તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 13th August 2026
પાકિસ્તાન આર્મીની બર્બરતાની પરાકાષ્ઠા: બલૂચિસ્તાનમાં સેનાની એરસ્ટ્રાઈકથી ૯ માસૂમ બાળકો અને ૭ મહિલાઓ સહિત ૨૮ બલોચ નાગરિકોની નિર્મમ હત્યા
ગાઢ નિંદ્રામાં પોઢેલા નિર્દોષો પર આકાશમાંથી વરસ્યા બોમ્બ: સુરાબના ગૌનદાનમાં પાક સેનાના ફાઇટર જેટ્સનો ભયાનક કહેર: રસ્તા પર મૃતદેહો મૂકી વિરોધના ધસમસતા વંટોળ વચ્ચે પાકિસ્તાનમાં ભડકો

નવી દિલ્હી :પાકિસ્તાન સેનાની નરાધમતા અને આતંકનો વધુ એક કાળો ચહેરો વિશ્વ સમક્ષ ખુલ્લો પડ્યો છે. પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના સુરાબ જિલ્લામાં આવેલા ગૌનદાન ગામમાં મોડી રાત્રે પાકિસ્તાની વાયુસેનાના વિમાનોએ રહેણાંક વિસ્તાર પર અંધાધૂંધ બોમ્બમારો (એરસ્ટ્રાઈક) કરીને લોહિયાળ ખેલ ખેલ્યો છે. આ ક્રૂર હુમલામાં ૯ માસૂમ બાળકો, ૭ મહિલાઓ અને ૧૨ પુરુષો મળીને કૂલ ૨૮ નિર્દોષ બલોચ નાગરિકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે ૧૭થી વધુ લોકો ગંભીર રીતે ઘવાયા છે.
સ્થાનિક અહેવાલો અનુસાર, રાત્રે લગભગ 2 વાગ્યે જ્યારે ગૌનદાન ગામના લોકો ઊંઘી રહ્યા હતા ત્યારે પાકિસ્તાની સેનાના લડાકુ વિમાનોએ ગામના રહેણાંક વિસ્તારોને નિશાન બનાવ્યા હતા. બોમ્બ વિસ્ફોટોથી સમગ્ર વિસ્તાર ધ્રૂજી ઉઠ્યો અને અનેક મકાનો કાટમાળમાં ફેરવાઈ ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. હુમલા બાદ ગામમાં ચીસો અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકો કાટમાળ હટાવીને પોતાના પરિવારજનોને શોધતા જોવા મળ્યા હતા.
સ્થાનિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હુમલામાં 28 લોકોનાં મોત થયા છે. તેમાં 9 બાળકો, 7 મહિલાઓ અને 12 પુરુષોનો સમાવેશ થાય છે. ઘાયલોમાં પણ બાળકોની સંખ્યા નોંધપાત્ર હોવાનું જણાવાયું છે. કેટલાક ઘાયલોની સ્થિતિ ગંભીર હોવાથી મૃત્યુઆંક વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ ઘટનાના વિરોધમાં મૃતકોના પરિવારજનો અને સ્થાનિક લોકો સુરાબના મુખ્ય ચોકમાં એકઠા થયા હતા. તેમણે મૃતદેહોને ક્વેટા-કરાચી મુખ્ય માર્ગ N-25 પર રાખીને વિરોધ શરૂ કર્યો હતો. વિરોધના કારણે હાઈવે પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો અને બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. પ્રદર્શનકારોએ માંગણીઓ સ્વીકારવામાં ન આવે ત્યાં સુધી ધરણાં ચાલુ રાખવાની જાહેરાત કરી છે.
ધ બલૂચિસ્તાન પોસ્ટના રિપોર્ટ મુજબ, સુરાબના ગદર-ગૌનદાન વિસ્તારમાં 12 ઓગસ્ટે થયેલી પાકિસ્તાની હવાઈ કાર્યવાહીમાં મહિલાઓ સહિત 20થી વધુ લોકોનાં મોત થયા અને 16 લોકો ઘાયલ થયા હતા. ઘાયલો અને મૃતકોને પોલીસ તથા સ્થાનિક લોકોએ સુરાબની DHQ હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. અહેવાલમાં જણાવાયું છે કે, મૃતકોમાં મહિલાઓ, બાળકો અને પુરુષો સામેલ છે. કેટલાક મૃતકોની ઓળખ પણ કરવામાં આવી છે.
(6:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
