<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th August 2026

ટેરિફના ખેલમાં ટ્રમ્પની ખાતરીઓ માટીમાં મળી: 'સુપ્રીમ' ચાબુક વાગતાં અમેરિકાએ ૧૦૦ અબજ ડૉલર પાછા હોમાવવા પડ્યા

દુનિયાની સૌથી મોટી સત્તાનો મોટો ફિયાસ્કો: સર્વોચ્ચ અદાલતના એક જ ઝાટકે ટ્રમ્પ તંત્ર ધ્રુજી ઊઠ્યું: ગેરકાયદે લાદેલો ટેરિફ પાછો ખેંચી મસમોટો દંડ ચૂકવવાની નોબત આવતાં આખા અર્થતંત્રમાં હાહાકાર

નવી દિલ્હી :અમેરિકાના રાજકારણ અને વૈશ્વિક વ્યાપાર જગતમાં ભૂકંપ લાવી દે તેવા બમ્પર સમાચાર સામે આવ્યા છે! પોતાની આકરી વેપાર નીતિઓ અને ટેરિફના દમ પર દુનિયાને નચાવવાના દાવો કરતા ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના જ ખેલમાં બરાબરના ઊંધા માથે પટકાયા છે. સુપ્રીમ કોર્ટના કડક અને અણધાર્યા ચુકાદા બાદ અમેરિકી તંત્રને પૂરા ૧૦૦ અબજ ડૉલર (અબજો રૂપિયા) પાછા ચૂકવવાનો વજ્રપાત થયો છે. વેપારીઓ અને આયાતકારો પર લાદવામાં આવેલો અતિ આકરો ટેરિફ ગેરકાયદેસર ઠરતાં, અદાલતે એક જ ઝાટકે તિજોરી ખાલી કરવાનો આદેશ આપી દીધો છે. સુપ્રીમ કોર્ટની આ આકરી ચાબુકથી ટ્રમ્પના આર્થિક ગણિતો ઊંધા પડી ગયા છે અને સમગ્ર આંતરરાષ્ટ્રીય બજારમાં ભારે સનસનાટી મચી ગઈ છે.
સુપ્રીમ કોર્ટે પોતાના એક મહત્ત્વના ચુકાદામાં અંતરરાષ્ટ્રીય આપાતકાલીન આર્થિક શક્તિ અધિનિયમ (IEEPA) હેઠળ લાદવામાં આવેલા ટેરિફના એક મોટા હિસ્સાને ગેરકાયદે ગણાવીને રદ કરી દીધો છે. આ સાથે જ કોર્ટે ટ્રમ્પ પ્રશાસનને વસૂલેલી રકમ રિફંડ કરવાનો આદેશ પણ આપ્યો હતો. તાજેતરની અપડેટ મુજબ, આ આદેશ બાદ આશરે $100 અબજનું ટેરિફ કલેક્શન પરત કરી દેવામાં આવ્યું છે.
અમેરિકન કસ્ટમ્સ અધિકારીઓ દ્વારા કોર્ટમાં દાખલ કરાયેલી એક અરજીમાં ટેરિફ રિફંડ અંગે મહત્ત્વની માહિતી આપવામાં આવી છે. તેમાં જણાવાયું છે કે, સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ પ્રશાસને આશરે $100 અબજની રકમ પરત કરી દીધી છે. US આંતરરાષ્ટ્રીય વ્યાપાર ન્યાયાલયમાં રજૂ કરાયેલી અરજી મુજબ, વ્યાજ સહિત રિફંડની પ્રક્રિયા સરકારની કસ્ટમ્સ રિફંડ સિસ્ટમ દ્વારા પૂરી કરી દેવામાં આવી છે અને નાણાંના વિતરણ માટે આ રકમ નાણા વિભાગને મોકલી આપવામાં આવી છે.
રિપોર્ટ અનુસાર, રદ કરાયેલા આશરે $166 અબજના ટેરિફમાંથી આ અડધાથી વધુ રકમનું રિફંડ છે. ચાલુ વર્ષની શરૂઆતમાં 20 ફેબ્રુઆરીના રોજ 6-3ની બહુમતીથી આપવામાં આવેલા ઐતિહાસિક ચુકાદામાં કોર્ટે આ ટેરિફને અમાન્ય જાહેર કર્યું હતું. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, રાષ્ટ્રીય સુરક્ષા ઇમરજન્સી માટે 1977માં બનેલા કાયદાનો ઉપયોગ કરીને વ્યાપારી ભાગીદારો પર આકરો ટેરિફ લાદીને ટ્રમ્પે પોતાના અધિકારક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું છે. આ કાયદો અમેરિકન પ્રમુખને એકતરફી રીતે વ્યાપક શુલ્ક લાદવાની સત્તા આપતો નથી.

 

(5:28 PM IST)