<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th August 2026

ગૂગલની મોટી ચાલ: બંધ પડેલી એરલાઇન્સનો કરોડોનો ડેટા ખરીદવા માટે લગાવ્યા રૂ. ૯૫ કરોડ: માર્કેટમાં સળવળાટ

ટેક જાયન્ટ ગૂગલ હવે એવિએશન સેક્ટરમાં ડેટા ગેમ રમશે: ફ્લાઇટ ટ્રેકિંગ, ટિકિટિંગ અને ગ્રાહકોની વર્તણૂક સમજી પોતાની સિસ્ટમ વધુ મજબૂત કરવાનો માસ્ટરપ્લાન

નવી દિલ્હી :વિશ્વની દિગ્ગજ ટેકનોલોજી કંપની ગૂગલે (Google) એવિએશન અને ડેટા ઇન્ડસ્ટ્રીમાં એક મોટો ધમાકો કર્યો છે. લાંબા સમયથી બંધ પડેલી અને નાદાર જાહેર થયેલી એક એરલાઇન્સનો વિશાળ ડેટાબેઝ ખરીદવા માટે ગૂગલે રૂ. ૯૫ કરોડ ($11.5 Million) ની આકરી બોલી લગાવી છે. આ સોદાથી ટેક અને એવિએશન ક્ષેત્રે ભારે ચર્ચા જાગી છે.
આ આખો કિસ્સો અમેરિકાની સ્પિરિટેડ એરલાઇન્સનો છે. કંપનીએ દેવાળું ફૂક્યું છે અને તેની હરાજી ચાલી રહી છે ત્યારે ગૂગલે તેના ઇન્ટર્નલ ડેટા જેવા કર્મચારીઓના ઇ-મેઇલ, માઇક્રોસોફ્ટ ટીમ્સની ચેટ, કેલેન્ડર, ડોક્યુમેન્ટ્સ, સ્પ્રેડશીટ, મીટિંગ્સ રેકોર્ડ અને કારોબાર સાથે જોડાયેલા બીજા રેકોર્ડ્સની બોલી લગાવી છે. આ પ્રકારનો ડેટા સામાન્ય રીતે ખાનગી હોય છે અને કોઈપણ કંપની ઇચ્છતી નથી તેનો ઉપયોગ કરવામાં આવે, પરંતુ હવે સમય બદલાઈ ચૂક્યો છે. અહેવાલ મુજબ આ ડેટામાં લગભગ ૧૦ કરોડ ઇ-મેઇલ્સ અને માઇક્રોસોફ્ટ ટીમ્સના ૫૦ કરોડ મેસેજ છે. આ ઉપરાંત કંપનીની કામ કરવાની પદ્ધતિ, સોફ્ટવેર અને બીજા આંતરિક રેકોર્ડ પણ આ પેકેજનો હિસ્સો છે. અહીં સૌથી રસપ્રદ વાત એ છે કે ગૂગલ આ ડેટાનો ઉપયોગ તેના એઆઈ મોડેલને વધુ સારો બનાવવા માટે કરવા માંગે છે. એઆઈ હવે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ આર્ટિકલ્સ, ફોટો અને પુસ્તકોના વાંચન પૂરતુ જ મર્યાદિત નથી. તાજેતરમાં એવા સમાચાર આવ્યા છે કે એમેઝોન અને બીજી કંપનીઓ કરોડો પુસ્તકોને સ્કેન કરીને એઆઈને તાલીમ આપી રહી છે. મોટી ટેક કંપનીઓને એવા ડેટાની જ:રત છે જેથી એઆઈ તે સમજી શકે કે અસલી કંપનીઓમાં કામ કઈ રીતે થાય છે. કોઈ કર્મચારીઓ ઇ-મેઇલમાં સમસ્યા કેવી રીતે બતાવી. ટીમે ટીમ્સમાં આ સમસ્યા પર કઈ રીતે ચર્ચા કરી. કોઈ નિર્ણય પર પહોંચવામાં કેટલો સમય લાગ્યો. કોઈ ગ્રાહકની ફરિયાદનો જવાબ કઈ રીતે આપવામાં આવ્યો. જુદાં-જુદાં વિભાગ વચ્ચે કામ કેવી રીતે આગળ વધ્યું. આ પ્રકારની જાણકારી એઆઈ માટે અત્યંત ઉપયોગી નીવડી શકે છે.જો કે અહીં ગૂગલે એરલાઇન્સના કર્મચારીઓના સંગઠનના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. તેના પગલે કોર્ટે સુનાવણી ૯ સપ્ટેમ્બર સુધી ટાળી દીધી છે. ગૂગલનો આ સંભવિત સોદો બદલાતા જતા વિશ્વની ઝાંખી કરાવે છે. આગામી સમયમાં કંપનીઓમા કર્મચારીઓએ કઈ રીતે કામ કર્યુ, કયા નિર્ણયો લેવાયા અને કઈ રીતે સમસ્યાઓ ઉકેલાઈ તે ડેટા પણ બહુ મોટો ખજાનો બની શકે છે.

 

(6:07 PM IST)