તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 22nd August 2026
ગ્લોબલ આઈટી જગતમાં મોટો ભૂકંપઃ ટેક જાયન્ટ 'એપલ'માં પણ છટણીનો કાળમુખો કોડો વીંજાયોઃ સોફ્ટવેર ટીમમાંથી ૨૦૦ દિગ્ગજ એન્જિનિયરોને નોકરીમાંથી રવાના કર્યા
આઈટી ક્ષેત્રે ભયાનક મંદીની કાળી સાયા: અત્યાર સુધી કર્મચારીઓને સાચવતી સફરજન કંપનીએ અચાનક હાથ ઊંચા કરી દીધાઃ પિંક સ્લિપ પકડાવી સોફ્ટવેર એન્જિનિયરોને ઘેર ભેગા કર્યાઃ ખર્ચમાં કાપ અને એઆઈ (AI) યુગના પગલે નિર્ણય લેવાયાની ચર્ચાઃ ટેક વર્લ્ડના કરોડો કર્મચારીઓના જીવ તાળવે ચોંટ્યા

નવી દિલ્હી :વિશ્વની સૌથી મોટી અને ધનાઢ્ય ટેકનોલોજી કંપની ગણાતી 'એપલ' (Apple) માથી ભારે ચોંકાવનારા અને આઈટી ક્ષેત્રનું કાળજું કંપાવી દે તેવા સમાચાર સામે આવ્યા છે! અત્યાર સુધી મજબૂત અર્થતંત્ર અને સ્થિર નોકરીઓ માટે જાણીતી એપલ કંપનીએ પણ આખરે મંદી અને ખર્ચ કાપના નામે કર્મચારીઓની છટણીનો રોડમેપ અપનાવી લીધો છે. કંપનીએ પોતાની મુખ્ય સોફ્ટવેર ટીમમાંથી એકસાથે ૨૦૦ જેટલા કુશળ એન્જિનિયરોને નોકરીમાંથી હાંકી કાઢતાં ગ્લોબલ ટેક આલમમાં સન્નાટો વ્યાપી ગયો છે!
મળતી માહિતી મુજબ, એપલ પોતાની 'ઇન્ટેલિજન્ટ સિસ્ટમ્સ એક્સપિરિયન્સ' ટીમના કર્મચારીઓની પણ છટણી કરી રહી છે. આ ટીમ કંપનીના સોફ્ટવેર એન્જિનિયરિંગ વિભાગનો એક મહત્ત્વનો ભાગ છે અને ડિવાઇસ પર કેટલાક AI ફીચર્સ માટે જવાબદાર છે. કંપનીએ ગેમિંગ પર ફોકસ્ડ 'વિઝન પ્રો' ટીમને મોટા ભાગે બંધ કરી દીધી છે. એકંદરે કંપનીએ 200 લોકોની છટણી કરી છે, જેમાં વિઝન પ્રો ઓર્ગેનાઈઝેશનમાંથી 100 અને સિરી તેમજ અન્ય સોફ્ટવેર ટીમોમાંથી 100 જેટલા લોકોને હટાવવામાં આવ્યા છે.
એપલ પોતાના વોઇસ આસિસ્ટન્ટ સિરીને સંપૂર્ણપણે નવું રૂપ આપી રહ્યું છે. જૂનું સિરી આર્કિટેક્ચર હવે નવા AI ને સંભાળવા માટે સક્ષમ રહ્યું નથી. હવે કંપનીને એવા કોડિંગ એક્સપર્ટ્સની જરૂરિયાત છે, જેઓ નવી જનરેટિવ AI નું કામ જાણતા હોય. આ કારણોસર જૂની ટીમમાંથી 100 પદો ઘટાડીને નવી AI-કેન્દ્રિત ભૂમિકાઓ ઊભી કરવામાં આવી રહી છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આ ફેરફાર યુઝર્સને શ્રેષ્ઠ અનુભવ આપવા માટે છે. કંપની પ્રભાવિત કર્મચારીઓને એપલમાં જ અન્ય જગ્યાએ અરજી કરવાની તક આપીને મદદ કરવા પ્રતિબદ્ધ છે.
રિપોર્ટ અનુસાર, 3 લાખ રૂપિયાથી વધુની ભારેખમ કિંમત અને વજનના કારણે વિઝન પ્રો ગ્રાહકોને આકર્ષવામાં નિષ્ફળ રહ્યું છે. વધુમાં, તેના માટે 3D ઇમર્સિવ વીડિયોના એક-એક એપિસોડ પાછળ લાખો ડોલરનો જંગી ખર્ચ થતો હતો. ઓછા યુઝર બેઝના કારણે આ પ્રોજેક્ટ કંપની માટે ખોટનો સોદો સાબિત થઈ રહ્યો હતો. આર્થિક નુકસાન અટકાવવા એપલે પોતાની ઇન-હાઉસ ગેમિંગ અને વીડિયો પ્રોડક્શન ટીમને પણ અત્યંત નાની કરી દીધી છે.
(5:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
