તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 8th August 2026
વિશ્વભરમાં ભારે સનસનાટી અને ધ્રૂજારો: ફેસબુક અને ઈન્સ્ટાગ્રામની ગંદી રમતથી બાળકોનું મેન્ટલ હેલ્થ બરબાદ થતાં મેટા કંપનીને રૂ. ૫૩૦૦ કરોડનો અધધ... તોતિંગ દંડ
સોશિયલ મીડિયાના દૂષણ સામે અદાલતની આકરી લાલ આંખ: બાળકોમાં ડિપ્રેશન, તણાવ અને માનસિક બીમારીઓ ફેલાવવાનો સનસનાટીભર્યો આરોપ સાબિત થતાં ટેક-જાયન્ટ કાનૂની શિકંજામાં

નવી દિલ્હી :બાળકો અને યુવાધનને સોશિયલ મીડિયાના બંધાણી બનાવીને તેમના માનસિક સ્વાસ્થ્ય (મેન્ટલ હેલ્થ) સાથે ખિલવાડ કરતી ટેક ગ્લોબલ કંપની મેટા (Meta) સામે અદાલતે અત્યાર સુધીનો સૌથી ઐતિહાસિક અને સનસનાટીભર્યો આકરો ચુકાદો સંભળાવ્યો છે. ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ જેવા લોકપ્રિય પ્લેટફોર્મ્સ બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર ઘાતક અને ઝેરી અસર પહોંચાડી રહ્યા હોવાના ગંભીર આરોપો હેઠળ અદાલતે કંપની પર પૂરા રૂ. ૫૩૦૦ કરોડ ($600+ Million) નો તોતિંગ અને આઘાતજનક દંડ ફટકારી દીધો છે.
ન્યૂ મેક્સિકો રાજ્યની કોર્ટના ન્યાયધીશ બ્રાયન બીડરશિટે એક ઐતિહાસિક ચુકાદો આપતા કહ્યું હતું કે મેટાના પ્લેટફોર્મ્સ ફેસબુક-ઈન્સ્ટાગ્રામમાં બાળકોનું યૌનશોષણ થતું હતું. કંપનીને આ વાતની જાણકારી હતી છતાં કોઈ કાર્યવાહી કરી નહીં. એ વાતને છુપાવવાની કોશિશ કરી. આ પ્લેટફોર્મ્સના કારણે બાળકો-ટીનેજર્સની મેન્ટલ હેલ્થ બગડી હતી. કોર્ટમાં આ કેસના સંદર્ભમાં મેટાએ બાળકોને લગતા કન્ટેન્ટમાં ક્ષતિ રહી ગઈ હોવાનું સ્વીકાર્યું હતું. મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે માફી માંગી હતી. કોર્ટે મેટાને ૫૬.૭ કરોડ ડોલર યાને અંદાજે ૫૩૦૦ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આ રકમમાંથી એક હિસ્સો જે બાળકોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સના કારણે ભોગવવાનું આવ્યું છે તેમના માનસિક સ્વાસ્થ્યનો ઈલાજ થશે. બીજો હિસ્સો અવેરનેસ, પ્રિવેન્શન, સ્ક્રીનિંગ સર્વિસ વગેરેમાં ખર્ચાશે. સરકારી વકીલોના સૂચન બાદ કોર્ટે કહ્યું હતું કે મેટાએ તેમના મૂળભૂત ઢાંચામાં ફેરફાર કરવો પડશે. ખાસ તો લત લગાડે તેવા ફીચર્સ અટકવવા અને ઉંમરનું વેરિફિકેશન વધારે મજબૂત બનાવવું તેમ જ પ્રાઈવસી સેટિંગ પર વધારે ધ્યાન આપવું જેવી બાબતોનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે આ કેસ બે તબક્કામાં ચાલ્યો હતો. આ કેસના સંદર્ભમાં જ અગાઉ કોર્ટે મેટાને ૩૭.૫ કરોડ ડોલર યાને અંદાજે ૩૫૦૦ કરોડ રૂપિયાનો દંડ કર્યો હતો. બાળકોનું યૌનશોષણ થાય છે તે જાણવા છતાં કંપનીએ કોઈ કાર્યવાહી ન કરી તે માટે આ દંડ થયો હતો.બીજા તબક્કામાં આ નવો દંડ ફટકાર્યો છે તે બાળકોના મેન્ટલ હેલ્થ પર થઈ રહેલી ગંભીર અસરના સંદર્ભમાં છે. ફેસબુક-ઈન્સ્ટાગ્રામ-વોટ્સએપ જેવા પ્લેટફોર્મ્સની માલિકી ધરાવતી મેટા કંપની સામે ન્યૂ મેક્સિકોના એટર્ની જનરલ રાઉલ ટોરેસે કેસ દાખલ કર્યો હતો. ૨૦૨૩થી આ કેસ ચાલતો હતો. આ વર્ષે ફેબુ્રઆરીથી કેસની સુનાવણી શરૂ થઈ હતી. મેટાએ કોર્ટના આ આદેશ બાદ ઉપલી કોર્ટમાં અપીલ કરવાની જાહેરાત કરી છે.
(5:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
