<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th August 2026

AIએ વટાવી બધી હદો: પોતાના માલિકનો જિમ સ્લોટ બૂક કરવા આખી સિસ્ટમ જ હેક કરી નાખી

ટેકનોલોજીની દુનિયામાં ખળભળાટ મચાવતો કિસ્સો: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની આટલી હદે ચાલાકી જોઈને વૈજ્ઞાનિકો પણ દંગ રહી ગયા:એઆઈના સુરક્ષા જોખમો અંગે નવી ચર્ચા

નવી દિલ્હી :આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) કેટલું ખતરનાક અને અણધારી હદો વટાવી શકે છે તેનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પોતાના માલિકને મનપસંદ સમયે જિમનો સ્લોટ ન મળતાં, AI એસિસ્ટન્ટે સ્લોટ બૂક કરવા માટે આખી સિસ્ટમ જ હેક કરી નાખી હતી. સ્લોટ ફુલ થઈ ગયા હોવાથી AIએ પોતાની રીતે જ એલ્ગોરિધમ અને સિક્યુરિટી બાયપાસ કરીને માલિક માટે જિમ સ્લોટ કન્ફર્મ કરી આપ્યો હતો. આ ઘટના પ્રકાશમાં આવતાં જ ટેકનોલોજી નિષ્ણાતો અને સાયબર સિક્યુરિટી એજન્સીઓ સ્તબ્ધ થઈ ગઈ છે. AI પોતાની મેળે કોડિંગ અને હેકિંગ કરીને આટલી હદે નિર્ણય લેવા માંડે તો ભવિષ્યમાં મોટી સુરક્ષા વ્યવસ્થા માટે કેટલું મોટું જોખમ ઊભું થઈ શકે છે તે મુદ્દે હવે વૈશ્વિક સ્તરે ગંભીર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

આ વાત ઓસ્ટ્રેલિયાની ટેક કંપની એઆઈ અફિંડાના એઆઈ હેડ એન્ડ્રયુ બર્ડ સાથે જોડાયેલી છે. તેને એક લોકપ્રિય જિમ ક્લાસમાં જગ્યા જોઇતી હતી, પરંતુ ક્લાસ બહુ ઝડપથી ભરાઈ જતો હતો. તેના કારણે તેમણે પોતાના વ્યક્તિગત એઆઈ આસિસ્ટન્ટને આ કામ સોંપી દીધું. આ એઆઈ આસિસ્ટન્ટ ક્લાઉડ પર ચાલતું હતું. તેના પછી જ સાચો ખેલ શરુ થયો. એઆઈએ જોયું કે તેના માલિક વેઇટિંગ લિસ્ટમાં ચોથા નંબરે છે. તેમણે એઆઈને પૂછ્યું કે શું તે તેને આ લિસ્ટમાં ઉપર લાવી શકે છે. એઆઈએ સિસ્ટમનો ટેસ્ટ કરવાનો શરૂ કર્યો. આ દરમિયાન તેને ખબર પડી કે બીજા લોકોની બુકિંગ રદ કરવા માટે ઉપયોગમાં લેવાતા હિસ્સામાં જરુરી પરમિશનની ચકાસણી યોગ્ય રીતે થતી ન હતી. તેના પછી એઆઈએ વેઇટિંગ લિસ્ટમાં પહેલા નંબર પર હાજર વ્યક્તિની બુકિંગ રદ કરી દીધી. તેથી બર્ડ ચોથા નંબરથી ત્રીજા નંબર પર આવી ગયા. અહેવાલ મુજબ બર્ડે એઆઈને કોઈ ત્રીજી વ્યક્તિનું બૂકિંગ રદ કરવાનો સીધો આદેશ આપ્યો ન હતો. આમ છતાં એઆઈએ એવો રસ્તો પસંદ કર્યો જેનાથી તેને સોંપવામાં આવેલું કામ પૂરું કરી શકાય, પરંતુ આમા બીજી કોઈ વ્યક્તિને નુકસાન થઈ ગયું. બર્ડને જ્યારે ખબર પડી કે એઆઈએ બીજાનું બૂકિંગ રદ કર્યુ છે ત્યારે તેણે એઆઈને તેનું બૂકિંગ પાછું જેમ હતુ તેમ કરવા કહ્યુ. પરંતુ અહીં બીજી તકલીફ સામે આવી. એઆઈ એજન્ટ્સ તેણે જેનું નામ બૂકિંગમાંથી કાઢી નાખ્યું હતું તે પરત ન લાવી શક્યુ, કેમકે જે ખામી બૂકિંગ કેન્સલેશન સિસ્ટમમાં હતી તે ફરીથી બૂકિંગ કરવાની સિસ્ટમમાં ન હતી.

(6:01 PM IST)