<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th June 2026

વૈશ્વિક મોરચે મોટો ભડાકો: 'ઈરાન અંગે નેતન્યાહૂ નહીં, અમે નિર્ણય કરીશું...', ટ્રમ્પ ઈઝરાયલ સામે ભડક્યા: મહાસત્તા અમેરિકાની ગર્જનાથી આંતરરાષ્ટ્રીય રાજકારણ ગરમાયું: ભારે ખળભળાટ

વ્હાઇટ હાઉસની રેસ વચ્ચે ટ્રમ્પના તેવર આકરા: ઈઝરાયેલની મનમાની સામે ઉઠાવ્યા સવાલ: મિડલ ઈસ્ટના યુદ્ધમાં નવો વળાંક આવવાના એંધાણ:વૈશ્વિક નેતાઓ સ્તબ્ધ

નવી દિલ્હી: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભયાનક તણાવ વચ્ચે વૈશ્વિક રાજકારણના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. મળતી બિલકુલ પાકી વિગતો મુજબ, અમેરિકાના દિગ્ગજ નેતા ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહૂને આડકતરી ચેતવણી આપતા જણાવ્યું છે કે ઈરાન સાથેના વિવાદમાં અંતિમ નિર્ણય અમેરિકાની મરજી મુજબ જ થશે. મિડલ ઈસ્ટમાં ઈઝરાયેલ દ્વારા લેવાતા આક્રમક નિર્ણયોથી અમેરિકા સંમત ન હોવાના સંકેતો આપતા ટ્રમ્પે આ મોટો બોમ્બ ફોડ્યો છે. આ નિવેદન બાદ ઈઝરાયેલ અને અમેરિકાના સંબંધોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે કેવા વળાંકો આવે છે તેના પર આખી દુનિયાની નજર મંડાયેલી છે અને રાજદ્વારી આલમમાં ભારે ચકચાર જાગી છે!

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ સ્થિતિ પર મોટું નિવેદન આપતાં જણાવ્યું છે કે ઈઝરાયલના આ હુમલાઓથી અમેરિકા અને ઈરાન વચ્ચેની વાટાઘાટો પ્રભાવિત નહીં થાય. જોકે, તેમણે ઈઝરાયલ સામે સખત વલણ અપનાવતા લેબેનૉન પર હુમલા તાત્કાલિક બંધ કરવા તાકીદ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગયા અઠવાડિયે ડોનાલ્ડ ટ્રમ્પ ફોન પર ઈઝરાયલના પીએમ નેતન્યાહૂ પર આ મુદ્દે ભારે ગુસ્સે થઈ ગયા હતા. બીજી તરફ, બેન્જામિન નેતન્યાહૂએ આ હુમલાઓ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી.

આ વૈશ્વિક કટોકટી વચ્ચે પાકિસ્તાનના ગૃહમંત્રી સેના પ્રમુખ આસિમ મુનીરનો ખાસ અને મહત્ત્વનો સંદેશો લઈને ઈરાનની રાજધાની તેહરાન પહોંચ્યા છે, જ્યાં તેઓ સુપ્રીમ લીડર સાથે મુલાકાત કરશે. આ દરમિયાન અમેરિકન સેનાએ વ્યૂહાત્મક રીતે અતિ મહત્ત્વની ગણાતા હોર્મુઝ સ્ટ્રેટમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ ટ્રાફિક માટે ખતરો બનેલા બે ઈરાની ડ્રોનને હવામાં જ તોડી પાડ્યા હોવાનો દાવો કર્યો છે.

યુદ્ધને કાયમી ધોરણે રોકવા માટે ઘણા સપ્તાહથી મથામણ ચાલી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર પરિણામ આવ્યું નથી. અમેરિકન સેનાએ શુક્રવારે ઈરાનના ગોરુક અને કૅશ્મ દ્વીપ પર આવેલા રડાર કેન્દ્રો તેમજ ડ્રોન કંટ્રોલ કમાન્ડ પર બોમ્બમારો કર્યો હતો. તેના જવાબમાં ઈરાને કુવૈત અને બહેરીન તરફ મિસાઇલ અને ડ્રોન ફેંક્યા હતા. 

અમેરિકા અને ઈરાન વચ્ચેની વાટાઘાટો અત્યારે મુખ્યત્વે આર્થિક પ્રતિબંધો અને ઈરાનની જપ્ત થયેલી અબજો ડૉલરની સંપત્તિ મુક્ત કરવાના મુદ્દે અટકેલી છે. તેહરાન ઇચ્છે છે કે કરારના પહેલા તબક્કામાં જ તેને આ નાણાં મળી જાય, જ્યારે વૉશિંગ્ટનનું કહેવું છે કે જ્યાં સુધી ઈરાન પોતાના ઉચ્ચ સ્તરે સંવર્ધિત યુરેનિયમનો ભંડાર છોડવા તૈયાર ન થાય ત્યાં સુધી કોઈ નાણાકીય રાહત આપવામાં નહીં આવે. આ ઉપરાંત ઈરાની ક્રૂડ ઓઇલના નિકાસ પરના પ્રતિબંધો અને હોર્મુઝ સ્ટ્રેટની દરિયાઈ સુરક્ષા જેવા મુદ્દાઓ પણ હજુ વણઉકલ્યા જ રહ્યા છે.

(5:00 PM IST)