેક્ટેરિયા, વાયરસ, પરોપજીવીઓ) અને રાસાયણિક (ભારે ધાતુઓ અને ઝેરી તત્ત્વો).
- બીમારીઓનું કારણ: વર્ષ 2021 માં બેક્ટેરિયા અને વાયરસ જેવા જૈવિક જોખમોને કારણે સૌથી વધુ એટલે કે આશરે 86 કરોડ લોકો બીમાર પડ્યા હતા.
- મૃત્યુનું કારણ: જોકે બીમારીઓ જૈવિક કારણોથી વધુ થાય છે, પરંતુ મૃત્યુમાં કેમિકલ એટલે કે રાસાયણિક પ્રદૂષણનો હિસ્સો અપ્રમાણસર રીતે ઘણો મોટો છે. વર્ષ 2021 માં દૂષિત ખોરાકથી થયેલા કુલ મોતમાંથી 73% મોત રાસાયણિક જોખમોના કારણે થયા હતા. આ કેમિકલયુક્ત મોતમાં અકાર્બનિક આર્સેનિક (42%) અને સીસું (31%) સૌથી વધુ જવાબદાર હતા, કારણ કે તેનાથી હૃદય રોગ અને કેન્સર જેવી જીવલેણ બીમારીઓ થાય છે.
આ રસાયણો કુદરતી સ્ત્રોતો અથવા માનવ પ્રવૃત્તિઓ અને પ્રદૂષણ દ્વારા ખાદ્ય શૃંખલા (Food Chain) માં પ્રવેશે છે અને એકવાર તે અનાજ કે પાણીમાં ભળી જાય પછી તેને દૂર કરવા અશક્ય બની જાય છે.
WHO દ્વારા જણાવાયું છે કે ખાદ્ય સલામતી કોઈ સામાન્ય વિષય નથી, તે દરરોજ દરેક પરિવારના ભોજનને અસર કરે છે. આ રિપોર્ટ દ્વારા પ્રથમ વખત દેશોને પોતાનો ચોક્કસ ડેટા મળ્યો છે, જેથી સરકારો આ સમસ્યા સામે કડક પગલાં લઈ શકે.
ક્લાઈમેટ ચેન્જના કારણે ખોરાક દૂષિત થવાનું જોખમ વધી રહ્યું છે અને એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ (દવાઓની અસર ન થવી) ના કારણે ચેપની સારવાર અઘરી બની રહી છે. આના ઉકેલ માટે 'વન હેલ્થ' અભિગમ અપનાવવો જરૂરી છે, જેમાં મનુષ્ય, પ્રાણીઓ, વનસ્પતિ અને પર્યાવરણ—બધાના સ્વાસ્થ્યને એકસાથે જોડીને કડક નિયમો બનાવવાની જરૂર છે.
(6:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
