તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Monday, 15th June 2026
ડિજિટલ હેલ્થકેર ક્રાંતિમાં માર્ક ઝુકરબર્ગનો સૌથી મોટો માસ્ટરસ્ટ્રોક: હવે વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ પર ‘મેટા એઆઈ’ આપશે ડૉક્ટરની જેમ સ્વાસ્થ્ય સલાહ: કરોડો યુઝર્સ માટે પ્રાથમિક મેડિકલ ગાઈડન્સ મેળવવું બનશે સાવ આસાન: ટેક જગતમાં મોટો ધડાકો
બીમારીના લક્ષણોથી લઈને ડાયેટ ચાર્ટ સુધીની તમામ સચોટ માહિતી હવે ચેટબોક્સમાં પળવારમાં ઉપલબ્ધ: મેડિકલ ક્ષેત્રે એઆઈના પ્રવેશથી હેલ્થ સેક્ટરમાં મચી ગયો ભારે ખળભળાટ

નવી દિલ્હી: આખી દુનિયામાં સોશિયલ મીડિયા ક્ષેત્રે એકચક્રી શાસન ભોગવતી મહાકાય કંપની મેટા (Meta) દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી હેલ્થકેર ક્ષેત્રે અત્યાર સુધીનું સૌથી મોટું અને સાહસિક પગલું ભરવામાં આવતા વૈશ્વિક આઈટી અને મેડિકલ માર્કેટમાં ભારે હડકંપ મચી ગયો છે. મળતી બિલકુલ પાકી આંતરરાષ્ટ્રીય વિગતો મુજબ, કંપનીએ પોતાના લોકપ્રિય પ્લેટફોર્મ્સ ખાસ કરીને વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર સક્રિય ‘મેટા એઆઈ’ (Meta AI) ને હવે એડવાન્સ મેડિકલ ડેટાથી સજ્જ કરી દીધું છે. આ નવા અપડેટ બાદ હવે દુનિયાભરના કરોડો યુઝર્સ પોતાના સ્વાસ્થ્ય સંબંધિત પ્રશ્નો, બીમારીના લક્ષણો, દવાઓની પ્રાથમિક માહિતી અને ફિટનેસ ટિપ્સ સીધી મેટા એઆઈ ચેટબોક્સમાંથી મેળવી શકશે. ટેક એક્સપર્ટ્સના મતે મેટાનું આ પગલું ગૂગલના હેલ્થ એઆઈ મોડલને સીધી ટક્કર આપશે.
મેટાએ થોડાં વર્ષોથી એઆઇ ક્ષમતા વિકસાવવા માટે સ્કેલ એઆઇ નામના એક સ્ટાર્ટઅપમાં આશરે ૧૪ અબજ ડોલરનું રોકાણ કર્યું છે. આ સ્ટાર્ટઅપના સીઇઓ એલેકન્ઝાન્ડર વેંગ સહિત આખી ટીમ મેટામાં સામેલ થઈ ગઈ છે. મેટા કંપનીએ ૨૯ વર્ષના એલેકઝાન્ડર વેંગને પોતાની સાથે લેવા માટે જ આ સ્ટાર્ટઅપમાં આટલું તોતિંગ રોકાણ કર્યું હોવાનું મનાય છે.
મેટામાં જોડાયા પછી એલેકઝાન્ડર વેંગ મેટા સુપરઇન્ટેલિજન્સ લેબ્સ નામે એક ડિવિઝનના પણ હેડ છે. આ ડિવિઝન મેટા માટે નવાં એઆઇ ટૂલ્સ ડેવલપ કરવા પર કામ કરી રહ્યું છે. આ ટીમે મ્યૂઝ સ્પાર્ક નામનું તેનું પહેલું એઆઇ મોડેલ ડેવલપ કર્યું છે, જે મેટાનાં અગાઉનાં તમામ મોડેલ કરતાં ઘણું ચઢિયાતું હોવાનું મનાય છે. આ મોડેલમાં હેલ્થ ઇનપુટ્સ પર ખાસ ફોકસ કરવામાં આવી રહ્યું છે.
અલબત્ત આ દિશામાં ઓપન એઆઇ અને જેમિનાઇ જેવી કંપનીઓ ઓલરેડી ઘણી આગળ વધી ગઈ છે અને તેની ચોક્સાઇ સામે પ્રશ્નો પણ ઊભા થયા છે. મેટા કંપની પણ સ્પષ્ટતા કરતાં કહે છે કે એઆઇની મદદથી હેલ્થકેરમાં ડોકટરનું સ્થાન લેવાને બદલે તેમને મદદરૂપ થાય એ રીતે સ્વાસ્થ્ય સંબંધિત માહિતી આપવા પર ફોકસ કરવામાં આવશે.
આ ફીચર વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પહોંચે એ પછી આપણે મેટા એઆઇ સાથે વાત કરતાં કરતાં પોતાની સામાન્ય તકલીફો, ફિટનેસ, ન્યુટ્રિશન કે સરેરાશ વેલનેસ સંબંધિત સવાલો પૂછી શકીશું અને એઆઇ તેના સાદી સરળ ભાષામાં જવાબો આપશે.
(5:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
