<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th June 2026

વૈશ્વિક તેલ બજારમાં અમેરિકાની કડકાઈ વચ્ચે ચીનનો ભયાનક યુ-ટર્ન: ઇરાનને આંતરરાષ્ટ્રીય સ્તરે મસમોટો વજ્રઘાત: હવે ઇરાનને પડતો મૂકી રશિયા પાસેથી સસ્તું ક્રૂડ ઓઇલ ખરીદશે ડ્રેગન

વ્હાઇટ હાઉસના આકરા આર્થિક પ્રતિબંધોના ડરથી ચીને ઇરાન સાથેનો તેલનો કાળો કારોબાર સમેટ્યો: પુતિન અને જિનપિંગના નવા ગઠબંધનથી વૈશ્વિક જિયોપોલિટિક્સમાં જબરો ભૂકંપ

નવી દિલ્હી: મિડલ ઈસ્ટના યુદ્ધના મેદાન વચ્ચે વૈશ્વિક અર્થતંત્રના સમીકરણો બદલી નાખતા સૌથી મોટા સનસનાટીભર્યા આંતરરાષ્ટ્રીય સમાચાર સામે આવતા પશ્ચિમી દેશો સહિત આરબ જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે. મળતી બિલકુલ પાકી અને સનસનાટીભરી વિગતો મુજબ, અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન દ્વારા ઈરાન પર લાદવામાં આવેલા લોખંડી આર્થિક પ્રતિબંધો અને મિલિટ્રી પ્રેશર સામે આખરે ચીને ઘૂંટણ ટેકવી દીધા છે. અત્યાર સુધી અમેરિકાની આંખમાં ધૂળ નાખીને ઈરાનનું તેલ ખરીદતું ચીન હવે ઈરાનને અધવચ્ચે છોડીને રશિયા શરણમ્ ગચ્છામિ થયું છે! મોસ્કો તરફથી ચીનને અત્યંત ડિસ્કાઉન્ટ ભાવે એટલે કે સસ્તું ક્રૂડ ઓઈલ ઓફર કરવામાં આવતા ચીને રશિયા પાસેથી ઓઈલ કાર્ગો મંગાવવાના મસમોટા કરારો પર મહોર મારી દીધી છે. ચીનના આ આંચકાજનક પગલાના લીધે તેલના વેચાણ પર નભતા ઈરાનની તિજોરી તળિયાઝાટક થઈ જવાની અને મિડલ ઈસ્ટના યુદ્ધમાં ઈરાનની સ્થિતિ અત્યંત દયનીય થઈ જવાની પાકી સંભાવનાથી તેહરાનમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે!

ઈરાનના કુલ તેલ નિકાસનો લગભગ 90 ટકા હિસ્સો ખરીદતી ચીનની સ્વતંત્ર 'ટીપોટ રિફાઇનરીઓ' હાલ સતત આર્થિક નુકસાનનો સામનો કરી રહી છે. આ કારણે ચીને ઓઈલ પ્રોસેસિંગ ક્ષમતા અને ખરીદી બંનેમાં ભારે ઘટાડો કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. શરૂઆતમાં ચીને આ રિફાઇનરીઓને ઈંધણ ઉત્પાદન ચાલુ રાખવા કહ્યું હતું, પરંતુ વધતા નુકસાનના કારણે પાછળથી આ નિયમોમાં ઢીલ આપી દેવામાં આવી. બીજીતરફ ચીન પાસે હવે રશિયાના સસ્તા ઓઈલનો વિકલ્પ પણ ઉપલબ્ધ હોવાથી તેના પર ઈરાન પાસેથી જ ઓઈલ ખરીદવાનું કોઈ દબાણ રહ્યું નથી. અમેરિકાએ ચીનની મોટી રિફાઇનરી 'હંગલી પેટ્રોકેમિકલ' પર પ્રતિબંધ મુકતા હવે ચીની ખરીદદારો કોઈ મોટો આર્થિક જોખમ લેવા તૈયાર નથી.

મીડિયા રિપોર્ટ મુજબ, ફેબ્રુઆરી મહિનામાં ઈરાનથી ચીનને થતી ક્રૂડ ઓઈલની સપ્લાય જે 18 લાખ બેરલ પ્રતિ દિવસ હતી, તે મે મહિનામાં સીધી ઘટીને માત્ર 1.6 લાખ બેરલ પ્રતિ દિવસ રહી ગઈ છે. આ ઘટાડો અમેરિકા અને ઈઝરાયેલના હુમલા બાદ શરૂ થયો છે. નિષ્ણાતોના મતે, આ વખતે અમેરિકાએ માત્ર આર્થિક પ્રતિબંધો જ નથી લગાવ્યા, પરંતુ નૌસેનાની મજબૂત નાકાબંધી કરી છે. ફારસની ખાડીના અન્ય દેશો 'હોર્મુઝ સ્ટ્રેટ' જળમાર્ગ દ્વારા ઓઈલ નિકાસ કરી શકે છે, પરંતુ આ મહિને ઈરાનનું એક પણ ટેન્કર આ માર્ગ પરથી પસાર થઈ શક્યું નથી.

(5:01 PM IST)