<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th August 2026

વાટાઘાટો વચ્ચે હોર્મુઝમાં ફરી જહાજ પર હુમલો: ઈરાનનું ટ્રમ્પને અલ્ટિમેટમ- અમારી મંજૂરી વિના અહીં પાંદડું પણ નહીં હલે

વૈશ્વિક તેલ પુરવઠાના મહત્વના માર્ગ પર તણાવ ચરમસીમાએ: ઈરાને લશ્કરી તાકાતનો પરચો બતાવી અમેરિકા સામે આક્રમક વલણ અપનાવ્યું

નવી દિલ્હી:વિશ્વની ક્વાટ કૂટનીતિક વાટાઘાટો અને રાજદ્વારી પ્રયાસો વચ્ચે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં વધુ એક તેલ ટેન્કર/જહાજ પર ભયાનક હુમલો થતાં વૈશ્વિક સ્તરે ભારે અફરાતફરી મચી ગઈ છે. આ ઘટના બાદ ઈરાનના સૈન્ય અને કમાન્ડરોએ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સીધું અલ્ટિમેટમ આપતાં અત્યંત આક્રમક નિવેદન આપ્યું છે કે હોર્મુઝની સામુદ્રધુનીમાં ઈરાનની મંજૂરી વિના એક પાંદડું પણ હલી શકશે નહીં. વિશ્વના ત્રીજા ભાગના ક્રૂડ ઓઈલ ટ્રાન્સપોર્ટ માટે અત્યંત સંવેદનશીલ ગણાતા આ દરિયાઈ માર્ગ પર સૈન્ય હિલચાલ વધારી દેવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો અમેરિકા કે તેના સાથી દેશો દ્વારા કોઈ પણ સાહસ કરવાનો પ્રયાસ કરવામાં આવશે તો તેનો આકરો અને જડબાતોડ જવાબ આપવામાં આવશે. આ તણાવને પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં ઉછાળો આવવાની અને વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે જણાવ્યું હતું કે મંત્રણાઓ ચાલી રહી છે અને તેહરાન માટે સારી સમજૂતી પર હસ્તાક્ષર કરવાની આ "છેલ્લી તક" છે. બીજી તરફ, ઇરાને નકારી કાઢ્યું છે કે કોઈ મંત્રણા થઈ રહી નથી કે નથી તેનું કોઇ આયોજન. ટ્રમ્પે જણાવ્યું હતું કે આ વાતચીત ઇરાન, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત (UAE) અને કતાર સહિતના દેશોની વિનંતી પર થઈ રહી છે.

ઇરાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઈલ બઘાઈએ જણાવ્યું હતું કે અમેરિકા સાથે કોઈ વાટાઘાટો થઈ રહી નથી અને કોઈ બેઠકો નિર્ધારિત નથી. હોર્મુઝની ખાડીમાં શિપિંગ પ્રવૃત્તિઓ અત્યંત મંથર રહી છે, જ્યાં સોમવારે માત્ર 6 જહાજો (3 ટેન્કર અને 3 બલ્ક કેરિયર) આ માર્ગથી પસાર થયા હતા. યુકે મેરિટાઇમ ટ્રેડ ઓપરેશન્સ (UKMTO) એજન્સીના જણાવ્યા અનુસાર, ઓમાનના કિનારે ખાડી પાસે એક કાર્ગો જહાજ અજ્ઞાત પ્રોજેક્ટાઇલથી હિટ થયાનું પ્રસારિત થયું હતું.

તણાવ હળવો થવાની આશા વચ્ચે સોમવારે ક્રૂડના ભાવમાં ઘટાડો નોંધાયો હતો અને મુખ્ય શેરબજારોમાં વધારો થયો હતો. બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ આશરે 7% ઘટીને આશરે $83.77 પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે, જ્યારે ડાઉ જોન્સ રૅકોર્ડ ઉચ્ચ સ્તરે બંધ થયો હતો. એશિયન શેરો અને ક્રૂડના ભાવ મંગળવારે ઊંચા સ્તરે જોવા મળ્યા હતા.

(6:20 PM IST)