તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th August 2026
અમેરિકાએ પાકિસ્તાનની બોચી પકડી: 'સૈન્ય અને ISI પાછળ કેટલો ખર્ચો કર્યો?': વ્યાજ સાથે માગ્યો હિસાબ
શાહબાઝ સરકાર અને પાક સેનામાં ભારે સન્નાટો: અરબ ડોલરની મદદ ક્યાં ગઈ? ફંડિંગ અને ગુપ્તચર એજન્સીના ખર્ચ મામલે વ્હાઇટ હાઉસે હિસાબ માગતાં ઈસ્લામાબાદમાં ખળભળાટ

નવી દિલ્હી :રોકડિયા મદદ અને આર્થિક પેકેજ માટે હાથ લાંબો કરતાં પાકિસ્તાન પર અમેરિકાએ આકરો ચાબુક ચલાવ્યો છે. અમેરિકન પ્રશાસને પાકિસ્તાન સરકાર પાસે કડક શબ્દોમાં હિસાબ માગી લીધો છે કે અત્યાર સુધી આપવામાં આવેલી અબજો ડોલરની આર્થિક મદદમાંથી પાકિસ્તાન પોતાના પાક સૈન્ય (Army) અને ગુપ્તચર એજન્સી ISI પાછળ કેટલો ખર્ચ કર્યો છે. અમેરિકાના આ આકરા વલણથી શાહબાઝ શરીફ સરકાર અને પાક આર્મી ચીફના પેટમાં તેલ રેડાયું છે. આતંકવાદ સામે લડવાના નામે મળતી ગ્રાન્ટનો ઉપયોગ સેના અને આઈએસઆઈ પોતાના સ્વાર્થ અને ભારત વિરોધી પ્રવૃત્તિઓ માટે કરી રહ્યા હોવાની શંકા વચ્ચે અમેરિકાએ સમગ્ર ફંડિંગનો પાકે-પાયે હિસાબ માગતાં આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનની ભારે નામોશી થઈ છે.
અમેરિકાની સૌથી મુખ્ય માગ પાકિસ્તાનના લશ્કર (સેના) અને ગુપ્તચર એજન્સીઓના બજેટને લઈને છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાને સેના અને ગુપ્તચર એજન્સીઓ પાછળ થતા સરકારી ખર્ચની માહિતી જાહેર કરવી જોઈએ અને તેના પર સામાન્ય નાગરિકો તેમજ સંસદની દેખરેખ રહે તે માટે સ્પષ્ટ વ્યવસ્થા બનાવવી જોઈએ. અમેરિકન વિદેશ વિભાગનું માનવું છે કે કોઈપણ દેશની નાણાકીય પારદર્શિતા માટે ત્યાંની સેના અને ગુપ્તચર બજેટ પર નાગરિકોની દેખરેખ હોવી ખૂબ જ જરૂરી છે.
અમેરિકાના રિપોર્ટમાં પાકિસ્તાનને સલાહ આપવામાં આવી છે કે તેણે પોતાના સરકારી દેવાં અને દેશની મોટી સરકારી કંપનીઓની બાકી લેણી રકમોની પૂરેપૂરી વિગતો જાહેર કરવી જોઈએ. અમેરિકાનું માનવું છે કે પાકિસ્તાનનું બજેટ સરકારી આવક અને ખર્ચનું મોટું ચિત્ર સ્પષ્ટ કરે છે અને મોટા ભાગની માહિતી આપે જ છે, પરંતુ દેશ પર કેટલું દેવું છે તેની વિગતવાર માહિતી આપવા બાબતે હજુ પણ ઘણી ખામીઓ જોવા મળી રહી છે.
અમેરિકાએ પાકિસ્તાનને તેનું બજેટ પ્રપોઝલ પણ યોગ્ય સમયે જાહેર કરવાની સલાહ આપી છે. રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનનું પાસ થયેલું બજેટ અને વર્ષના અંતનો નાણાકીય અહેવાલ જાહેર રીતે ઉપલબ્ધ હોય છે તથા તેની ચકાસણી (ઓડિટ) પણ કરવામાં આવે છે. છતાં પણ, અમેરિકા ઈચ્છે છે કે પાકિસ્તાન પોતાના બજેટ, સરકારી દેવાં અને ખાસ કરીને લશ્કર (સેના) તથા ગુપ્તચર એજન્સીઓના ખર્ચ બાબતે વધુ જવાબદાર બને અને આ તમામ વિગતો પર નાગરિકો તેમજ સંસદની સીધી દેખરેખ વધુ મજબૂત થાય.
(6:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
