<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th August 2026

અમેરિકા જતા ભારતીયો અને IT કંપનીઓને મોટો ફટકો: H-1B અને L-1 વિઝા લંબાવવા માટે હવે ચૂકવવી પડશે વધારાની ફી

અમેરિકી સરકારના નવા નિયમથી ભારતીય આઈટી વ્યાવસાયિકોની ચિંતા વધી: વિઝા એક્સટેન્શન માટે કંપનીઓ પર પડશે વધારાનો આર્થિક બોજ: પ્રોસેસિંગ પણ મોંઘી બનશે

નવી દિલ્હી :અમેરિકામાં નોકરી કરતા ભારતીય આઈટી પ્રોફેશનલ્સ અને ભારતીય ટેકનોલોજી કંપનીઓ માટે માઠા સમાચાર આવ્યા છે. અમેરિકી સત્તાધીશો દ્વારા H-1B અને L-1 વિઝાની મુદત લંબાવવા (વિઝા એક્સટેન્શન) માટે વધારાની ફી વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નવા નિયમથી અમેરિકામાં કાર્યરત વિદેશી કર્મચારીઓ અને તેમને સ્પોન્સર કરતી કંપનીઓ પર મોટો આર્થિક બોજ પડશે.

અમેરિકન સરકારે અપડેટ કરેલા નવા નિયમ પ્રમાણે એચ-૧બી અને એલ-૧એ, એલ-૧બી કેટેગરીના વિઝા મેળવીને જે કર્મચારીઓ કાર્યરત છે તેમને એક્સટેન્શન વિઝા માટે અલગથી ફી ચૂકવવી પડશે. ૯-૧૧ રિસ્પોન્સ અને બાયોમેટ્રિક્સ એન્ટી-એક્ઝિટ માટે એક્સટેન્શન વખતે પણ એચ-૧બી વિઝા માટે ૪૦૦૦ અને એલ-૧ની કેટેગરી માટે ૪૫૦૦ ડોલરની ફી ચૂકવવાનો નવો નિયમ આવતા મહિને લાગુ પડશે. તેનાથી ભારતીય કંપનીઓ પર વધારાનું આર્થિક ભારણ આવશે. અત્યાર સુધી કર્મચારી કંપની બદલે ત્યારે નવા એમ્પ્લોયરે આ પ્રકારની ફી ચૂકવવી પડતી હતી. અથવા તો પહેલી વખત શરૂઆતમાં જ્યારે નોકરી આપવામાં આવે ત્યારે ફી વસૂલાતી હતી. એક્સટેન્શન વખતે આ ફી લેવામાં આવતી ન હતી. ગૃહ અને સુરક્ષા મંત્રાલયના એક નિવેદનમાં કહેવાયું હતું કે ૫૦ કે તેથી વધુ કર્મચારીઓ ધરાવતી કંપનીઓ કે જેમાં ૫૦ ટકા સ્ટાફ સ્થાનિક હશે એ તમામને આ નિયમ લાગુ પડશે. આ બાબતે એવી પણ રજૂઆત થઈ હતી કે જો તેમની કંપનીઓ એક્સટેન્શન આપવા તૈયાર હોય, પરંતુ ફી આપવાની તૈયારી ન હોય તો આ એક્સ્ટ્રા ફી કર્મચારીઓ આપી દેશે. પરંતુ ડિપાર્ટમેન્ટે આ રજૂઆત ફગાવી દીધી હતી. ડિપાર્ટમેન્ટે કહ્યું હતું કે નિયમ પ્રમાણે ફીની રકમ કંપનીઓએ જ આપવી પડશે. કંપનીઓ પર આ પ્રકારનો આર્થિક બોજ લાદીને અમેરિકન સરકાર વિદેશી પ્રોફેશ્નલન્સને એક્સટેન્શન ન મળે તે માટે આડકતરું દબાણ કરે છે. ફી ચૂકવવાનું ન પરવડે એ કંપનીઓ સ્થાનિક કર્મચારીઓને નોકરી રાખે એવો ટ્રમ્પ સરકારનો વ્યૂહ છે.

(5:45 PM IST)