<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th August 2026

અજબ-ગજબનો ચિત્ર વિચિત્ર મામલો: માનસિક ટેન્શન દૂર કરવા મહિલાએ એક જ ઝાટકે ૨૫૮ કરોડ રૂપિયાની બંપર ઓનલાઈન શોપિંગ ઝીંકી દીધી: ઓર્ડર કેન્સલ થતાં જ થઈ જેલ ભેગી

વિશ્વભરમાં ભારે સનસનાટી અને ચર્ચા: તણાવ ભગાડવાના ચક્કરમાં મહિલાએ આચરેલી મસમોટી ગરબડથી ઇ-કોમર્સ કંપની અને પોલીસ પણ ચક્કરગિની: અદાલતે આકરા પાણીએ કાર્યવાહી કરી

નવી દિલ્હી :ટેન્શન અને માનસિક તણાવ ભગાડવા માટે લોકો અવનવા નુસખા અપનાવતા હોય છે, પરંતુ એક મહિલાએ તો માનસિક ટેન્શન દૂર કરવા માટે એવો ક્રેઝી અખતરો કર્યો કે જોઈને આખી દુનિયા દંગ રહી ગઈ છે! આ મહિલાએ મનનો ભાર હળવો કરવા માટે ઓનલાઈન શોપિંગ સાઈટ પરથી એક-બે લાખ નહીં પરંતુ પૂરા ૨૫૮ કરોડ રૂપિયાની અધધ... કિંમતનો સામાન ખરીદી નાખ્યો હતો. પરંતુ આ શોપિંગ ડ્રામાના અંતે જ્યારે ઓર્ડર કેન્સલ કરવાનો વારો આવ્યો ત્યારે ઈ-કોમર્સ કંપનીની ફરિયાદ પરથી પોલીસે મહિલાની ધરપકડ કરીને તેને સીધી જેલના સળિયા પાછળ ધકેલી દીધી છે!

આ મહિલાનું નામ યોશિદા (ઉંમર 32 વર્ષ) છે અને આ સિલસિલો છેલ્લા બે વર્ષથી ચાલી રહ્યો હતો. આ દરમિયાન તેણે 2000થી વધુ ઓર્ડર અલગ-અલગ રીતે કેન્સલ કર્યા હતા. કેટલાક કિસ્સામાં તેણે કેશ ઓન ડિલિવરી લેવાની ના પાડી દીધી હતી, તો કેટલાકમાં કન્વિનિયન્સ સ્ટોર પેમેન્ટનો વિકલ્પ પસંદ કરીને સમયસર ચૂકવણી કરી ન હતી.

જાપાનીઝ મીડિયાના રિપોર્ટ અનુસાર, વારંવાર ઓર્ડર કેન્સલ થવાને કારણે સંબંધિત કંપનીને ડિલિવરી અને પ્રોસેસિંગ ચાર્જમાં આશરે 75 લાખ યેન (લગભગ ₹45 લાખ)નું મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે.

પોલીસ પૂછપરછ દરમિયાન યોશિદાએ ખુલાસો કર્યો હતો કે રોજિંદા જીવનમાં ખૂબ જ તણાવ હોવાને કારણે તે ઓનલાઈન સ્ટોર પર એનિમે કેરેક્ટર્સનો સામાન જોતી હતી. કોઈપણ સામાન મંગાવતા પહેલાં તેને ઓર્ડર કરી દેવાથી તેને એક અલગ જ પ્રકારનો સંતોષ મળતો હતો અને તેનો તણાવ દૂર થઈ જતો હતો. તેણે સ્પષ્ટ કર્યું હતું કે કંપની સામે તેને કોઈ અંગત દુશ્મનાવટ નહોતી, પરંતુ પોતાના માનસિક સંતોષ માટે તે આવું કરતી હતી.

મહિલાએ આશરે 6 વર્ષ પહેલાં આ સ્ટોર પરથી ખરીદી કરવાનું શરૂ કર્યું હતું. શરૂઆતમાં તે મંગાવેલો સામાન ખરીદી લેતી હતી, પરંતુ ઓક્ટોબર 2023થી તેણે ઓર્ડર કરીને કેન્સલ કરવાનો આ ટ્રેન્ડ શરૂ કર્યો હતો. આ માટે તેણે 238 જેટલા ફેક એકાઉન્ટ્સ બનાવ્યા હતા. કંપનીની ફરિયાદ બાદ પોલીસે યોશિદા સામે ગુનો નોંધ્યો છે. યોશિદાએ પોતાના તમામ આરોપો સ્વીકારી લીધા છે અને જાપાનીઝ કાયદા હેઠળ છેતરપિંડી તથા વ્યવસાયમાં અવરોધ ઊભો કરવાના આરોપસર તેની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

(5:40 PM IST)