<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

માઉન્‍ટ ફુજી પર ૮૨૦૦ ફુટની ઊંચાઈએ ૭ વર્ષનો દીકરો થાકી ગયો તો એકલો મૂકીને જેપનીઝ પિતા આગળ વધી ગયા

પિતાએ પાછા ફરવા અથવા હાઇકિંગ અટકાવવાને બદલે તેને રાહ જોવાની સૂચના આપીને તેના મોટા પુત્ર સાથે શિખર તરફ ચડાઈ શરૂ કરી હતી

ટોક્‍યો,તા.૨૫: એક જપાની પિતાએ ગુરુવારે સવારે લગભગ ૭.૩૦ વાગ્‍યે તેના ૭ વર્ષના પુત્રને માઉન્‍ટ ફુજીની ફુજીનોમિયા ટ્રેઇલ પર લગભગ ૮૨૦૦ ફુટ (આશરે ૨૪૯૦ મીટર)ની ઊંચાઈએ એકલો છોડી દીધો હતો, કારણ કે પુત્ર થાકી ગયો હતો અને પિતાને તેના સાથીઓ સાથે શિખર પર ચડવું હતું. આ ઘટનાથી જપાની સોશ્‍યલ મીડિયા પર યુઝર્સે પિતાની અવગણના અને બેજવાબદારીની ટીકા કરી હતી.

૪૮ વર્ષના પિતા તેમના બે પુત્રો સાથે ટ્રેકિગ કરી રહ્યા હતા. તેમનો એક પુત્ર નાગોયા પહેલા ધોરણનો વિદ્યાર્થી છે અને મોટો પુત્ર મિડલ સ્‍કૂલનો વિદ્યાર્થી છે. લગભગ ૨૪૯૦ મીટરની ઊંચાઈએ નાના છોકરા નાગોયાએ કહ્યું હતું કે તે થાકી ગયો છે. આ સમયે પિતાએ પાછા ફરવા અથવા હાઇકિગ અટકાવવાને બદલે તેને રાહ જોવાની સૂચના આપીને તેના મોટા પુત્ર સાથે શિખર તરફ ચડાઈ શરૂ કરી હતી.

સવારે ૭.૪૦ વાગ્‍યાની આસપાસ એક પહાડી ઝૂંપડીના કામદારે છોકરાને બેન્‍ચ પર એકલો બેઠો જોયો હતો. ભારે વરસાદ શરૂ થતાં તે બાળકને ઝૂંપડીની અંદર આશ્રય માટે લઈ ગયો હતો અને પોલીસને જાણ કરી હતી. પોલીસે પિતાને જાણ કરી હતી કે બાળકને આ રીતે પર્વત પર અધવચ્‍ચે છોડી દેવો અસ્‍વીકાર્ય છે, તમારે ચડાઈ છોડી દેવાની જરૂર હતી. પિતાએ અફસોસ વ્‍યક્‍ત કરતાં કહ્યું હતું કે મેં ઉતાવળમાં નિર્ણય લીધો હતો અને મને એનો ખૂબ જ અફસોસ છે. બાદમાં પોલીસ-અધિકારીઓએ પિતાને સખત ચેતવણી આપીને નાગોયાને સુપરત કર્યો હતો.

(10:20 AM IST)