<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th August 2026

વિશ્વભરમાં ભારે સનસનાટી અને મહાવિનાશનો ફફડાટ: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) એ નિર્માણ કર્યા ૧૬ નવા ઘાતક અને કાળમુખા વાઈરસ

સ્ટેનફોર્ડ યુનિવર્સિટી અને આર્ક ઈન્સ્ટિટ્યુટના વૈજ્ઞાનિકોની ચોંકાવનારી શોધથી ભારે ખળભળાટ: માનવજાત માટે આશીર્વાદરૂપ ટેકનોલોજી જૈવિક આફત (Bio-hazard) બનવાના આરે: વૈજ્ઞાનિક આલમ સ્તબ્ધ

નવી દિલ્હી :આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) નો વ્યાપ અને તાકાત જે ઝડપે વધી રહ્યા છે, તેણે સમગ્ર માનવજાત અને વૈશ્વિક આરોગ્ય તંત્ર સમક્ષ અતિ ભયાનક અને કાળમુખો ખતરો ઊભો કરી દીધો છે. વિશ્વવિખ્યાત સ્ટેનફોર્ડ યુનિવર્સિટી અને આર્ક ઈન્સ્ટિટ્યુટના સંશોધકો તથા વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા એક સનસનાટીભર્યા અભ્યાસમાં ખુલાસો થયો છે કે, એઆઈ મોડેલ્સે પૂરા ૧૬ નવા, અતિ ઘાતક અને અજાણ્યા વાઈરસની ડીએનએ/આરએનએ ડિઝાઈન જાતે જ તૈયાર કરી કાઢી છે! આ ચોંકાવનારા સંશોધન સામે આવતાં જ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ફફડાટ અને ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

વૈજ્ઞાનિકોએ ઈર્પ 2 નામના જિનોમ લેન્ગવેજ મોડલને આશરે 20 લાખ બેક્ટેરિયોફેજના ડીએનએ ડેટા પર ટ્રેનિંગ આપી હતી. ત્યારબાદ, એઆઈએ અગાઉ ક્યારેય અસ્તિત્વમાં ન રહેલા સેંકડો નવા જિનોમ ડિઝાઈન તૈયાર કર્યા. તેમાંથી લેબમાં બનાવેલા 285 ડિઝાઇનની ચકાસણી કરવામાં આવી. 16 નવા વાઈરસ જીવંત બની બેક્ટેરિયાને સફળતાપૂર્વક સંક્રમિત અને નાશ કરવામાં સક્ષમ રહ્યા.

સંશોધકોના જણાવ્યા અનુસાર, એઆઈએ માત્ર જાણીતા વાઈરસની નકલ કરી નથી, પરંતુ ડીએનએના નિયમો સમજીને સંપૂર્ણપણે નવા જિનોમ તૈયાર કર્યા છે. પરંતુ આ સિદ્ધિ સાથે જ બાયોસેફ્ટી અંગે ચિંતા પણ વ્યક્ત થઈ રહી છે.

નિષ્ણાતોનું કહેવું છે કે આજના રિસર્ચમાં માત્ર સુરક્ષિત બેક્ટેરિયોફેજનો ઉપયોગ થયો છે, છતાં ભવિષ્યમાં આવી જ ટેકનોલોજીનો દુરુપયોગ કરીને વધુ જોખમી જીવાણુઓ અથવા રોગકારક વાઈરસ ડિઝાઇન કરવાનો પ્રયાસ થઈ શકે છે. અનેક બાયોસિક્યુરિટી નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે એઆઈ અને ડીએનએ સિન્થેસિસ જેવી ઝડપથી વિકસતી ટેકનોલોજી માટે વૈશ્વિક નિયમન અને દેખરેખની જરૂરત છે.

મહત્વની બાબત એ છે કે આ વાઈરસ માણસ, પ્રાણી કે છોડને સંક્રમિત કરતા વાઈરસ નથી. તે બેક્ટેરિયોફેજ છે. બેક્ટેરિયોફેજ એટલે કે એવા વાઈરસ જે માત્ર બેક્ટેરિયા પર હુમલો કરે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે ભવિષ્યમાં આવા વાઈરસનો ઉપયોગ એન્ટિબાયોટિક સામે પ્રતિકારક (Antibiotic-resistant) બેક્ટેરિયાના ચેપની સારવાર માટે થઈ શકે છે. વિશ્વ આરોગ્ય ક્ષેત્રમાં વધતી એન્ટિબાયોટિક પ્રતિકારની સમસ્યા સામે આ ટેક્નોલોજી મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

(5:42 PM IST)