News of Thursday, 6th August 2026
ક્લાઇમેટ ચેન્જનો મહાવિનાશક ખતરો: અમેરિકાના અનેક ધમધમતા શહેરો રહેવાલાયક નહીં રહે: લાખો લોકોને સ્થળાંતર કરવાની નોબત આવશે
કુદરતનો કોપ અને વૈશ્વિક વોર્મિંગની ભયાનક ચેતવણી: દરિયાઈ સપાટી વધતાં અને અસહ્ય ગરમીના કારણે મેટ્રો શહેરો પર અસ્તિત્વનું સંકટ:પર્યાવરણવિદોમાં ભારે ખળભળાટ

નવી દિલ્હી :વૈશ્વિક સ્તરે થઈ રહેલા ભયાનક 'ક્લાઇમેટ ચેન્જ' (હવામાન પરિવર્તન)ને લઈને એક અત્યંત ચોંકાવનારો અને આંખો ઉઘાડી દેનારો રિપોર્ટ સામે આવ્યો છે. પર્યાવરણ અને હવામાન નિષ્ણાતોએ ગંભીર ચેતવણી આપી છે કે ગ્લોબલ વોર્મિંગના કારણે અમેરિકાના ઘણા મોહક અને ધમધમતા શહેરો આગામી સમયમાં માનવ વસવાટ માટે સાવ અયોગ્ય અને રહેવાલાયક નહીં રહે! ગ્લેશિયરો ઓગળવાથી સમુદ્રની વધી રહેલી ભયાનક સપાટી, સતત આવતા વિનાશક ચક્રવાતો અને રેકોર્ડબ્રેક અસહ્ય ગરમીના કારણે અમેરિકાના દરિયાકાંઠાના અનેક સમૃદ્ધ શહેરો જળમગ્ન થવાના આરે પહોંચી જશે. આ પર્યાવરણીય હોનારતના કારણે લાખો અને કરોડો લોકોને પોતાના ઘરો છોડીને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર (Climate Migration) કરવા મજબૂર બનવું પડશે. વૈજ્ઞાનિકોની આ સનસનાટીભરી ચેતવણી બાદ સમગ્ર વિશ્વમાં ભારે ચિંતા અને ખળભળાટ વ્યાપી ગયો છે.
આગામી વર્ષોમાં હોમ ઇન્શ્યોરન્સનું વધતું પ્રીમિયમ પ્રોપર્ટી બજાર પર સૌથી મોટું આર્થિક દબાણ લાવશે. રિપોર્ટ અનુસાર, વર્ષ 2055 સુધીમાં સમગ્ર દેશમાં સરેરાશ વીમા પ્રીમિયમ 29.4 ટકા સુધી વધી શકે છે. મિયામી જેવા શહેરોમાં વીમાનો ખર્ચ 4 ગણાથી પણ વધુ વધી જશે. જ્યારે જેક્સનવિલે, ટાંપા અને ન્યૂ ઓર્લિયન્સમાં તે 3 ગણો થઈ શકે છે. કેલિફોર્નિયામાં વીમાનો ખર્ચ બમણો થવાનો અંદાજ છે. જેના કારણે સામાન્ય નાગરિકો માટે ઘર ખરીદવું મુશ્કેલ બનશે.
અત્યંત ગરમી, જંગલોની આગ અને પૂર જેવા ગંભીર જોખમોના કારણે અમેરિકી નાગરિકો પોતાના રહેઠાણ બદલવા મજબૂર થઈ રહ્યા છે. અહેવાલ મુજબ, આગામી 30 વર્ષોમાં આશરે 5.5 કરોડ લોકો આબોહવાકીય પરિસ્થિતિઓને કારણે દેશની અંદર જ અન્ય સુરક્ષિત જગ્યાએ શિફ્ટ થઈ શકે છે. માત્ર આ વર્ષે જ લગભગ 50 લાખ લોકો સુરક્ષિત વિસ્તારોની શોધમાં સ્થળાંતર કરી શકે છે. જેનાથી પ્રોપર્ટી બજારમાં બે અલગ પ્રવાહો જોવા મળશે. સુરક્ષિત વિસ્તારોમાં લોકોના વસવાથી ત્યાં સંપત્તિઓની કિંમતોમાં $244 બિલિયન(આશરે 23.22 લાખ કરોડ રૂપિયા) સુધીનો વધારો થઈ શકે છે.
કેલિફોર્નિયા, ફ્લોરિડા અને ટેક્સાસ જેવા પ્રમુખ સન બેલ્ટ રાજ્યો પર કુદરતી આપત્તિઓનો સૌથી મોટો માર પડ્યો છે. વર્ષ 1980 પછીથી અમેરિકી પ્રાકૃતિક આપત્તિઓના કુલ $2.8 બિલિયન(આશરે 2,66,448 કરોડ રૂપિયા)ના નુકસાનમાંથી 40 ટકાથી વધુ ભાગ આ ત્રણ રાજ્યોનો રહ્યો છે. વર્ષ 2055 સુધીમાં આ રાજ્યોના કેટલાક કાઉન્ટીમાં પ્રોપર્ટીના ભાવ 10 ટકાથી લઈને 40 ટકા સુધી ઘટી શકે છે, જે ભવિષ્યના આર્થિક સંકટની ગંભીર ચેતવણી આપે છે.
(5:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
