<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

રશિયાનો યુક્રેન પર કાળઝાળ અને ભીષણ હુમલો: મિસાઈલો અને ડ્રોનમારો ઝીંકાતાં ૧૬ નિર્દોષોના મોત:૪૦થી વધુ ગંભીર રીતે ઘાયલ

મિસાઈલોના ધડાકાથી ધ્રુજી ઊઠ્યું યુક્રેન: રહેણાંક વિસ્તારો અને ઈમારતો પર કાળમુખો બોમ્બમારોઃ કાટમાળ નીચે અનેક લોકો દટાયા: ચારેકોર ચીસિયારો અને લોહીની નદીઓઃ યુક્રેની પ્રમુખ ઝેલેન્સ્કીનો રશિયા પર પ્રહાર:વળતો જવાબ આપવા આહ્વાનઃ વિશ્વભરમાં હાહાકાર અને ભારે તંગદિલી

નવી દિલ્હી:રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું ભયાનક યુદ્ધ વધુ એકવાર અતિ હિંસક અને લોહિયાળ બન્યું છે! રશિયન સેનાએ યુક્રેનના અનેક શહેરો પર એકસાથે તૂટી પડીને ભીષણ અને રક્તરંજિત હુમલો કરી દીધો છે. ક્રૂર મિસાઈલો અને ઘાતક ડ્રોન વડે કરવામાં આવેલા આ અંધાધૂંધ બોમ્બમારામાં અત્યાર સુધીમાં ૧૬ નિર્દોષ નાગરિકોના કૂખ્યાત મોત નીપજ્યા છે, જ્યારે ૪૦થી વધુ લોકો ભયાનક રીતે ઘાયલ થતાં આખા વિસ્તારમાં કંપારી છૂટી ગઈ છે!
એરફોર્સનાં જણાવ્યા અનુસાર કીવ મુખ્ય નિશાન હતું. જો કે સમગ્ર યુક્રેનમાં ૨૮ સ્થળોએ હુમલા કરવામાં આવ્યા હતાં. આ હુમલાઓમાં ૧૬ લોકોનાં મોત થયા છે અને ૪૦થી વધુ લોકો ઘાયલ થયા છે. ઝેલેન્સ્કીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે આ એક ખૂબ જ મોટો હુમલો હતો. રશિયા ઘણા સમયથી આ હુમલાની તૈયારી કરી રહ્યું હતું. જેમાં અલગ અલગ પ્રકારની બેલેસ્ટિક મિસાઇલો, ક્રૂઝ મિસાઇલ અને ડ્રોન સામેલ હતાં. જેનો ઉદ્દેશ સિવિલિયન ઇન્ફ્રાસ્ટ્રકચરને વધુમાં વધુ નુકસાન પહોંચાડવાનું હતું. જો કે બીજી તરફ રશિયાનાં સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે હુમલો કીવની એક ઇન્ડસ્ટ્રીયલ સાઇટ પર કરવામાં આવ્યો છે. જે યુક્રેનની ફલેમિંગો ક્રૂઝ મિસાઇલ માટે પાર્ટ્સ બનાવે છે. રશિયાનાં સંરક્ષણ મંત્રાલયે વધુમાં જણાવ્યું છે કે તેણે યુક્રેનનાં ૭૨૬ ડ્રોન તોડી પાડયા છે. રશિયાનાં વધતા જતાં હુમલાઓને કારણે યુક્રેનનાં પાડોશી દેશોની પણ ચિંતા વધી ગઇ છે. યુક્રેનનાં પાડોશી દેશોને ડર સતાવી રહ્યો છે કે રશિયા તેમના ઉપર પણ હુમલા કરી શકે છે.

 

(5:40 PM IST)