<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

૪૪ વર્ષના ડેટિંગ પછી ટેક્‍સ બચાવવા લગ્ન કરશે બ્રિટનના આ મશહૂર કોમેડિયન

લંડન,તા.૨૧: કોઈ લગ્ન પ્રેમ માટે કરે તો કોઈ પરિવારની ખુશી માટે, પરંતુ બ્રિટનના વિખ્‍યાત કોમેડિયન રિકી જર્વેઝ કંઈક અલગ જ કારણસર લગ્ન કરવા જઈ રહ્યા છે. ૬૫ વર્ષના રિકી અને તેમની ભાગીદાર જેન ફેલન છેલ્‍લાં ૪૪ વર્ષથી સાથે રહે છે, પરંતુ હવે તેઓ માત્ર ટેક્‍સ બચાવવા લગ્નગ્રંથિથી જોડાવા વિચારી રહ્યાં છે. બ્રિટનના કાયદા મુજબ જો કોઈ વ્‍યક્‍તિ સંપત્તિ પોતાના વારસદારને આપે તો એના પર ૪૦ ટકા સુધીનો ભારે ઇન-હેરિટન્‍સ ટેક્‍સ એટલે કે વારસાવેરો ચૂકવવો પડે છે. જોકે પતિ-પત્‍ની વચ્‍ચે થતી સંપત્તિની લેવડદેવડ પર આ ટેક્‍સ લાગતો નથી. રિકી પાસે લંડનમાં ૧૫ મિલ્‍યન પાઉન્‍ડ એટલે કે આશરે ૨૦૦ કરોડ રૂપિયાનો આલીશાન બંગલો, ન્‍યુ યોર્કમાં અપાર્ટમેન્‍ટ્‍સ અને અબજોની સંપત્તિ છે. ટેક્‍સની આ આકરી રકમ સરકારી તિજોરીમાં ન જાય એ માટે તેમણે ૪૪ વર્ષ પછી મેરેજ કરવાનો પ્‍લાન બનાવ્‍યો છે. અગાઉ ભગવાનમાં ન માનતા હોવાનું કહીને લગ્ન કરવાની ચોખ્‍ખી ના પાડનાર રિકી હસતાં-હસતાં કહે છે, ‘૪૪ વર્ષથી અમે સાથે રહીએ છીએ અને તમામ પૈસા શેર કરીએ છીએ તો હવે લગ્ન ન કરવાનું એકમાત્ર કારણ આ હોરર ટેક્‍સ જ બની શકે છે. મરતાં પહેલાં મારે લગ્ન પતાવવાં પડશે.

(3:35 PM IST)